
આપણે ત્યાં કહેવાય છે કે મિત્રની કે શત્રુની સાચી ઓળખાણ કટોકટીના કાળમાં થાય છે. તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થયો ત્યારે બંને દેશને ખબર પડી ગઈ કે તેમનો મિત્ર કોણ છે અને દુશ્મન કોણ છે. આ કટોકટીની ક્ષણોમાં ચીન ઉપરાંત તુર્કી પણ પાકિસ્તાનની પડખે રહ્યું હતું, જ્યારે ઈઝરાયેલ ભારતની પડખે ઊભું રહ્યું હતું. પાકિસ્તાન હુમલા માટે તુર્કીના ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે તો ભારત ઇઝરાયલી ડ્રોનથી હુમલો કરી રહ્યું છે. તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો તેને કારણે કેટલાંક લોકો તુર્કીમાં બનેલા માલનો બહિષ્કાર કરી રહ્યા છે તો કેટલાંક લોકો તુર્કીની ટુર કેન્સલ કરીને દેશપ્રેમ પુરવાર કરી રહ્યા છે. હકીકતમાં પાકિસ્તાનને તુર્કી કરતાં વધુ શસ્ત્રો ચીન તથા અમેરિકા આપે છે, પણ તેમનો બહિષ્કાર કરવાનો વિચાર કોઈને આવતો નથી.
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું હતું કે પાકિસ્તાનના લોકો ભાઈઓ જેવા છે અને તેમના માટે અલ્લાહ પાસે પ્રાર્થના કરે છે. ઇસ્લામના આધારે તુર્કી પાકિસ્તાન સાથે વૈચારિક નિકટતા ધરાવે છે. તુર્કી અને પાકિસ્તાન શીત યુદ્ધમાં અમેરિકાના ભાગીદાર હતા. તેમનો સુરક્ષા સહયોગ ખૂબ જ ઊંડો રહ્યો છે. ઘણા પાકિસ્તાની સેનાપતિઓના તુર્કી સાથે અંગત સંબંધો રહ્યા છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ હવે નોંધપાત્ર રીતે વધ્યો છે. એર્દોગન પોતાને એક ઇસ્લામિક નેતા તરીકે સ્થાપિત કરવા માગે છે અને ઇસ્લામિક બાબતોને મહત્ત્વ આપે છે. એર્દોગન ઘણી વાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે અને તેને ઇસ્લામિક મુદ્દા તરીકે રજૂ કરે છે. તુર્કીએ સ્પષ્ટ કર્યું છે કે તે પાકિસ્તાન સાથે ઊભું છે. રસપ્રદ વાત એ છે કે મધ્ય પૂર્વમાં બે મહત્ત્વપૂર્ણ શક્તિઓ છે, જેમાં તુર્કી સંપૂર્ણપણે પાકિસ્તાન સાથે છે અને ઇઝરાયલ ભારત સાથે છે. તુર્કી અને પાકિસ્તાનની વાત કરીએ તો એર્દોગનના આગમન પછી તેમના સંબંધોમાં ઇસ્લામે પ્રવેશ કર્યો છે. બંને દેશો વચ્ચેના સંબંધો ૧૯૫૦ થી ઘનિષ્ઠ છે, પરંતુ એર્દોગનના આગમન પછી ઇસ્લામે આ સંબંધોમાં પ્રવેશ કર્યો અને હવે તેણે એક મજબૂત સ્થાન બનાવ્યું છે. તુર્કી અને પાકિસ્તાન વચ્ચે માત્ર વૈચારિક નિકટતા જ નથી, પરંતુ તુર્કીને પાકિસ્તાનનું સમગ્ર સંરક્ષણ બજાર પણ મળી રહ્યું છે. આ સાથે તુર્કી ઇસ્લામિક વિશ્વમાં બતાવવાનો પ્રયાસ કરશે કે તે એક ઇસ્લામિક દેશ પાકિસ્તાન સાથે ઊભું છે.
