Columns

યુક્રેનના મુદ્દે રશિયા અને નાટો વચ્ચે અણુયુદ્ધ ફાટી નીકળશે?

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે તે ડંફાસ મારતું હતું કે આ યુદ્ધ અઠવાડિયામાં પૂરું થઈ જશે. આજકાલ કરતાં આ યુદ્ધને આઠ મહિના થઈ ગયા છે, પણ રશિયા યુક્રેન પર વિજય પ્રાપ્ત કરી શક્યું નથી. તેનું કારણ એ છે કે રશિયાએ ધાર્યું હતું તેના કરતાં યુક્રેનનું લશ્કર વધુ ઝનૂની પુરવાર થયું છે. રશિયા દ્વારા યુદ્ધના પ્રારંભમાં જે કેટલાક પ્રદેશો કબજે કરવામાં આવ્યા હતા તે યુક્રેને લડીને પાછા મેળવી લીધા છે. આ વિસ્તારોમાં રશિયન સૈન્યને નામોશીભરી રીતે પીછેહઠ કરવાની ફરજ પડી છે. રશિયા દ્વારા ડોન્બાસ વિસ્તારમાં જનમત કરાવીને તેને રશિયા સાથે જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો તેનો પણ ત્યાંની પ્રજા વિરોધ કરી રહી છે. તેને કચડી નાખવા રશિયાનું લશ્કર ડોન્બાસ વિસ્તારમાં અત્યાચારો ગુજારી રહ્યું છે. યુક્રેન યુદ્ધમાં યુરોપ અને અમેરિકાનું લશ્કર સીધું મેદાનમાં નથી ઊતર્યું, પણ તેના નિષ્ણાતો પડદા પાછળ રહીને યુક્રેનને મદદ કરી રહ્યા છે. યુદ્ધના મેદાનમાં હારી રહેલું રશિયા મરણિયું થઈને યુક્રેન પર અણુહુમલો કરે તેવી સંભાવના વધી ગઈ છે.

રશિયા દ્વારા ડોન્બાસ વિસ્તારને બળજબરીથી રશિયામાં જોડી દેવામાં આવ્યો ત્યારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે આ પ્રદેશને મુક્ત કરાવવા યુક્રેન તેના પર આક્રમણ કરી શકે છે. તેના જવાબમાં રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ધમકી આપી હતી કે જો યુક્રેન તેવો કોઈ પણ પ્રયાસ કરશે તો રશિયા અણુબોમ્બ વાપરતાં અચકાશે નહીં. ઝેલેન્સ્કીએ ઇંટનો જવાબ પથ્થરથી આપતાં યુરોપ અને અમેરિકાના દેશોને આહ્વાન કર્યું હતું કે રશિયા યુક્રેન પર અણુહુમલો કરે તેની રાહ જોયા વિના પશ્ચિમના દેશોએ રશિયા પર હુમલો કરીને તેના સંભવિત અણુહુમલાને ખાળવો જોઈએ. અમેરિકાના પ્રમુખ જો બાઈડને આ ચર્ચામાં ઝંપલાવી દેતાં કહ્યું છે કે તેઓ રશિયાની અણુહુમલાની ધમકીને જરાય હળવાશથી લેતા નથી. જો બાઈડનના કહેવા મુજબ ૧૯૬૨ની ક્યુબા મિસાઇલ કટોકટી પછી પહેલી વાર દુનિયા અણુયુદ્ધની નજીક પહોંચી ગઈ છે.

૧૯૬૨માં અમેરિકાના ગુપ્તચર તંત્રને જાણ થઈ હતી કે રશિયા દ્વારા અમેરિકાની પડોશમાં આવેલા ક્યુબામાં ચોરીછૂપીથી અણુશસ્ત્રો ગોઠવી દેવામાં આવ્યાં છે. અમેરિકાના તત્કાલીન પ્રમુખ જોન કેનેડીએ રશિયાને તત્કાળ અણુશસ્ત્રો હટાવી લેવાની ચેતવણી આપતાં ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના પેદા થઈ હતી. ક્યુબાના સરમુખત્યાર ફિડલ કાસ્ટ્રો અમેરિકાના વિરોધી હતા. અમેરિકાએ ફિડલ કાસ્ટ્રોને ઉથલાવી પાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો તે પછી કાસ્ટ્રોને ડર લાગ્યો કે અમેરિકા તેના પર હુમલો કરીને તેમની જમીન પર કબજો જમાવી દેશે.

