Comments

કિંમત આંતરરાષ્ટ્રિય અને વેતન સ્થાનિક આવું કેમ?

ભારતના ઉચ્ચ મધ્યમ વર્ગ અને શિક્ષિત વર્ગ પાસે હવે દેશ કરતાં વિદેશની વાતો વધારે હોય છે! દુનિયાભરનું જ્ઞાન આ શિક્ષિત-બોલકો વર્ગ પાનના ગલ્લે, ચાની લારી પર ઠાલવતો રહે છે. દેશમાં આર્થિક-સામાજિક કોઈ ઘટના બને કે તરત અમેરિકામાં તો આવું કેનેડામાં તો આવું યુરોપમાં તો આવું એમ ઉદાહરણ આપવા માંડે છે. તો પ્રશ્ન એ થાય કે આટલી બધી આંતર રાષ્ટ્રિય સમજણ રાખનાર વર્ગને ભારતમાં અર્થશાસ્ત્રના નામે ખૂલ્લી લૂંટ અને શોષણનો જે સિલસિલો ચાલુ થયો છે તે નહીં સમજાતો હોય!

ભારતના કોઈ પણ એરપોર્ટ પર જાવ તો ચા-કોફીના દોઢસોથી બસો રૂપિયા, સાદા નાસ્તામાં સમોસા લો કે ઢોસા સો થી બસો રૂપિયા અને થોડું વધારે જમો તો ચારસો-પાંચસો રૂપિયા. જો આ ઊંચી કિંમતો વિષે તમે કોઈને ફરિયાદના સ્વરૂપમાં રજૂઆત કરો તો કહે કે ભાઈ અમેરિકામાં એક ચા-કોફી બે થી ત્રણ ડોલરમાં મળે છે. એક ડોલરના સિત્તેર રૂપિયા ગણો તો બસો-ત્રણસો રૂપિયા મતલબ બે-ત્રણ ડોલર.. વિદેશી યાત્રીઓ એરપોર્ટ પર બે-પાંચ ડોલર કે યુરો ખર્ચે તો વાંધો શું છે?
હવે સૌ જાણે છે કે કોઈ પણ દેશના એરપોર્ટમાં જે તે દેશનાં યાત્રીઓ જ નેવું ટકા હોય.

ભારત જેવા દેશમાં વિદેશી યાત્રીઓ માંડ દસ ટકા હોય. આવા વિદેશી યાત્રીઓ પાસેથી બે-ત્રણ ડોલર કે યુરો કમાવા માટે નેવું ટકા ભારતીયોને લૂંટવાને મંજૂરી ના આપી શકાય! જેને વિદેશનો અનુભવ હોય તેણે જોવું જોઈએ કે તમામ વિકસિત દેશોમાં આવો કિંમતભેદ નથી. સામાન્ય બજારમાં વસ્તુ-સેવાની જે કિંમત હોય તે જ કિંમત મલ્ટિપ્લેક્ષ કે એરપોર્ટ પર હોય છે. હા, હોટલ્સ, લકઝરી સુવિધાવાળી જગ્યાએ ભાવફેર હોય છે પણ એ તફાવત ખૂબ મોટો નથી હોતો. આખા યુરોપમાં બજારમાં બે-ત્રણ યુરોમાં ચા-કોફી મળે તો મોલ-મલ્ટિપ્લેક્ષ કે એરપોર્ટમાં પણ એ જ ભાવે કોફી મળે છે.

જો કે મૂળ વાત આંતરરાષ્ટ્રિય ધોરણે લેવાતી કિંમત સામે લોકલ લેવલે ચૂકવાતા વેતનની કરવી છે! આજે ખાનગીકરણ અને ઉદારીકરણ પછી મોટા ભાગની વસ્તુઓ-સેવાઓની માંગ-પુરવઠા દ્વારા કિંમત નક્કી થાય છે(એવું તજજ્ઞો રટે છે) પેટ્રોલ અને ડીઝલથી માંડી કોમ્પ્યુટર કે મોબાઈલમાં હવે બહુ ભાવફેર નથી. વિદેશોમાં જે વસ્તુ જે ભાવે મળે છે તે જ વસ્તુ ભારતમાં હુંડિયામણના ગુણોત્તરમાં સમાન ભાવે મળે છે. એટલે કે 1 ડોલરમાં મળતી વસ્તુ ભારતમાં 75 રૂપિયામાં વેચાય છે. આપણો શહેરી મધ્યમ વર્ગ આને ન્યાયિક અને યોગ્ય પણ માને છે. પણ કોઈ એ પ્રશ્ન નથી કરતું કે જેઓ પોતાની વસ્તુ કે સેવાની કિંમત આંતરરાષ્ટ્રિય ધોરણ મુજબ વસૂલે છે. તેઓ પોતાને ત્યાં કામ કરતાં શ્રમિકો અને કર્મચારીઓને પગાર-વેતન તે જ ધારા ધોરણ મુજબ ચૂકવે છે?

