Charchapatra

કાપડ ઉધોગની સમસ્યા કોણ ઉકેલશે?

છેલ્લા કેટલાય સમયથી કાપડ ઉદ્યોગમાં મંદી ચાલે છે તેને કારણે વેપારીઓ પાસે માલનો ભરાવો થયો છે. હમણાં જાણવામાં આવ્યું કે સુરતના કોઈ વ્યાપારી  80 થી 100  કરોડના માલનું પેમેન્ટ ચૂકવી ન શકતાં વિવર્સના કરોડો રૂપિયાનું પેમેન્ટ ફસાતાં માલ ધીરનાર વિવર્સ  મુશ્કેલીમાં આવી ગયા છે. બીજા  બનાવમાં રઘુકુળ માર્કેટના વેપારીએ સાત કરોડનું ઉઠમણું કર્યાના સમાચાર છે.  નવા કાયદા મુજબ  1. 4. 2023 થી એમ. એસ. એમ. ઈ. મેન્યુફેક્ચરમાં આવતા તમામ વિવર્સે વર્ષના અંતે એટલે કે 31 3 2024 ના રોજ જે પણ બિલના 45 દિવસ પૂરા થયા હોય તેવાં બિલોના પેમેન્ટ ચૂકતે કરી દેવાં પડશે નહીં તો ના ચૂકવાયેલાં બિલોની  રકમ આવકમાં ગણી લેવામાં આવશે. સરકારના આ કાયદાનો હેતુ અર્થતંત્રને મજબૂત કરવાનો છે.

જો વેચાયેલા માલના પેમેન્ટ 45 દિવસમાં જ આવી જતા હોય તો પછી  વિવર્સને કે વેપારીઓને કોઈ જ તકલીફ પડવાની નથી. હાલમાં વિવર્સ  100 થી 180 દિવસની ઉધારીએ માલ વેચે છે તેના કારણે  અમુક ઉઠમણાં કરનારા  વેપારીઓ આટલી લાંબી ઉધારીથી  માલ ખરીદે પછી પેમેન્ટ ચૂકવવાનું આવે ત્યારે થોડું પેમેન્ટ આપી વધુ માલ લઈ લેતા હોય છે.   પછી જો વિવર્સ પેમેન્ટ માટે કડક ઉઘરાણી કરે તો અંતે હાથ ઊંચા કરી દે અથવા તો માલ પરત કરવાની ધમકી આપતા હોય છે, જેને કારણે કાયદાકીય રીતે કેસ થતા હોય, પોલીસનું તેમજ  કોર્ટ પર કેસોનું ભારણ પણ વધે છે.

45 દિવસનો ધારો હોય તો પછી લેભાગુ ઠગ વેપારીઓ લાંબો સમય  ટકી શકવાના નથી.  સરકારનો આ 45 દિવસમાં બીલ ચૂકતે કરવાનો આ કાયદો ખૂબ જ પ્રશંસનીય છે અને તે વર્ષાન્તે નહીં, પરંતુ બારે મહિના તમામ બીલો માટે  અમલમાં રહેવો જોઈએ. હવે વિવર્સે  પણ મક્કમ થઈ દરેક બિલનું પેમેન્ટ 45 દિવસમાં લેવાનો જ ધારો બનાવી દેવો  જોઈએ અને તો જ  રૂપિયા સલામત રહેશે નહીં તો વેપારીઓ વકરો એટલો નફો કરી માલ લઈ રફુચક્કર  થતા જ રહેશે.
સુરત     – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ટ્રાફીકની કાયમી સમસ્યા
મેટ્રોની મોકાણમાં એક નવો પ્રયાસ લોકો દ્વારા કરવામાં આવ્યો. ગુજરાતમિત્રમાં જ ફોટા સાથે જોવા મળ્યું કે લોકોએ મેટ્રોની હોળી પ્રગટાવી! વિચારો કે લોકો આ મેટ્રોની કામગીરીને કારણે કેટલા ત્રાસી ગયા છે! ઠેર ઠેર મેટ્રો અને ઓવરબ્રીજની કામગીરીને કારણે રસ્તા પર બેરીકેટ લગાવી રસ્તાઓના સિંગલ વેને કારણે ટ્રાફીકની સમસ્યા ત્રાહીમામ પુકારી ઉઠે એટલી હદ વટાવી રહી છે. એટલું તો નક્કી જ છે કે સુરતમાં ગમે તેટલા ઓવરબ્રી, બીઆરટીએસ કે પછી મેટ્રો ટ્રાફીકની સમસ્યા નિવારવા પુરતા નથી. બીઆરટીએસ બસ શરૂ થયા પછી પણ રીક્ષા કે પ્રાઇવેટ વાહનો કયાં ઓછા થયા છે? તો શું મેટ્રો શરૂ થશે ત્યારે પણ વાહનોનો આ જ રાફડો જોવા મળશે? કે પછી લોકો મેટ્રોનો લાભ લેશે? ખેર કયારે મેટ્રોની કામગીરી પૂર્ણ થશે? એ તો જોવુ રહ્યું પરંતુ સુરતમાં ટ્રાફીકની સમસ્યા તો કાયમી છે એમાં કોઇ બેમત નથી.
અમરોલી          – પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top