ફિડલ કાસ્ટ્રોએ રશિયાના તત્કાલીન પ્રમુખ નિકિતા ક્રુશ્ચેવનો સંપર્ક સાધીને તેમની મદદ માગી હતી. રશિયાએ ક્યુબાની વિનંતીથી અમેરિકાની સરહદ પર અણુબોમ્બ ધરાવતાં મિઝાઇલ ગોઠવી દીધાં હતાં. અમેરિકાને આ વાતની જાણ થતાં તેણે ક્યુબા પર હુમલો કરવાની તૈયારી કરી લીધી હતી. જો અમેરિકાએ ક્યુબા પર હુમલો કર્યો હોત તો રશિયા અને અમેરિકા વચ્ચે અણુયુદ્ધ ફાટી નીકળ્યું હોત. એક બાજુ યુદ્ધની તૈયારી ચાલતી હતી તો બીજી બાજુ મંત્રણાઓ ચાલતી હતી. કટોકટીના ૧૨મા દિવસે રશિયાના પ્રમુખનો સંદેશો આવ્યો કે જો અમેરિકા ક્યુબા પર હુમલો ન કરવાનું વચન આપે તો રશિયા મિઝાઇલ હટાવી લેશે. અમેરિકા સમાધાન કરવા તૈયાર થઈ ગયું તે પછી રશિયાએ પોતાનાં મિઝાઇલ હટાવી લીધાં હતાં.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં બેલારુસની હાલત સેન્ડવિચ જેવી થઈ ગઈ છે. બેલારુસ રશિયાની પડોશમાં આવેલો નાનકડો દેશ છે, જેને રશિયા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે. રશિયાનું લશ્કર યુક્રેનમાં પ્રવેશ કરવા માગતું હતું ત્યારે તેણે બેલારુસમાંથી પસાર થતો માર્ગ પસંદ કર્યો હતો. તાજેતરમાં બેલારુસના પ્રમુખ એલેક્ઝાંડર લુકાશેન્કોએ ભય વ્યક્ત કર્યો છે કે પોલાન્ડ, લિથુનિયા અને યુક્રેનનું લશ્કર બેલારુસ પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યું છે. બેલારુસને ડર છે કે પોલાન્ડ તેના પર અણુબોમ્બ વડે હુમલો કરશે.

બેલારુસે પોતાનો ભય રશિયા સમક્ષ વ્યક્ત કર્યો છે અને રશિયાની સહાય પણ માગી છે. બેલારુસના ડરને દૂર કરવા રશિયા બેલારુસમાં પણ અણુશસ્ત્રો ગોઠવી શકે છે. જો રશિયા અને નાટો વચ્ચે યુદ્ધ થાય તો બેલારુસમાં ગોઠવવામાં આવેલાં અણુશસ્ત્રો રશિયાને પોલાન્ડ પર હુમલો કરવા માટે હાથવગાં થઇ પડે તેમ છે. રશિયાના આક્રમણને ખાળવા યુક્રેન નાટોનું સભ્ય બનવા ઉતાવળું બન્યું છે. નાટોમાં કુલ ૩૦ દેશો છે. આ તમામ યુક્રેનને મંજૂરી આપે તો જ તે નાટોમાં જોડાઈ શકે છે. ૩૦ પૈકી ૭ દેશોએ યુક્રેનને લશ્કરી મદદ કરવાની હિમાયત કરી છે. જો યુક્રેન નાટોનું સભ્ય બને તો નાટોને યુદ્ધમાં ફરજિયાત ઝંપલાવી દેવું પડે.

