Columns

આજે સંસ્કારોનું સંવર્ધન કયાં છે?

મારા સંબંધી મહેશભાઈ ભારે ધાર્મિક, હવેલીમાં દર્શન કરવા અચૂક જવાના. રસ્તામાં બેઠેલા ભિખારીને રૂપિયો- બે રૂપિયા આપે. ગાયને ઘાસ નાંખે, ભગવાનને સોનાનો મુગટ ચઢાવવામાં પણ મોટો ફાળો આપ્યો. એમના તરફથી છપ્પન ભોગ ભગવાનને ધરાવે. વરસમાં બે- ત્રણ વાર શ્રીનાથજીના દર્શને જાય. લાગવગ વાપરીને વધારે પૈસા ખવડાવીને સૌથી પહેલાં દર્શન કરે પરંતુ ઘરમાં બધાની સાથે એમનો વ્યવહાર સારો નહીં. ઘરના નોકર, કામવાળા, ડ્રાઈવર વગેરેને માંદે-સાજે એક પણ વધારાનો પૈસો પરખાવે નહીં.

બિચારા કરગરે પણ એમનું દિલ જરાયે પીગળે નહીં. એમની પત્ની એમને સમજાવીને કહે કે આપણે ત્યાં નોકરી કરે છે તો આપણી પાસે જ આશા રાખે ને? બિચારા, કયાં જાય? એક તો મોંઘવારી કેટલી અને તેમાં બાળકોના ભણતરના ખર્ચા, સાથે માંદગીના ખર્ચા. આવું સાંભળીને પણ એમના દિલમાં જરાયે દયા ન ઊપજે. ઉપરથી ગુસ્સો કરી ઘાંટા પડી કહે- ‘‘તે ઉપકાર થોડો કરે છે, પૂરો પગાર આપીએ છીએ. તું સમજ આમ બધાને પૈસો વેરતો રહું તો હું તો ખાલી થઇ જાવ’’. દીકરા-વહુને પણ ખર્ચા પેટે આપવામાં કંજુસાઈ અને કકળાટ! આમાં ધર્મભાવના કયાં દેખાઈ? જેના હૃદયમાં દયા, મમતાનો છાંટો નથી, કોઈના દુ:ખમાં ભાગીદાર થવાની વૃત્તિ નથી. ગરીબની આંતરડી કકળાવવામાં મનને જરાયે દુ:ખ નથી. એવા ધનને શું કરવાનું? સાચો ધર્મ કયો? આ છે સંસ્કારની ઊણપ!

આવો જ એક સંસ્કારની ઊણપનો બીજો પ્રસંગ જોઈએ. જૈનમ આજે ઓફિસેથી ઘરે વહેલો આવી ગયો. ઘેર આવ્યો ત્યારે તેની પત્ની જયની ન હતી. આઠ મહિનાનો બાબો જોરજોરથી રડતો હતો. એની સંભાળ રાખનાર આયા એને ખભા પર લઇને થપથપાવી છાનો રાખવા પ્રયત્ન કરતી હતી પણ બાબો કેમે કરી છાનો રહેતો નહોતો. પેલી છોકરી અકળાઈ ગઇ. કંટાળીને એણે બાબાના મોઢા પર હાથ દાબી દીધો અને એ જ વખતે જૈનમ ઘરમાં દાખલ થયો. બાબો હવે રડી શકતો ન હતો. એનો અવાજ બેસી ગયો હતો. હવે એનાં ડૂસકાં ચાલુ હતાં, જૈનમ દોડતો ઘરમાં દાખલ થયો. બાબાને ઉપાડી લીધો અને જોરથી બોલ્યો- ‘‘મેડમ કયાં છે?’’

