Feature Stories

વરસાદ પડે કે તડકો, અમારા રનિંગ-સાયકલિંગના રુટિનમાં ન પડે કોઇ બ્રેક

સ્વાદના શોખીન સુરતીઓ ફિટનેસ પ્રત્યે પણ સજાગ બન્યાં છે. સવારે તમે શહેરના બાગ-બગીચા, રોડ સાઈડ પર, બ્રિજ કિનારે, જીમમાં નજર દોડાઓ તો દેખાય કે સુરતીઓ પરસેવો પાડવા માટે દોડતા, સાઈકલિંગ કરતાં, સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરતાં, જીમમાં એક્સરસાઈઝ કરતાં નજરે પડશે. સુરતીઓએ ફિટનેસ મંત્ર અપનાવી લીધો છે. કેવળ ચરબીના થર ઉતારવા કે વજન ઘટાડવા માટે નહીં પણ રોગોથી દૂર રહેવા અને સુડોળ શરીર મેળવવા સુરતીઓએ વર્ક આઉટને પોતાની જીવનશૈલી બનાવી દીધી છે. સુરતીઓનો વર્ક આઉટ પ્રત્યેનો પ્રેમ એટલો વધી ગયો છે કે તેમને હવે વરસાદ, ગર્મી કે શિયાળો પણ નડતો નથી. અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે છતાં જેઓ ડેલી રનીંગ અને સાઈકલિંગ કરવાની ડીસીપ્લીનને અપનાવી ચુક્યા છે. તેઓ રિમઝીમ કે મુશળધાર વરસાદમાં પણ રનીંગ, સાઈકલિંગ અને બીજી એક્ટિવિટીને કન્ટીન્યુ રાખે છે. ચાલો આપણે એવા સુરતીઓને મળીએ જેમને હેલ્થ પ્રત્યેની એક્ટિવિટી કરવામાં વરસાદ પણ વિધ્ન નથી બનતો.

વરસાદમાં દોડવાની વધારે મજા આવે છે: સમીર જીનવાલા
ઉમરા ગામ વિસ્તારમાં રહેતાં અને કેમિકલના બિઝનેસ સાથે સંકળાયેલા ફિટનેસ ફીક્ર સમીર જીનવાલાએ જણાવ્યું કે તેઓ સ્વિમિંગ 1992-93થી અને રનીંગ તથા સાઈકલિંગ 2014થી કરે છે. તેઓ જણાવે છે કે, વરસાદ હોય, ગર્મી હોય કે પછી ઠંડી હું રનીંગ અને સાઈકલિંગને સ્કીપ નથી કરતો. વરસાદની સિઝનમાં તો ઊલટું રનીંગ કરવામાં વધારે મજા આવે છે. ચાલુ વરસાદમાં સાઈકલિંગ પણ કરું છું. જોકે વરસાદમાં સેફટીને લઈને 20 કે 22 કિલોમીટરની સ્પીડ રાખી બેથી ત્રણ કલાક સાઈકલિંગ કરું છું. મારું 2013માં એક્સિડન્ટ થયું હતું તેમાં મારા જમણા પગનું લિગામેન્ટ ક્રેક થયું હતું એટલે ઓપરેશન કરાવ્યું હતું. પછી મારું વજન 12 કિલો જેટલું વધી ગયું હતું. એટલે મેં વજન ઉતારવા લાલભાઇ કોન્ટ્રાકટર જીમમાં ટ્રેડમીલ રનીંગથી શરૂઆત કરી. આ રીતે મને રનીંગની પ્રેરણા મળી. 2015માં સુરતમાં આયોજિત મેરાથોન દોડમાં મેં પહેલી વાર પાર્ટીસિપેટ કર્યું હતું. મારા માટે રનીંગ, સાઈકલિંગ અને સ્વિમિંગનું મહત્વ એટલા માટે છે કે આને મેં લાઈફ સટાઈલ બનાવી છે. જો રનીંગ નહીં કરું તો તેના વગર નહીં ચાલે, બે-ત્રણ દિવસનો ગેપ પડે તો એવું લાગે કે કેમ દોડવા કે સાઈકલિંગ માટે નથી જતાં તેઓ સવાલ પોતાને જ થવા લાગે છે. ફાયદાની વાત કરું તો રનીંગ હેલ્થ માટે ઘણું સારું છે. બોડી માટે મેક્સિમમ 60થી 70 મિનિટનું વર્ક આઉટ કરવું જોઈએ. શિયાળામાં વહેલી સવારે અંધારું હોય એટલે અમે યેલો કે ઓરેન્જ કલરના ટી-શર્ટ પહેરીએ જેથી કોઈ વાહન ચાલક પસાર થતું હોય તો તેને ખ્યાલ આવે કે કોઈ દોડી રહ્યું છે. વરસાદ હોય ત્યારે ઘરના એવું ચોક્કસ કહે કે આટલાં વરસાદમાં દોડવા કેમ જાય છે. નહીં જા. પણ જબરદસ્તી રોકતા નથી.