મલ્ટિપ્લેક્ષમાં ત્રણસો રૂપિયાની ટિકીટ અને ત્રણસો રૂપિયાના પોપકોર્ન વેચનાર થિયેટર માલિક પોતના કર્મચારીને અમેરિકા કે યુરોપની જેમ કલાકના સાત-આઠ ડોલર લેખે પગાર ચૂકવે છે? હવાઈ અડ્ડા પર બસો-ત્રણસોની ચા કોફી વેચનાર આ ચા-બનાવનાર કારીગરને એવા જ તગડા પગાર ચૂકવે છે? ના! તો આવું કેમ? આંતરરાષ્ટ્રિય અર્થશાસ્ત્રની વાત માત્ર મૂડી અને કિંમતને જ કેમ લાગુ પડે? શ્રમ અને વેતનને કેમ નહીં? આ તો આપણી શિક્ષણ સંસ્થાઓ જેવું જ થયું કે વાલીઓ બાળકને ઉત્તમ શિક્ષણ મળે તે માટે લાખો રૂપિયા ફી ચૂકવે છે.

પણ શાળા સંચાલકો તેમના શિક્ષકો અને વહીવટીય કર્મચારીઓને તો સાવ કચરા જેવા પગાર ચૂકવે છે અને આપણે ક્યારેય આ ચર્ચા કરતા જ નથી કે અમારી પાસેથી વધારે રૂપિયા વસૂલો છો તો તમે પણ વધારે જ ચૂકવો! એક જાગૃત નાગરિક તરીકે આપણે આર્થિક ક્ષેત્રે સતર્કતા કેળવવી જરૂરી છે. માંગ-પુરવઠાના નામે પેટ્રોલ-ડીઝલના આંતરરાષ્ટ્રિય ભાવ વધ્યા ત્યારે તેની દેશમાં કિંમત વધી તેની વકીલાત કરનારા અત્યારે જ્યારે આંતર રાષ્ટ્રિય સ્તરે ભાવ ઘટ્યા છે તો શોધ્યા જડતા નથી! પેટ્રોલ-ડીઝલના રોજે-રોજ ભાવ બદલાશે એવું કહેનારા છ-છ મહિના ભાવ ઊંચા રાખવામાં આવે છે તે માટે બોલતા નથી!

દેશમાં ત્રિપલ તલાક ગેરકાયદે ગણાય, કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ થાય, ભગવાન શ્રી રામનું સરસ મંદિર બંધાય એ તમામ બાબતો આવશ્યક અને આવકારદાયક છે. જો કે તેનો વ્યાપ અને અસર મર્યાદિત છે. જ્યારે જીવન-જરૂરી ચીજવસ્તુની કિંમત એ સામાન્ય પ્રજાજનને વ્યાપકપણે અસર કરનારી બાબત છે. સરકારે અને પ્રજાએ બન્નેએ આર્થિક ન્યાય માટે સતર્ક થવું પડશે, જે નિયમોથી કિંમત નક્કી થાય તે જ નિયમોથી વેતન નક્કી થવા જોઈએ! અર્થશાસ્ત્ર એ લૂંટનું શાસ્ત્ર નથી. ભોળી પ્રજાને લૂંટવા માટે તેના નિયમોનો ઉપયોગ કરવાનો નથી! માંગ-પુરવઠાના નિયમો થોડાક લોકોની મરજી મુજબ લાગુ કરવાના નથી. કિંમતો સમાન હોય તે પણ સમાન નાગરિક અધિકારનો જ એક ભાગ છે!
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top