Charotar

આણંદમાં બે મહિનાથી સાયલેન્ટ રહેલા બેંક એકાઉન્ટ પર ચૂંટણી વિભાગની નજર રહેશે

ચૂંટણી દરમિયાન અસામાન્ય ટ્રાન્ઝેક્શન થાય તો તાકીદે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા સૂચના

આણંદ | લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી, આણંદ ખાતે બેઠક યોજી હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ બેન્કના પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી બાબતે દેખરેખ રાખી ચૂંટણી વિભાગને માહિતીગાર કરવા  જણાવ્યું હતું. કોઈ સામાન્ય નાગરિકો તેમજ અન્ય કોઈને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા  પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ છેલ્લા બે માસ દરમિયાન (સાયલેન્ટ એકાઉન્ટ) ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓની માહિતી તાકીદે ચૂંટણી તંત્રના ધ્યાને મુકવા સૂચના આપી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં/ મતવિસ્તારમાં આવી તબદિલીના કોઈ પણ પૂર્વ દ્રષ્ટાંત વગર બેન્કના એક ખાતામાંથી અન્ય કેટલાંક વ્યક્તિઓના ખાતામાં આર.ટી.જી.એસ. દ્વારા અસામાન્ય રકમની તબદિલી થઈ હોય તેવી માહિતી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે. નોમીનેશન ફાઈલ દાખલ કરનાર ઉમેદવાર ઉપરાંત તેમના પરિવારજનો અથવા તેના આશ્રિતના બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી પણ ચૂંટણી તંત્રને મોકલવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન, નાયબ કલેકટર -૨, મીતાબેન ડોડીયા, લીડ બેન્ક મેનેજર સહિત વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Most Popular

To Top