Charchapatra

વરિષ્ઠ નાગરિક મંડળોમાં આવું કેમ ચાલે છે?!

સુરત શહેરમાં બિલાડીની ટોપની જેમ વરિષ્ઠ નાગરિક મંડળો એટલે કે સીનીયર સિટીઝન કલબો ધમધોકાર ચાલે છે. આ પ્રવૃત્તિ ખરેખર સિ.સિ. માટે આર્શીવાદરૂપ ફલદાયક બની રહે છે. દર મહિને નિયમિત સભ્યો એક બીજાને મળે, મંડળ દ્વારા કોઇ જાણકારી સભર કાર્યક્રમ ગોઠવાયો અથવા મનોરંજન મળી રહે તેવો કાર્યક્રમ પણ  થાય છે. ફિલ્મી ગીતોથી માંડીને ભજનો અને પ્રાસંગિક એવા રાષ્ટ્રભક્તિ અને હોળી-દિવાળીના પર્વમાં તેની ઉજવણી પણ ખૂબ જ સરસ રીતે થાય છે. વળી સુરત મહાનગરપાલિકા પણ સિ.સિ.ની આ પ્રવૃત્તિઓ ચાલતી રહે તે માટે આર્થિક ભારણ પણ વેઠે છે. બધુ જ રંગે ચંગે ચાલે છે.

પણ….. ખાટલે મોડી ખોડ એ છે કે લોકોના સહયોગથી, લોકોના નાણાથી (સભ્યપદથી) ચાલતી પ્રવૃત્તિઓના જવાબદાર હોદ્દેદારો તેમના સભ્યોને વર્ષે દહાડે મંડળની આર્થિક સ્થિતિનો ચિતાર રજૂ કરતો વાર્ષિક હિસાબ સુધ્ધા રજૂ કરતા નથી, કે તેવી કોઇ ચર્છા પણ કરતા નથી !! સિ.સિ. કલબો બધી જ સગભગ આર્થિક રીતે સધ્ધર છે. બેંકમાં લાખોની ફિકસ ડિપોઝીટ પણ છે. આર્થિક વ્યવહાર પણ સુચારૂ રૂપે ચાલે છે તો પછી 6 માસિક કે 12 માસિક આર્થિક હિસાબો શા માટે રજૂ કરવામાં આવતા નથી ?! આ મંડળના સભ્યો વરિષ્ઠ હોય છે એટલે તેઓ આવી ખટપટમાં પડવા માંગતા નથી અથવા તો જે તે મંડળના હોદ્દેદારો પાસે હિસાબની માંગ કરી તેમનાં અકારા થવા માંગતા નથી તેવા ડરથી જ જે ચાલે છે તે ચાલવા દોની નીતિ અપનાવી ચૂપ રહે છે. અને બધુ હોદ્દેદારોના ભરોષે અને વિશ્વાસે મૂકી દીધુ હોય ત્યારે જે તે મંડળના હોદ્દેદારોએ પણ પોતાની નૈતિક ફરજ ગણી દર 6 મહિને કે 12 મહિને હિસાબો જાહેર કરી તે હિસાબોની આવક-જાવકના સરવૈયાની નકલ દરેક સભાસદો હાથો-હાથ આપવી જોઇએ. આમ કરવાની પહેલ કયું વરિષ્ઠ મંડળ કરશે ?
સુરત     – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

2024 વૈશ્વિક પોલિટિકલ વર્ષ
વિશ્વમાં 2024નું વર્ષ અનેક દેશોમાં ચૂંટણીનું વર્ષ બની રહેશે. હાલમાં જ રશિયામાં પુટિન ફરી પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા, જે વિશ્વની ડીપ્લોમેટીક દ્રષ્ટિએ ભારત માટે શુભકારી સાબિત થશે. અન્ય મહાસેવા એવા અમેરિકા અને ભારતમાં આગામી સમયમાં ચૂંટણી યોજાનારી છે અને ભારતમાં જૂનમાં જુની સરકાર બનશે અને ફરી એકહથ્થુ શાસન આવે તેવી પ્રબળ સંભાવનાઓ રહેલી છે, જયારે અમેરિકામાં બ્રાઇડેન સામે ટ્રમ્પનું પલ્લું ભારે હોવાનું મનાઈ રહ્યું છે. ટૂંકમાં 2024માં અનેક આફતો સામે આશાઓનો સુખદ સૂર્યોદર્ય પણ થશે એવાં હકારાત્મક ચિહ્નો પણ દેખાઈ રહ્યાં છે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top