Editorial

કોલસાના સંકટમાં જ અકળામણ તો જળ સંકટ વખતે શું થશે?

છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં કોલસાનું સંકટ ઘેરાયેલું છે. સામાન્ય લોકોને તો કોલસા સાથે સીધી રીતે કોઇ લેવા દેવા નથી પરંતુ વીજળીનું ઉત્પાદન અને ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટનું ઉત્પાદન ઠપ થઇ જાય છે. ભારતની જ વાત કરીએ તો વિદેશથી આયાત કરાયેલા કોલસાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. તેના કારણે કોલસાની આયાત ઘટી છે. આની અસર કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સ  પર પડી રહી છે. કોલસાની ભારે અછતના (coal કારણે  દેશના અનેક રાજ્યોમાં વીજકટોકટી વધી રહી છે. દિલ્હીમાં વીજ ઉત્પાદન કેન્દ્રોમાં એક જ દિવસનો કોલસો બચ્યો છે. દિલ્હીને ટૂંક સમયમાં કોલસો પૂરો પાડવામાં નહીં આવે તો બે દિવસ પછી બ્લેકઆઉટની સ્થિતિ  સર્જાશે.

કોલસાની અછતના કારણે દેશના અનેક શહેરોમાં અંધારપટની આશંકા વ્યક્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલસાની અછતને કારણે દિલ્હી અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં વીજળીની કટોકટીને  પ્રશ્નો ઘેરાયો છે. દેશના ઘણા વિસ્તારોમાં આ વર્ષના અંત સુધી વરસાદના કારણે કોલસાનો પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. આ બે કારણોસર વીજ ઉત્પાદન ક્ષેત્ર ડબલ દબાણ હેઠળ છે. પરિણામે, કોલસાથી ચાલતા પાવર  પ્લાન્ટ્સ તેમની ક્ષમતાના અડધા કરતા પણ ઓછા ઉત્પાદન કરી રહ્યા છે. દેશમાં કોલસાથી ચાલતા 135 પાવર પ્લાન્ટમાંથી અડધાથી વધુમાં કોલસાનો પુરવઠો ખતમ થઈ રહ્યો છે.

અનેક પાવર પ્લાન્ટ પાસે બે દિવસનો જ  સ્ટોક વધ્યો છે. આમ થશે તો દેશના અનેક શહેરોમાં અંધારપટ છવાઈ જશે. રાજસ્થાન અને પંજાબના કેટલાક ભાગોમાં વીજકાપ શરૂ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે કોલસાનું વિક્રમી ઉત્પાદન થયું  છે. જોકે, લાંબા સમયથી સક્રિય ચોમાસાને કારણે, કોલસાની ખાણોમાંથી પાવર પ્લાન્ટ્સને કોલસાનો પુરવઠો ખૂબ પ્રભાવિત થયો હતો. જેના કારણે ગુજરાત, પંજાબ, રાજસ્થાન, દિલ્હી, ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ અને  તામિલનાડુ સહિતના ઘણા રાજ્યોમાં વીજ ઉત્પાદન પર ઊંડી અસર થઇ છે.

ઘણા પાવર પ્લાન્ટ અને પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓએ માત્ર બે દિવસનો કોલસો બાકી હોવાનો દાવો કરતા લોકોને વીજ કાપનો સામનો કરવા  માટે તૈયાર રહેવા જણાવ્યું છે. ગુજરાતને 1850 મેગાવોટ, પંજાબને 475, રાજસ્થાનને 380, મહારાષ્ટ્રને 760 અને હરિયાણાને 380 મેગાવોટ સપ્લાય કરતી ટાટા પાવરે ગુજરાતના મુન્દ્રામાં તેના આયાતી કોલસાથી ચાલતા  પાવર પ્લાન્ટમાંથી ઉત્પાદન બંધ કરી દીધું છે. અદાણી પાવરનું મુંદ્રા યુનિટ પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે.હવે આ તો વાત કોલસાની. જો કોલસાની કટોકટીમાં જ હાલત આટલી ગંભીર થઇ જાય તો પાણીની કટોકટી એટલે કે જળસંકટ ઉભું થાય તો તેની કલ્પના કરવાથી જ શરીર કાંપી ઉઠે છે. જો કે, આ દિવસો પણ હવે દૂર નથી કારણ કે, દુનિયાભરમાં જળસંકટની શરૂઆત તો થઇ જ ચૂકી છે પરંતુ હવે જો મનુષ્ય અત્યારથી નહીં જાગે તો ગમે ત્યારે જળસંકટ ઊભું થઇ શકે તેમ છે.