મુશળધાર વરસાદમાં રનીંગ નહીં કરીએ તો એક્ટિવિટી રહી ગયાનું ફિલ થાય: જાસ્મીનભાઈ લેખડીયા
ઉમરા વિસ્તારમાં રહેતા અને કેમિકલના બિઝનેસ સાથે સંકળાયેલા જાસ્મીનભાઈ લેખડીયાએ જણાવ્યું કે હું છેલ્લાં 7-8 વર્ષથી વર્ક આઉટ કરું છું તેમાં રનીંગ, જીમ, સાઈકલિંગ કરું છું. હું ત્રણ દિવસ રનીંગ, ત્રણ દિવસ જીમ અને એક દિવસ સાઈકલિંગ કરું છું. મને કોઈએ રનીંગ માટે પ્રેરણા નથી આપી, હું જાતે જ રનીંગ માટે પ્રેરિત થયો છું. પછી ધીરે-ધીરે ફ્રેન્ડ્સ બનતા ગયા. ફ્રેન્ડ્સ સાથે સાઈકલિંગ કરું છું. મુંબઈ મેરેથોન, દિલ્લી, હૈદરાબાદ, સાતારા, સાપુતારાની મેરેથોનમાં ભાગ લીધો છે. મુશળધાર વરસાદમાં દોડવાનું નહીં થાય તો આજે એક્ટિવીટી રહી ગઈ તેવું ફિલ થાય અને ક્યારે રનીંગ કરું એવું થયા કરે. ઘરના કોઈ વખત વરસાદમાં વર્કઆઉટની ના પાડે. રનીંગ કરવાથી બોડી એનર્જેટિક રહે. રનીંગ માટે બહુ ઇકવિપમેન્ટની જરૂર નહીં રહે અને ખર્ચો પણ આમાં કોઈ વધારે નહીં થાય.

વરસાદમાં સેફ્ટીની જગ્યા જોઈને રનીંગ કરીએ: ચિંતન ચંદારાણા
એલપી સવાણી રોડ અડાજણ વિસ્તારમાં રહેતાં એન્જીનીયર ચિંતન ચંદારાણાએ જણાવ્યું કે હું 2015થી રનીંગ,સાઈકલિંગ, જીમ અને સ્વિમિંગ કરું છું. દિવસના દોઢ કલાક પ્રેક્ટિસ કરૂં છું.ઇવેન્ટ હોય ત્યારે ત્રણથી ચાર કલાક પ્રેક્ટિસ કરું છું. વિક એન્ડમાં વર્કઆઉટ માટે બેથી અઢી કલાક આપું છું. વરસાદ હોય તો પણ રનીંગ, સાઈકલિંગની હેબીટ પડી ગઈ હોવાથી તેને કન્ટીન્યુ રાખું છું. વરસાદથી વર્કઆઉટમાં કોઈ ફર્ક નથી પડતો. મારા બે-ત્રણ ડોકટર મિત્રોએ એકવાર મને કહ્યુ હતું કે તેઓ સાપુતારામાં થનારી મેરેથોનમાં ભાગ લેવાના છે અને મને પણ પાર્ટીસિપેટ કરવા કહ્યુ હતું પણ મેં ના પાડી કેમકે હું ત્યારે દોડની પ્રેક્ટિસ કરતો નહીં હતો. પણ મિત્રોએ કહ્યું ઇવેન્ટ માટે હજી ત્રણ મહિના છે એટલે મેં દોડની પ્રેક્ટિસ ચાલુ કરી. અને મેં મેરાથોનમાં સક્સેસફૂલી ભાગ લીધો હતો અને ફિનિશર મેડલ મેળવ્યો હતો. ઘણી ઇવેન્ટ ચાલુ વરસાદે પણ કરી છે. વર્ક આઉટનો ફાયદો એ છે કે ફ્રેશ અને એક્ટિવ રહી શકાય છે. સ્પોર્ટ્સથી તમારું કોન્સ્નટ્રેશન ઇમ્પ્રુવ થાય છે. જ્યારે વર્ક આઉટ નહીં થાય ત્યારે કાંઈક ખૂટી રહ્યુ છે એવું લાગે. ભારે વરસાદ હોય ત્યારે ઘરના લોકો રનીંગ, સાઈકલિંગ માટે ના પાડે પણ ઘરનાને ખબર જ હોય છે કે હું પ્રેક્ટિસ કરવા જઈશ જ એટલે વધારે રોકવાનો પ્રયત્ન નહીં કરે. હા, વરસાદમાં હું દોડવા માટે અને સાઈકલિંગ માટે સેફ જગ્યા જોઉં છું. જયાં વધારે ટ્રાફિક હોય જયાં વરસાદી પાણી ભરાતા હોય ત્યાં નથી જતાં. મેં શરૂઆત 21 કિલોમીટર દોડથી કરી હતી અને છેલ્લે ફેબ્રુઆરીમાં સાપુતારામાં 160 કિલોમીટરની ઇવેન્ટ કરી હતી.

