Columns

કંપનીના લીડરે ખોટ કરતા એકમનું શું કરવું?

સમાન્ય રીતે ઉદ્યોગપતિઓ પોતાની ફૅક્ટરી, મિલો અને કંપનીઓ સાથે લાગણીથી જોડાઈ જાય છે. પોતાના બાપ-દાદાના સમયથી ચાલ્યા આવતા બિઝનેસ ઉપર બેઠેલા હોય કે પોતે ઊભા કરેલા બિઝનેસ ચલાવતા હોય એવા ઉદ્યોગસાહસિકો પોતાના એકમો સાથે એવા તો જોડાઈ જાય છે કે તેઓ તેના નૅગેટિવ ગ્રોથના લીધે દેવાના ડુંગરો નીચે દબાઈ જવાનું પસંદ કરે છે પણ તેનો નિકાલ કરવાનું વિચારી સુધ્ધાં શકતા નથી. ખાસ કરીને જોઈએ તો આપણા ગુજરાતી ઉદ્યોગકારોમાં આવી લાગણી ખાસ જોવા મળી છે.
ગ્રોથની વાત આવે ત્યારે લાગણીના સંબંધને બાજુ ઉપર મૂકી દેવો પડે છે. લાગણી ગ્રોથમાં રૂકાવટ પેદા કરે છે. ઘણી વાર એવું બનતું આવે છે કે કંપનીના અન્ય નફો કરતા એકમોની કામગીરી ઉપર એક ખોટ કરતા એકમનો પડછાયો પડવાથી તે પણ મુશ્કેલીમાં આવી જાય છે. એક કંપનીના માલિકનું આખરે છેલ્લું લક્ષ્ય શું છે? કંપનીનો ગ્રોથ, કર્મચારીઓની સધ્ધરતા. આ બંને પાસાંઓના વિચાર કરીએ તો આપણને સમજાય કે આપણે અમેરિકાની હાયર ઍન્ડ ફાયર, ગિવ ઍન્ડ ટેક અથવા તો બાય ઍન્ડ સેલની નીતિઓ જ અપનાવવી પડે. એ જ સમયની માગ છે. અરે સમયની માગ હોય તો ખોટ કરતા એકમની ક્યાં વાત કરો છો, નફો કરતાં એકમને પણ એક વાર ઊંચી કિંમતે વેચીને ઊભા થઈ જવું પડે. આપણાં ઉદ્યોગગૃહોના અનેક એકમો માંદાં હોય છે. તેઓ તેને લાંબા સમય સુધી ચલાવતા હોય છે. એમના માટે સમયની માગ એ છે કે ખોટ કરતા એકમને રિપેર કરો, રિપેર કરવા માટે પૂરતો સમય આપો પણ ખોટ સહન કરવાની એક લિમિટ નક્કી કરવી પડશે અને ત્યાર બાદ એમાં સફળતા ન મળે તો તેને સેલ આઉટ કરવામાં જ બુદ્ધિમાની કહેવાશે એની પાછળ વર્ષો કાઢવાની જરૂર નથી.
ભારતના ટોચના ઔદ્યોગિક ગૃહ આર. પી. ગોએન્કા ગ્રુપના મોભી ગોએન્કા શેઠ એક વાતમાં હંમેશાં મક્કમ હતા કે ઉદ્યોગપતિએ કે ઉદ્યોગ સાહસિકે ક્યારેય પોતાના એકમો કે ઍસેટ્સ સાથે લાગણીથી જોડાવું જોઈએ નહીં. તેના પરિણામે એવું બને છે કે જો તે એકમ ખોટ કરવા માંડે તો પણ તમારો લગાવ બીજું કોઈ ડિસિઝન લેતાં તમને અટકાવે છે. વળી તમારા અન્ય નફો કરતા એકમો ઉપર પણ તેની માઠી અસર પડે છે. આવા સમયે શું કરવું ? ઉદ્યોગ સાહસિકે પોતાના ખોટ કરતાં યુનિટ, એકમ કે ઍસેટ્સ સાથે લાગણીથી જોડાવાને બદલે પ્રૅક્ટિકલ થવું અને તેને રિપેર કરવાનાં, બેઠું કરવાના તમામ પ્રયાસોમાં નિષ્ફળતા મળે તો લાંબો સમય જાળવી રાખવાના બદલે તેને સેલ આઉટ કરી દેવાં જોઈએ.
કહેવાનું તાત્પર્ય એ છે કે લાગણી તમારી બુદ્ધિને વિચાર કરવા દેતી નથી, જ્યારે તમે ઉદ્યોગ સાહસિક હો ત્યારે લાગણીને બુદ્ધિ ઉપર સવાર ન થવા દેવાય. લાગણીને બાજુએ મૂકીને નિર્ણય લેવો જરૂરી છે. તમને કેટલાક મુદ્દા જણાવું કે આવા સમયે કઈ રીતે આગળ વધી શકાય.

Most Popular

To Top