Columns

ગીતા પ્રેસ ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર આપવાનો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે?

આપણા દેશમાં કોઈ પણ મોટો પુરસ્કાર આપવામાં આવે તેનો વિવાદ પેદા કરવાની જાણે ફેશન થઈ રહી છે. તાજેતરમાં ૧૦૦ વર્ષથી દેશમાં વૈદિક ધર્મના સાહિત્યનો પ્રચાર કરી રહેલા ગીતા પ્રેસ ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો તેનો બીજા કોઈ નહીં પણ ગાંધીજીનો ઝંડો લઈને ચાલતા કોંગ્રેસ પક્ષ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. ગાંધી શાંતિ પુરસ્કાર વર્ષ ૧૯૯૫માં ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે શરૂ કરવામાં આવ્યો હતો.

તેમાં શિલ્ડ ઉપરાંત એક કરોડ રૂપિયા રોકડા પણ આપવામાં આવે છે. અગાઉ આ પુરસ્કાર બાબા આમટે, નેલ્સન માંડેલા, રામકૃષ્ણ મિશન, ઇસરો, બાંગ્લા દેશ ગ્રામિણ બેન્ક વગેરેને આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર આપવા માટેની જે કમિટિ છે તેના અધ્યક્ષ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે, માટે ગીતા પ્રેસને તેમની સંમતિથી જ આ પુરસ્કાર આપવામાં આવ્યો તે સહજ છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર આપવાનો વિરોધ કરતાં કહ્યું છે કે ‘‘આ તો વીર સાવરકરને અને ગોડસેને ગાંધી શાંતિ પુરસ્કાર આપવા જેવું પગલું છે.’’

કોંગ્રેસ ઉપરાંત કેટલાક ડાબેરી વિચારસરણી ધરાવતા નેતાઓ પણ ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર આપવાનો વિરોધ કરી રહ્યા છે, તેનાં કારણો ઐતિહાસિક છે. વર્ષ ૧૯૨૩માં બે મારવાડી ઉદ્યોગપતિઓ જયદયાલ ગોયેન્કા અને હનુમાન પ્રસાદ પોદ્દારે મળીને ગીતા પ્રેસની સ્થાપના કરી હતી, જેનો ઉદ્દેશ વૈદિક ધર્મનું સાહિત્ય લોકો સુધી સસ્તામાં પહોંચાડવાનો હતો. આ બે ઉદ્યોગપતિઓ પ્રારંભમાં ગાંધીજીના પ્રખર ટેકેદાર હતા, પણ જ્યારથી ગાંધીજીએ હરિજનોને મંદિરોમાં પ્રવેશ આપવાની ઝુંબેશ ચલાવી ત્યારથી તેઓ ગાંધીજીથી દૂર થઈ ગયા હતા. વર્ષ ૧૯૪૮માં જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે જે લોકોની ધરપકડ કરવામાં આવી તેમાં ગીતા પ્રેસના સંચાલકનો પણ સમાવેશ થતો હતો, કારણ કે તેઓ કટ્ટર હિન્દુવાદી ગણાતા હતા.

ગીતા પ્રેસનો સૌથી મોટો ફાળો સનાતન ધાર્મિક ગ્રંથોને સામાન્ય લોકો માટે સસ્તા ભાવે સુલભ બનાવવાનો છે. ગીતા પ્રેસે ભગવદ્ ગીતા, તુલસીદાસની કૃતિઓ, પુરાણો અને ઉપનિષદોની કરોડો નકલો વેચી છે. ગીતા પ્રેસે સનાતન હિંદુત્વની માન્યતાઓને દરેક ઘર સુધી પહોંચાડી છે અને હિંદુત્વ પુનરુત્થાનવાદીઓના મિશનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે એમ કહેવું ખોટું નહીં હોય. ગીતા પ્રેસનું માસિક મેગેઝિન ‘કલ્યાણ’ આજે પણ બે લાખથી વધુ નકલો વેચે છે. અંગ્રેજી માસિક કલ્યાણ કલ્પતરુની એક લાખથી વધુ નકલો ઘર-ઘરમાં પહોંચે છે. ભગવદ્ગીતા, રામચરિતમાનસ, ઉપનિષદ વગેરે જેવા હિંદુ ધાર્મિક ગ્રંથો ઉપરાંત ‘કલ્યાણ’ નામના સામયિકે સનાતન હિંદુ ધર્મ અને તેની પ્રાચીન કટ્ટર હિન્દુ વિચારધારાના મુદ્દાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યા છે.