શૂઝમાં પાણી ભરાય તો દોડવાનું અઘરું લાગે: ગૌતમ ચાંગાવાલા
ભટાર વિસ્તારમાં રહેતા વ્યવસાયે બેંક મેનેજર ગૌતમ ચાંગાવાલાએ જણાવ્યું કે હું અઠવાડિયાના ત્રણ દિવસ રનીંગ કરું છું જ્યારે એક દિવસ સાઈકલિંગ અને એક દિવસ કોર એક્સસાઈઝ કરું છું. હું વરસાદમાં પણ વર્ક આઉટ ચાલું રાખું છું. હા વરસાદમાં શૂઝમાં પાણી ભરાતા દોડવાનું અઘરું લાગે. મારા રિલેટિવ અનિલ માંડલીવાલાને 20થી 25 રનર્સની જરૂરત હતી એક ગ્રુપ બનાવવા માટે એમનો મારા પર ફોન આવેલો પણ મેં કહ્યું હું દોડવાનો નથી. પણ તેમણે કહ્યું તું એક વખત જોઈ જા. મેં જોયું કે 2 વ્યક્તિઓ 21 કિલોમીટર દોડયા પછી પણ ફ્રેશ લાગતાં હતાં અને પછી મેં આળસ ખંખેરી દોડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં 2થી 5 કિલોમીટર દોડતો. મેં સાપુતારામાં અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લીધો હતો. મેં 50 મિનિટની બે અલ્ટ્રા કરી છે. 42 કિલોમીટરની 5 ફૂલ મેરેથોન કરી છે અને 27 હાફ મેરેથોન કરી છે. વરસાદમાં રનીંગની મજા જ કઇંક ઔર હોય છે. પહેલાં ઘરના લોકો વર્ક આઉટનું કહેતા અને હવે વરસાદમાં રનીંગ કરું તો કહે છે થોડું કન્ટ્રોલમાં રહો આ રીતે ઘરમાં કોમેડી થાય છે. રનીંગનો ફાયદો એ છે કે કોલસ્ટ્રેલ નિયંત્રણમાં રહે છે અને બ્લડ પ્રેશરની બીમારી આવવાની શક્યતા ઓછી રહે છે. શુગર આવવાની શક્યતા ઓછી રહે છે. ગેરફાયદા જોઈએ તો મસલ્સમાં પેન થવા માંડે પગના સ્નાયુઓમાં પેન થાય પણ રનીંગના ફાયદાની સામે આ દર્દ મીઠું લાગે. જો કોઈ વખત રનીંગ કોઈ કારણસર નહીં થાય તો કાંઈક મિસ કર્યું હોય તેવું લાગે.

પહેલા વરસાદમાં જતા રોકતા હવે નહીં: દર્શીની ધમણવાલા
પીપલોદ વિસ્તારમાં રહેતી મેરેથોન રનરે જણાવ્યું કે હું 2015થી રનીંગ કરું છું. જીમ વર્ક આઉટ અને યોગા 10 વર્ષથી કરું છું. ઇવેન્ટ પ્રમાણે પ્રેક્ટિસ કરું છું. વીકના છ દિવસ રનીંગ કરું છું અને ઝરમર વરસાદમાં પ્રેક્ટિસ ચાલુ રાખું છું. વરસાદમાં ટ્રેક સુટ બહુ ભીનું નહીં થાય અને તરત સુકાય પણ જાય. સુરતમાં મેં બધી જ મેેરેથોનમાં ભાગ લીધો છે જ્યારે અમદાવાદમાં ફૂલ મેરેથોન, દિલ્લીમાં ફૂલ મેરેથોન, વલસાડ, સાપુતારામાં 50 કિલોમીટરની મેરેથોનમાં ભાગ લીધો છે. રનીંગની શરૂઆતમાં વરસાદમાં રનીંગ માટે ઘરના ના પાડતાં પણ પછી ઘરનાને ફિલ થયું કે હું રનીંગ માટે ડેડીકેટેડ છું એટલે હવે કોઈ વરસાદમાં રનીંગ માટે ના નથી પાડતું. હવે તો હું લોકો માટે પ્રેરણા રૂપ બની છું. રનીંગનો ફાયદો એ છે કે લાઈફમાં ડીસીપ્લીન આવે છે અને મેન્ટલી સ્ટ્રોંગ બનીને ચેલેન્જીસનો સ્વીકાર કરતા થાવ છો. સવારે ટાઈમ પર ઉઠાય છે. હેલ્થી ફૂડ ખાવાનું થાય જંક ફૂડ અવોઇડ કરતા શીખો છો. જો કસે આઉટ ઓફ સિટી જવાનું થાય અને રનીંગ માટે ટાઈમ આપી શકાય તેમ નહીં હોય તો બીજા દિવસે રનીંગ કરી લઉં છું.

Most Popular

To Top