‘‘એ તો બપોરથી કીટી પાર્ટીમાં ગયાં છે. કયાં ગયા એ કહીને ગયા નથી.’’ જૈનમ વ્હાલથી થપથપાવીને છાનો રાખવા પ્રયત્ન કરવા લાગ્યો. દૂધની બોટલ આપી જોઇ પણ વ્યર્થ..! તેને થયું ભીનું કર્યું હશે, કદાચ છી પણ કરી હોય, લાવ ડાયપર બદલી નાખું. ડાયપર બદલવા કાઢયું. જોયું તો સાથળના સાંધામાં લાલ લાલ થઇ ગયું હતું. લાલ કીડી ચડી ચટકા ભરી ગઈ હતી, તેથી બાબો રડતો હતો. જૈનમે પાણીથી બધું સાફ કરી પાવડર લગાડ્યો, ડાયપર બદલ્યું ત્યારે શાંત થયો, પછી દૂધ પીવડાવી ઘોડિયામાં સુવાડયો. ઊંઘી ગયો પણ વચ્ચે વચ્ચે હજીય એનાં ડૂસકાં સંભળાતાં હતાં.

પ્રશ્ન થાય છે આમાં જયનીનું માતૃત્વ કયાં? બાળક કરતાં સખીઓ સાથે હરવાફરવામાં ફૂલ જેવા બાળકને ઘરમાં આયાને ભરોસે મૂકીને કીટી પાર્ટીમાં કલાકો સુધી મસ્તીમાં મ્હાલવાનું? બસ પોતાના જ મોજશોખનો વિચાર કરવાનો? સમાજમાં આવી માતાઓ પણ છે. અરે! આજની કેટલીક માતાઓ તો પોતાના ફીગરને જાળવવામાં સ્તનપાન પણ કરાવતી નથી. બાળકનો સુવ્યવસ્થિત, લાગણીસભર ઉછેર માતૃત્વનો કીમિયો છે. જે કથીરમાંથી પણ કંચન બનાવે છે.

સમાજમાં એક બાજુ કેટલીય માતાઓ એવી છે જે પોતાના બાળકને સારી રીતે ઉછેરવા અને સારા સંસ્કાર આપવા, એને જીવનમાં કંઇક ઉચ્ચ સ્થાને પહોંચાડવા પોતાનું સર્વસ્વ હોમી દે છે જયારે આજની કેટલીક આધુનિકા બાળકને જન્મતાની સાથે આયાના ભરોસે મૂકી દે છે ! એમાં સંસ્કારનું સંવર્ધન કયાં? પુષ્પને ખીલવવા માટે યોગ્ય ખાતરપાણી આપવા પડે. બાળકના વિકાસ માટે પણ મા-બાપનો પ્રેમ ખૂબ જ જરૂરી છે. બીજો એક પ્રસંગ જોઈએ. શાળાજીવનના બે ખાસ મિત્રો શિવા અને દેવા જાણે એક જાન. મિત્ર ભાવે પોતાની અંગત વાત એકબીજાને કરે. ધંધામાં ભાગીદારી કરી બંને સારું કમાયાય શિવાએ દેવાને પોતાનો બંગલો રહેવા માટે ભાડે આપ્યો તો તે દેવાએ પચાવી પાડયો.

દેવા દગાબાજ નીકળ્યો. એક વારના ગાઢ સંબંધો બગડયા- બંને વચ્ચે સંબંધો બગડતા જ ગયા. દેવાએ શિવાની પત્નીને ભોળવી શિવા વિશે ગમેતેમ બોલી એને ચઢાવી એનો ગેરલાભ લીધો. શિવાનું દામ્પત્યજીવન પણ તહસનહસ કર્યું. આમાં મિત્ર તરીકેની નિખાલસતા અને મૈત્રી કયાં? પત્ની તરીકેની ફરજ શું? આવા કયારે બને? સંસ્કારોની ઊણપ! પોતાના વિચારોમાં, દરેક વાતમાં પરિપકવતા હોવી જોઈએ. જીવનમાં શું ખોટું છે, શું સારું છે વિચારીને પગલું ભરવું જોઇએ. તો આપણે ચેતી જઇએ અને જીવનની બગડતી બાજીને સંભાળી શકીએ. બે ભાઈઓની વાત-રામ અને શ્યામ બંને જાણે જોડિયા ભાઈઓ હોય તેવા દેખાવે પણ સરખા. બંને વચ્ચે પ્રેમ પણ એટલો જ. બંને એક સરખા કપડાં પહેરે એક જ થાળીમાં જમે. પરણ્યા ત્યાં સુધી આ પ્રેમ જળવાઈ રહ્યો. પછી એ પ્રેમ ઓસરવા લાગ્યો.

