Comments

કોઈ સંસદસભ્ય સંસદમાં આવું બોલે?

સંસદનું હાસ્યાસ્પદ નીવડેલું ખાસ અધિવેશન શા માટે બોલાવવામાં આવ્યું હતું એ રહસ્ય છે. મહિલાઓને ૩૩ ટકા અનામત બેઠકો તો ૧૫ વરસ પછી મળવાની છે એટલે એ માટેનો ખરડો નવી લોકસભામાં પણ રજૂ થઈ શક્યો હોત. ઉતાવળ શું હતી? હા, તાત્કાલિક અમલમાં આવે એ રીતે અનામતની જોગવાઈ લાગુ કરવામાં આવી હોત તો વાત જુદી હતી અને રાહુલ ગાંધીએ તો કહ્યું પણ હતું કે આ જોગવાઈ તાત્કાલિક અમલમાં આવે એ રીતે લાગુ કરો અને ચૂંટણીકીય લાભ લઈ જાઓ. પણ એમ કરવામાં નથી આવ્યું. મહિલાઓને પંદર વરસ પછી બેંકમાં નાખી શકાય એવો ચેક આપવામાં આવ્યો છે. તો આ ખાસ અધિવેશન શા માટે બોલાવવામાં આવ્યું હતું? ક્યાંક એવું તો નથી કે અધિવેશનના છેલ્લા દિવસે બીજેપીના સંસદસભ્ય રમેશ બિધૂડી મુસલમાનોને બેફામ ગાળો દે અને એ રીતે દેશમાં નવા સ્તર પર હિંદુ-મુસ્લિમ વિભાજન કરવા મળે?

શક્ય છે. હવે તો રીઝર્વ બેન્કે પણ કબૂલ કર્યું છે કે દેશની આર્થિક સ્થિતિ ઠીક નથી. ગયા અઠવાડિયે બહાર પડેલા બેન્કના અહેવાલ મુજબ કૌટુંબિક બચતમાં છેલ્લાં પચાસ વરસમાં ક્યારેય જોવા નહોતો મળ્યો એટલો ઘટાડો થયો છે. ૨૦૨૧માં કૌટુંબિક બચત જીડીપીના ૧૧ ટકા હતી જે ૨૦૨૨માં સાત ટકા અને અત્યારે પાંચ ટકા થઈ ગઈ છે. બચત ક્યારે ઘટે? બચત બે કારણે ઘટે. કાં તો આવકમાં ઘટાડો થાય અથવા મોંઘવારી વધે. અને બચત ઘટે તો શું થાય? કૌટુંબિક દેવામાં વધારો થાય. મૃત્યુ, બીમારી, સામાજિક પ્રસંગો કે મકાન ખરીદવું હોય અને ગાંઠે પૈસા ન હોય તો કર્જ લેવું પડે. રીઝર્વ બેન્કે કબૂલ કર્યું છે કે દેશમાં કૌટુંબિક દેવું ૨૦૦૨માં જીડીપીના ૩.૮ ટકા હતું જે હવે વધીને ૫.૮ ટકા થયું છે. બેરોજગારી પ્રચંડ માત્રામાં વધી રહી છે. સરકારો ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી કરતી નથી ત્યાં ખાનગી સેક્ટરની ક્યાં વાત કરીએ! આ સિવાય ચીન, મણીપુર, અદાણી સાથેની ભાઈબંધી વગેરે સતાવનારા પ્રશ્નો તો છે જ.