યુક્રેન સામેનાં યુદ્ધમાં રશિયા માર ખાઈ રહ્યું છે તેનું એક કારણ એ પણ છે કે રશિયાનું લશ્કર બહુ લાંબા યુદ્ધ માટે તૈયાર નહોતું. રશિયાએ યુક્રેનનાં યુદ્ધમાં પ્રારંભમાં જે જીત મેળવી તેનો યશ રશિયાના પોતાના લશ્કરને નહીં પણ ચેચન્યાના ભાડૂતી લશ્કરને જોતો હતો. રશિયાના સૈનિકોને યુદ્ધનો બિલકુલ અનુભવ ન હોવાથી તેઓ પાછા પડી રહ્યા છે. તાજેતરમાં યુક્રેનના લશ્કરે રશિયાના લશ્કર પર હુમલો કરીને તેમણે જીતેલો ૩,૫૦૦ ચોરસ માઈલ જેટલો વિસ્તાર પાછો કબજે કર્યો હતો. રશિયા હવે યુક્રેન સામેનું યુદ્ધ પૂર્ણ કરવા ઉતાવળું બન્યું છે. તે માટે તે યુક્રેનમાં ત્રણ લાખ વધુ સૈનિકો મોકલવા માગે છે. રશિયાએ ત્રણ લાખ યુવાનોને તાલીમ આપીને લશ્કરમાં જોડાવા માટે તૈયાર કર્યા હતા.

તે યુવાનોને લશ્કરમાં જોડાવા માટેની નોટિસ મોકલવામાં આવી ત્યારે તેમનામાં હાહાકાર મચી ગયો હતો. તેઓ યુદ્ધના મોરચે જવા તૈયાર નહોતા, માટે રશિયા છોડીને ભાગવા લાગ્યા હતા. તેમને ભાગતા અટકાવવા રશિયા દ્વારા સરહદો સીલ કરી દેવામાં આવી હતી. આ યુવાનોએ રીતસર બળવો કર્યો હતો અને તેઓ સરકારનો વિરોધ કરવા રસ્તા પર આવી ગયા હતા. રશિયાની પોલીસ દ્વારા આ બળવાને કડક હાથે ડામી દેવામાં આવ્યો હતો. બળવો કરનારા ૧૩૦૦ યુવાનોની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. રશિયાના પ્રમુખ પુતિન દ્વારા આદરવામાં આવેલા યુદ્ધમાં જોડાવા રશિયાના યુવાનો તૈયાર નથી તે સાબિત થઈ ગયું છે. કદાચ આ કારણે જ અણુબોમ્બનો ઉપયોગ કરીને યુદ્ધનો અંત આણવા પુતિન ઉતાવળા થયા છે.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેના ૮ મહિના પછી યુક્રેને પૂર્વોત્તરના પ્રદેશમાં વળતો હુમલો કર્યો છે. ખારકીવ નામનું શહેર રશિયાના કબજામાં હતું, પણ યુક્રેનના સૈન્યે રશિયાના સૈન્યને ત્યાંથી મારી હટાવ્યું છે. રશિયાએ પણ આ પીછેહઠનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે તેઓ વધુ મોટા આક્રમણની તૈયારી કરવા માટે વ્યૂહાત્મક પીછેહઠ કરી રહ્યા છે. યુક્રેન કહે છે કે તેમણે યુદ્ધમાં ડોન્બાસ અને ક્રીમિયા જેવા પ્રદેશો ગુમાવ્યા હતા. તેને મુક્ત ન કરવામાં આવે ત્યાં સુધી તેમનું આક્રમણ ચાલુ રહેશે. એક સમયે રશિયાએ યુક્રેનની ૨૫ ટકા જમીન પર કબજો જમાવી દીધો હતો, પણ હવે યુક્રેનની ૧૫ ટકા જમીન જ રશિયાના કબજામાં છે. યુક્રેન દ્વારા રશિયાના સૈન્ય પર જે વળતો હુમલો કરવામાં આવ્યો તેમાં બ્રિટન અને અમેરિકાના જાસૂસી તંત્રની સીધી મદદ મળી હતી. તેમણે યુક્રેનને રશિયાના લશ્કરની નબળી કડીઓની માહિતી આપી હતી, જેના પર યુક્રેન ત્રાટક્યું હતું. નાટોનું સૈન્ય મેદાનમાં ઊતર્યા વિના યુક્રેનને મદદ કરી રહ્યું છે તે રશિયાને ખટકી રહ્યું છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top