તુર્કી લાંબા સમયથી ઇસ્લામિક વિશ્વનું નેતૃત્વ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેને સાઉદી અરેબિયા તરફથી પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. સાઉદી અરેબિયામાં મક્કા અને મદીનાની પવિત્ર મસ્જિદો છે જ્યારે તુર્કીમાં ઓટ્ટોમન સામ્રાજ્યનો વિશાળ વારસો છે. સાઉદી અરેબિયા ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) પર પ્રભુત્વ ધરાવે છે, જ્યારે એર્દોગને મુસ્લિમ દેશોનું એક એવું સંગઠન બનાવવાનો પ્રયાસ કર્યો હતો જે તેમની ઇચ્છા મુજબ કાર્ય કરે. આ માટે એર્દોગને ડિસેમ્બર ૨૦૧૯ માં મલેશિયા, ઈરાન અને પાકિસ્તાન સાથે વાટાઘાટો કરી હતી પરંતુ સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને રોકી દીધું હતું. પાકિસ્તાન તુર્કીને માત્ર એટલી હદે સહકાર આપે છે જેટલી સાઉદી અરેબિયાને સ્વીકાર્ય હોય. ઇસ્લામિક અથવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં પાકિસ્તાન એક માત્ર પરમાણુ શક્તિ છે. આવી સ્થિતિમાં, ઇસ્લામિક વિશ્વમાં પાકિસ્તાનનું મહત્ત્વ વધી જાય છે. ઇસ્લામનો ઉપયોગ તકવાદી નારા તરીકે થાય છે. જ્યારે ફાયદાની વાત આવે છે, ત્યારે તેઓ ઇસ્લામનો ઉલ્લેખ કરે છે. જ્યારે ભૂરાજનીતિમાં પોતાનાં હિતોની વાત આવે છે, ત્યારે ઇસ્લામ પૃષ્ઠભૂમિમાં ઝાંખો પડી જાય છે.
તુર્કી પશ્ચિમ એશિયામાં ઓટ્ટોમન સામ્રાજ્ય જેવું જ વર્ચસ્વ મેળવવા માંગે છે. આ તેની પ્રાથમિક ઈચ્છા છે અને આ ઈચ્છામાં તુર્કી પાકિસ્તાનને એક મહત્ત્વપૂર્ણ સાથી તરીકે જુએ છે. તુર્કીએ ક્યારેય ભારત પ્રત્યે સહાનુભૂતિ રાખી નથી. તુર્કીએ હંમેશા કાશ્મીર મુદ્દા પર ભારતને વખોડ્યું છે. મધ્ય પૂર્વ અને ખાડીમાં ભારતનાં હિતો ઇઝરાયલ, સાઉદી અરેબિયા, કતાર, યુએઈ અને ઈરાન સાથે જોડાયેલાં છે. આ દેશો સાથે ભારતના સંબંધોમાં પૂરતી હૂંફ છે. સાઉદી અરેબિયા પાકિસ્તાન અને ભારત બંને માટે એક મહત્ત્વપૂર્ણ દેશ છે. સાઉદી અરેબિયાએ ભૂતકાળમાં ઘણી વખત પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બચાવ્યું છે. તુર્કીએ ક્યારેય પાકિસ્તાનને એટલી મદદ કરી નથી જેટલી સાઉદી અરેબિયાએ કરી છે. સાઉદી અરેબિયા પણ જાણે છે કે પાકિસ્તાન માટે તે કેટલું મહત્ત્વનું છે. સાઉદી અરેબિયાના ભારત સાથે પણ ખૂબ જ વ્યાપક સંબંધો છે અને તેમાં બધું જ હાજર છે. વિશ્વભરમાં લગભગ ૨૦૦ દેશો છે અને તેમાં તુર્કીના પાકિસ્તાન સાથેના જોડાણને મોટા આઘાત તરીકે ન જોઈ શકાય. ઇસ્લામ અંગે એર્દોગનનું વલણ સ્પષ્ટપણે દેખાય છે.
ઇસ્લામિક દેશોના સંગઠન (OIC) એ બંને દેશોને તણાવ ઓછો કરવા અપીલ કરી હતી પરંતુ કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. બુધવારે જ્યારે ભારતે પાકિસ્તાનમાં લશ્કરી કાર્યવાહી કરી ત્યારે OIC એ ચિંતા વ્યક્ત કરતું એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે ભારત દ્વારા પાકિસ્તાન પર લગાવવામાં આવેલા આરોપોના કોઈ પુરાવા નથી. ભારત અને તુર્કી વચ્ચેના સંબંધોમાં રહેલી અસ્વસ્થતા એ વાત પરથી પણ સમજી શકાય છે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી દુનિયાના અનેક દેશોની મુલાકાતે ગયા છે, પણ ક્યારેય તુર્કીની મુલાકાતે ગયા નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે તુર્કી અને પાકિસ્તાન વચ્ચેની એકતા દાયકાઓથી સ્પષ્ટપણે દેખાય છે. બંને દેશો તેમના આંતરિક મુદ્દાઓ પર એકબીજાને ટેકો આપતા રહ્યા છે.