આ સ્થિતિમાં હિંદુ-મુસ્લિમ વિભાજન કરવું પડે એમ છે અને એમાં તેમની મહાનતા પણ છે. માટે રમેશ બીધૂડી જાણીબૂજીને બેફામ બોલ્યા હોવા જોઈએ, કારણ કે આવી ભાષામાં આજ સુધી કોઈ સંસદસભ્ય બોલ્યો નથી, પછી ગમે તેવી ઉત્તેજનાત્મક ઘટના વિષે ચર્ચા ચાલતી હોય. વળી સંસદમાં ચર્ચામાં ઉશ્કેરાઈ જવું પડે એવો કોઈ મુદ્દો પણ નહોતો. બહુજન સમાજ પક્ષના સભ્ય દાનીશ અલીને જે ભાષામાં ગાળો આપવામાં આવી હતી એ અહીં લખવાનો ઈરાદો હતો, પણ અત્યારે લખવાનું મન થતું નથી. લખતાં પણ શરમ આવે છે. શરમ કરતાં પણ ખિન્નતાનો અનુભવ થઈ રહ્યો છે. જેને એ ભાષા સાંભળવી હોય એ યુ ટ્યુબ પર સાંભળી શકે છે. કોઈ સંસદસભ્ય આવું બોલે? અને એ પણ સંસદમાં? અને હજુ વધુ આશ્ચર્યની વાત એ છે કે તેમની બાજુમાં બેઠેલા બીજેપીના સંસદસભ્ય ડૉ. હર્ષવર્ધન બિધૂડીને વારવાની જગ્યાએ મોઢું ફાડીને હસે છે.

ગૃહમાં હાજર બીજેપીના કોઈ સિનિયર નેતા બિધૂડીને રોકવાનો પ્રયાસ કરતા નથી. સ્પીકર રોકવાનો પ્રયાસ કરે છે, કારણ કે સ્પીકરે તેમ કરવું જોઈએ. કમસેકમ કેમેરા સામે પ્રયાસ કરતા નજરે પડવા જોઈએ. બિધૂડીએ ગાળો બોલીને જૂના સંસદભવનને વિદાય આપી હતી. આ દૃષ્ટિએ સંસદનું આ ખાસ અધિવેશન ઐતિહાસિક હતું.  આની સામે રાહુલ ગાંધી સાથે જે બન્યું એ સરખાવો. તેમણે ચૂંટણી વખતે પ્રચારસભામાં કહ્યું હતું કે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને જે લોકો દેશ છોડીને નાસી ગયા એમાંના મોટા ભાગના મોદી અટક ધરાવે છે. રાહુલ ગાંધીએ આમ બોલવું નહોતું જોઈતું. પણ નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં સોનિયા ગાંધી માટે “જર્સી ગાય”, “કોંગ્રેસની વિધવા” વગેરે જે રીતની ભાષાનો ઉપયોગ કર્યો હતો તેની તુલનામાં તો આ કાંઈ જ ન કહેવાય.

પણ એ પછી શું બન્યું? એક મોદી અટકધારીનું દિલ દુભાયું અને સુરતની અદાલતમાં તેમણે કેસ કર્યો. જજે રાહુલ ગાંધીના અદાણી વિશેના ઐતિહાસિક ભાષણ પછી જ્યારે જરૂર પડી ત્યારે ઉતાવળે સુનાવણી કરી અને ચુકાદો એ સમયે આપ્યો જ્યારે સંસદનું અધિવેશન ચાલતું હતું. કાયદાપોથીમાં બતાવેલી વધુમાં વધુ આપી શકાય એટલી અર્થાત્ પૂરી બે વરસની સજા કરી. જેલની સજા બે વરસની હતી એટલે સ્પીકરે બીજા જ દિવસે રાહુલ ગાંધીને સંસદસભ્યપદ માટે ગેરલાયક ઠરાવ્યા અને એના બીજા દિવસે રાહુલ ગાંધીને ફાળવવામાં આવેલું સરકારી મકાન ખાલી કરાવાયું.

રાહુલ ગાંધીએ ગુજરાતની વડી અદાલતમાં અપીલ કરી તો જજસાહેબે કારણ આપ્યા વિના નીચલી અદાલતની સજાને બહાલી આપી. ગુજરાતની વડી અદાલતના એ જજને શિરપાવ મળી ગયો છે. તેમની સર્વોચ્ચ અદાલતમાં જજ તરીકે બઢતી કરવામાં આવી છે. સંસ્કાર, સભ્યતા, માનમર્યાદા, દેશને શોભે એવા જાહેરજીવન માટેની નિસ્બત એમ બધું જ રાહુલ ગાંધીની બાબતમાં જોવા મળ્યું હતું. પણ રમેશ બીધૂડી સામે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. માટે વહેમ જાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top