બે ભાઈઓ વચ્ચે પિતાની મિલકત અંગે વાદવિવાદ થયો. પિતાના અવસાન બાદ વીલ વંચાયું ત્યારે નાના ભાઈ શ્યામને લાગ્યું કે મોટાભાઈ રામે પિતાને ફોસલાવીને ઘણો મોટો ભાગ લખાવી દીધો છે. આમ પણ બાપુજી મોટાભાઈની સલાહ મુજબ જ વ્યવહાર કરતા. મિલકતના ઝઘડામાં ઘરના ભાગલા પડયા, વચ્ચે દીવાલ ચણાઈ ગઈ. બોલવાનો પણ વ્યવહાર રહ્યો નહીં. ભાઈઓ ભાઈઓના ઝઘડામાં મોટાભાઈ રામની દીકરીની સગાઈ પણ તૂટી ગઇ, નાનો શ્યામ ખૂબ ખુશ થયો. મોટાભાઈને ધંધામાં પણ ખોટ ગઇ, નાનો ભાઈ રાજી થઇ થઇને લોકોને મોઢે બોલતો જાય- ‘‘હરામનું ઘણું લઇને બેઠો છે ને તો હરામનું થોડું પચવાનું છે?’’ આમ ભાઈ વચ્ચે દુશ્મનાવટ વધતી જ ગઇ. આમાં ભાતૃભાવ કયાં રહ્યો? બંને ભાઈઓએ થોડું વત્તુંઓછું કરીને સમજીને ભાગ હસતે મોઢે સ્વીકાર્યો હોત તો? સંબંધોમાં કેવી મીઠાશ રહે તે પણ આ સંતોષરૂપી સંસ્કાર સમાજમાં કેટલા પાસે? કુટુંબભાવનાની સંવાદિતા કેટલા પાસે? સમજણનો સંબંધ કેટલા પાસે?

તો વાચકમિત્રો! દરરોજ આવા પ્રસંગો સમાજજીવનમાં આપણી આજુબાજુ બનતા હોય છે. છાપાંઓમાં વાંચીએ છીએ-દીકરાએ બાપને પતાવી દીધો, પતિએ પત્ની પર શંકા થતાં મારી નાંખી, સાસુએ વહુને સળગાવી મૂકી, પ્રેમીએ પ્રેમમાં નિષ્ફળતા જતાં પ્રેમિકાને પતાવી દીધી. જરાક નિષ્ફળતા આવી, દુ:ખ આવ્યું કે આત્મહત્યા! આવા સમાચારોથી સંસ્કારોનું સંવર્ધન થવાને બદલે અવમૂલ્યન થઇ રહ્યું છે. જીવનનું સાચું રહસ્ય જાણવાની કોઇને તમન્ના નથી, પ્રેમની, લાગણીની પવિત્રતા, સંતાનો પ્રત્યેની વાત્સલ્યતા, સાચા ધર્મની સમજ નથી. દંભ અને દેખાડો સમાજને કયાં લઇ જશે? સૌએ સદ્દગુણો કેળવી જીવનની સાર્થકતા શેમાં છે એવા સંસ્કારોનું સંવર્ધન ગળથૂથીમાંથી કેળવવું રહ્યું.

સુવર્ણરજ
જીવનને બનાવનારા થોડા છે
પણ બગાડનારા ઘણા છે
માટે સમજીને જીવો!

Most Popular

To Top