અઝરબૈજાનને લઈને પણ બંને દેશો વચ્ચે નિકટતા છે. તુર્કી, પાકિસ્તાન અને અઝરબૈજાન વચ્ચેની મિત્રતા આર્મેનિયા માટે બોજારૂપ છે. પાકિસ્તાન વિશ્વનો એકમાત્ર દેશ છે જેણે આર્મેનિયાને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી નથી. અઝરબૈજાન નાગોર્નો-કારાબાખના વિવાદિત પ્રદેશ પર દાવો કરે છે અને પાકિસ્તાન પણ તેનું સમર્થન કરે છે. આ મામલે તુર્કીનું પણ આ જ વલણ છે. બદલામાં તુર્કીએ કાશ્મીર પર પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૦ માં જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ગર્વથી કહ્યું હતું કે તુર્કોએ ૬૦૦ વર્ષ સુધી ભારત પર શાસન કર્યું.
ઇમરાન ખાને કહ્યું હતું કે અમે બધા તમારા આગમનથી ખુશ છીએ કારણ કે સમુદાય સમજે છે કે અમારા તુર્કી સાથે સદીઓથી સંબંધો છે. તુર્કોએ ૬૦૦ વર્ષ સુધી ભારત પર શાસન કર્યું હતું. જ્યારે પાકિસ્તાનના પ્રખ્યાત ઇતિહાસકાર મુબારક અલીને ઇમરાન ખાનના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સૌ પ્રથમ ઇમરાન ખાન ઇતિહાસ જાણતા નથી અને જ્યારે તેઓ ઇતિહાસનો ઉલ્લેખ કરે છે, ત્યારે તેઓ તેને ધર્મના અરીસામાંથી જુએ છે. આજે કોઈ સામ્રાજ્યવાદી વ્યવસ્થાની આટલી પ્રશંસા કેવી રીતે કરી શકે? શું ઇમરાન ખાન આ એટલા માટે નથી કરી રહ્યા કારણ કે આ તુર્ક શાસકો મુસ્લિમ હતા? ૧૯૮૦ના દાયકામાં પાકિસ્તાન પર શાસન કરનારા લશ્કરી સરમુખત્યાર ઝિયા ઉલ-હકે કહ્યું હતું કે પાકિસ્તાન એક મુસ્લિમ રાજ્ય છે.
જો તમે પાકિસ્તાનમાંથી ઇસ્લામને દૂર કરો અને તેને ધર્મનિરપેક્ષ રાજ્ય બનાવો તો તે વિખેરાઈ જશે. તુર્કી અને પાકિસ્તાન વચ્ચેની નિકટતામાં આ વૈચારિક દૃષ્ટિકોણ પણ જોવા મળે છે. પાકિસ્તાન અને તુર્કી વચ્ચેના સંબંધો ભારત કરતાં ઘણા સારા રહ્યા છે. બંને દેશો ઇસ્લામિક વિશ્વના સુન્ની પ્રભુત્વ ધરાવતા દેશો છે. એર્દોગનના પાકિસ્તાન સાથે હંમેશા સારા સંબંધો રહ્યા છે. જુલાઈ ૨૦૧૬ માં જ્યારે તુર્કીમાં એર્દોગન વિરુદ્ધ લશ્કરી બળવો નિષ્ફળ ગયો ત્યારે પાકિસ્તાન ખુલ્લેઆમ એર્દોગનના સમર્થનમાં બહાર આવ્યું. પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફે એર્દોગનને ફોન કરીને પોતાનો ટેકો આપ્યો હતો.
આ પછી નવાઝ શરીફે તુર્કીની મુલાકાત લીધી ત્યારથી એર્દોગન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ સારા બન્યા છે. તુર્કીએ પાકિસ્તાનમાં એક અબજ ડોલરનું રોકાણ કર્યું છે. તુર્કીએ પાકિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. તે પાકિસ્તાનને મેટ્રોબસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પણ પૂરી પાડી રહ્યું છે. બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર અંગે હજુ પણ કામ ચાલી રહ્યું છે. જો બંને દેશો વચ્ચે આ કરાર થાય તો દ્વિપક્ષીય વેપાર ૯૦ કરોડ ડોલરથી વધીને ૧૦ અબજ ડોલર જેટલો થઈ શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