વર્ષ 2014માં દુનિયાના 500 મોટાં શહેરમાં થયેલી એક તપાસમાં જાણવા મળ્યું હતું કે સરેરાશ ચારમાંથી એક નગરપાલિકા પાણીની કટોકટીની સમસ્યાનો સામનો કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર જ્યારે  પાણીનો પુરવઠો વાર્ષિક પ્રતિ વ્યક્તિ 1700 ક્યુબિક મીટરથી ઓછો થઈ જાય ત્યારે પાણીની કટોકટી ગણી શકાય. સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત વિશેષજ્ઞોના અનુમાન અનુસાર વર્ષ 2030 સુધી વૈશ્વિક સ્તરે પીવાના પાણીની માગ  40 ટકા વધી જશે. તેનાં કારણ હશે- જળવાયુ પરિવર્તન, વિકાસના રસ્તે મનુષ્યોની રેસ અને વસ્તીવધારો. તેમાં કોઈને પણ આશ્ચર્ય થવું ન જોઈએ કે આ વધતા સંકટનો સામનો કરનારું પહેલું શહેર કેપટાઉન છે.

દરેક  મહાદ્વીપ પર આવેલાં શહેરોની સામે આ સમસ્યા ઊભી છે. સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે છતાંય આ શહેરો પાસે તેનાથી બચવાનો રસ્તો શોધવાનો સમય પણ નથી. એક નજર દુનિયાનાં 11 મોટાં શહેરો પર જેમની  સામે પીવાના પાણીનું સંકટ તોળાઈ શકે છે. તેમાં સૌથી પહેલો નંબર બ્રાઝિલના સાઉપાઉલો અને બીજો નંબર ચીનના બેઇજિંગનો આવે છે.અને બેંગ્લુરુની સ્થિતિ પણ અલગ નથી. એક તપાસ અનુસાર શહેરનાં સરોવરોનું  85 ટકા પાણી માત્ર સિંચાઈ અથવા ફેક્ટરીમાં ઉપયોગને લાયક છે પરંતુ પીવાલાયક નથી. કોઈ એક સરોવરનું પાણી પણ એટલું સાફ નથી કે તેને પીવા કે પછી નહાવા માટે યોગ્ય માની શકાય. ભારતીય શહેર બેંગ્લુરુના  વિકાસે અધિકારીઓ પર દબાણ વધાર્યું છે. ગ્લોબલ ટેકનૉલૉજી સેન્ટરનું નામ મેળવી ચૂકેલા આ શહેરમાં અધિકારીઓ જળ વિતરણ અને નિકાસ પ્રણાલીને વધુ સારી બનાવવા માટે કામ કરી રહ્યા છે.

શહેરમાં પાણીના જૂના  પાઇપનું સમારકામ ખૂબ જરૂરી છે. સરકારના એક રિપોર્ટ અનુસાર શહેરમાં પીવાના પાણીનો અડધા કરતા વધારે ભાગ આ જ પાઇપોને કારણે બગડે છેતેવી જ રીતે મોસ્કો, કૈરો, જાકાર્તા, ઇસ્તંબુલ, મેક્સિકો સિટી, લંડન,  ટોકિયો અને મિયામીમાં પણ આવી જ હાલત છે. પાણી વગર દુનિયાની કલ્પના કરવી જ અશક્ય છે. દુનિયાની હાલતની વાત કરીએ તો એક તરફ કુદરતી જળસ્ત્રો ઘટતા જાય છે તો બીજી તરફ પાણીની જરૂરિયાત વધતી જાય છે. જો આ દિશામાં અત્યારથી પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભવિષ્યની પેઢીએ પણ આ જળસંકટનો સામનો કરવો જ પડે છે.

હાલમાં ખેતી અને ઉદ્યોગ માટે જમીનમાંથી જે રીતે જંગી પ્રમાણમાં પાણી કાઢવામાં આવી રહ્યું છે તેની સામે ભૂગર્ભમાં જળ ઉતારવાની પ્રક્રિયા 2 ટકા પણ નથી. જો આ સંકટમાંથી નીકળવું હોય તો મનુષ્યએ અત્યારથી જ તેની તૈયારી કરી દેવી પડશે અને તેમાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાની પ્રક્રિયા જો મોટા પાયે શરૂ કરવામાં આવે તો જ થોડે ઘણે અંશે આ સંકટમાંથી રાહત મળે તેમ છે. તેવી જ રીતે પાણીના ઉપયોગમાં પણ હવે કાળજી રાખવી પડશે. ખાસ કરીને જે રીતે પાણીનો વેડફાટ થાય છે તે ગંભીર બાબત છે. સરકારે પણ હવે ઇન્ડસ્ટ્રીમાં રિસાઇકલ પાણીનો વધુમાં વધુ ઉપયોગ થાય તે દિશામાં કામગીરી કરવી પડશે.

Most Popular

To Top