પત્રકાર અને લેખક અક્ષય મુકુલે ‘ગીતા પ્રેસ એન્ડ ધ મેકિંગ ઓફ હિંદુ ઈન્ડિયા’ નામના પુસ્તકમાં ગીતા પ્રેસના આક્રમક હિન્દુત્વની ભારે આલોચના કરી છે. અક્ષય મુકુલ લખે છે કે ગીતા પ્રેસ પ્રકાશિત મેગેઝિન ‘કલ્યાણ’ના લેખોની સૌથી મહત્ત્વની વાત એ હતી કે તેમાં હિન્દુ સમાજના પરસ્પરના ભેદભાવો વિશે વાત કરવામાં આવી નથી. અક્ષય મુકુલના મતે ગીતા પ્રેસ દલિતોના મંદિર પ્રવેશના વિરોધમાં હતો, જ્યારે હિન્દુ મહાસભા તેની તરફેણમાં હતી. હિન્દુ મહાસભાએ કહ્યું હતું કે ‘‘દલિતોએ ઉચ્ચ જાતિના ચુંગાલમાંથી બહાર આવવું જોઈએ.’’ કલ્યાણે કહ્યું હતું કે ‘‘મંદિરમાં પ્રવેશ અસ્પૃશ્યો માટે નથી અને જો તમે નીચી જાતિમાં જન્મ્યા છો તો તે તમારા પાછલા જન્મનાં કર્મોનું પરિણામ છે.’’ આમ હોવા છતાં ગીતા પ્રેસે ક્યારેય હિન્દુ મહાસભાની ટીકા કરી નથી.

સનાતન ધર્મના સમર્થકો આજે પણ મનુસ્મૃતિને માને છે, જેમાં નારીને સ્વતંત્રતા ન આપવાની વાત કરવામાં આવી છે. જો કે તે જ મનુસ્મૃતિમાં એમ પણ લખવામાં આવ્યું છે કે જ્યાં નારીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. કલ્યાણ મેગેઝિનમાં પણ નારીની ભારતીય સમાજમાં ભૂમિકા બાબતના લેખો છપાતા રહ્યા છે, જેમાં મનુસ્મૃતિને પ્રમાણ માનીને દલીલો કરવામાં આવતી હતી. તેના એક લેખમાં લખ્યું હતું કે પતિની સેવા કરવી તે આર્ય નારીનો ધર્મ છે. બીજા લેખમાં લખવામાં આવ્યું છે કે સ્ત્રીએ ક્યારેય એકલાં ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. યાદ રહે કે આ લેખો આશરે એક સદી પહેલાં છપાયા હતા, જ્યારે પશ્ચિમનો પવન ફૂંકાવાનો દેશમાં પ્રારંભ થયો હતો અને નારીને સ્વતંત્રતા આપવાનો વિરોધ થઈ રહ્યો હતો. કલ્યાણ મેગેઝિનમાં નારીને સ્વતંત્રતા ન આપવાની વાત કરવામાં આવી તેનો ઉદ્દેશ નારીને સંરક્ષણ આપવાનો હતો.

૧૯૪૦ ના દાયકામાં જ્યારે એવું લાગતું હતું કે આઝાદી નજીક છે, ત્યારે ભક્તિ અને શાંતિની વાત કરનારા ‘કલ્યાણ’ના સંપાદકો હિન્દુ મહાસભાની ભાષા બોલવા લાગ્યા હતા. તેઓ ભારતના ભાગલા પાડવાના વિરોધી હતા, જેને કારણે તેઓ ગાંધીજીના વિચારોના પણ વિરોધી થઈ ગયા હતા. કલ્યાણનાં પાનાં ‘જિન્ના ચાહે દેદે જાન, નહીં મિલેગા પાકિસ્તાન’ જેવા નારાઓથી રંગાયેલા હતા. શરૂઆતમાં, હનુમાનપ્રસાદ પોદ્દારના મહાત્મા ગાંધી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો હતા, પરંતુ ધીમે ધીમે તે સંબંધો બગડતા ગયા હતા. ગીતા પ્રેસના મેગેઝિન કલ્યાણે ૧૯૪૦ના દાયકામાં મહાત્મા ગાંધીના વિચારોની નિંદા કરતા લેખો લખ્યા હતા. ‘ગીતા પ્રેસ એન્ડ ધ મેકિંગ ઓફ હિંદુ ઈન્ડિયા’ના લેખક અક્ષય મુકુલના કહેવા પ્રમાણે, ૧૯૫૧-૫૨ માં ગોવિંદ બલ્લભ પંત હનુમાનપ્રસાદ પોદ્દારને ‘ભારતરત્ન’ આપવા માંગતા હતા, પણ તેઓ ભૂલી ગયા હતા કે ૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યા બાદ જે ૨૫,૦૦૦ લોકોને અટકાયતમાં લેવાયા હતા, તેમાં હનુમાનપ્રસાદ પોદ્દારનો પણ સમાવેશ થતો હતો. જો કે તેમને પાછળથી નિર્દોષ ગણી છોડી દેવામાં આવ્યા હતા.

ભારતની આઝાદી પછી જ્યારે હિંદુ કોડ બિલ પર ચર્ચા થઈ ત્યારે ગીતા પ્રેસે મહિનાઓ સુધી જવાહરલાલ નેહરુ અને ડૉ. ભીમરાવ આંબેડકર પર આકરા પ્રહારો કર્યા. ગીતા પ્રેસ વર્ણ પ્રથાની હિમાયત કરતો હતો અને માનતો હતો કે હિંદુ કોડ બિલ હિંદુઓ વિરુદ્ધ છે અને જો તે અમલમાં આવશે તો બિનહિન્દુ જમાઈઓ હિન્દુ કન્યાઓને પરણીને હિન્દુઓના ઘરજમાઈ બની જશે. ગીતા પ્રેસના સામયિક કલ્યાણે બંધારણસભાની રચનાથી લઈને જવાહરલાલ નેહરુએ હિન્દુ કોડ બિલને ચાર ભાગમાં પસાર કર્યું ત્યાં સુધી આ અભિયાન ચલાવ્યું હતું. વર્ષ ૧૯૫૧માં જ્યારે પ્રભુદત્ત બ્રહ્મચારી ચૂંટણીમાં નેહરુની સામે ઊભા રહ્યા હતા ત્યારે કલ્યાણે ઝુંબેશ ચલાવી હતી કે લોકોએ પ્રભુદત્ત બ્રહ્મચારીને મત આપવો જોઈએ કારણ કે કલ્યાણના મતે નેહરુ અધર્મી હતા.

ભારતના બહુમતી હિન્દુઓ તો ગીતા પ્રેસને એક ધાર્મિક સંસ્થા તરીકે જુએ છે, જેનું કામ ધાર્મિક સાહિત્યનો પ્રચાર કરવાનું છે. ગીતા પ્રેસે કોઈ સમયે રાજકીય વિવાદોમાં પણ ભાગ લીધો હતો, તેનો ખ્યાલ તો આપણને ગાંધી શાંતિ પુરસ્કાર નિમિત્તે કોંગ્રેસે પેદા કરેલા વિવાદોથી જ આવ્યો. તેના પરથી એટલો ખ્યાલ જરૂર આવે છે કે ગીતા પ્રેસ ગાંધી, નેહરુ અને આંબેડકરની બિનસાંપ્રદાયિક વિચારધારાનો વિરોધી હતો. અમારા મતે તેને બીજો કોઈ પણ પુરસ્કાર આપવો જોઈએ, પણ ગાંધીજીના વિચારોને આગળ વધારવાનો પુરસ્કાર ગીતા પ્રેસને આપી શકાય નહીં.

Most Popular

To Top