Gujarat Main

અમદાવાદ અકસ્માત બાદ ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, ટ્રાફિકના નિયમોના પાલન કેમ થતું નથી? પૂછ્યો સવાલ

અમદાવાદ: ઈસ્કોન બ્રિજ (Iscon Bridge Accident) પર ફૂલસ્પીડમાં જેગુઆર કાર દોડાવી 9 લોકોના મોત માટે જવાબદાર ધનવાન બાપના દીકરા તથ્ય પટેલના કેસ બાદે આજે હાઈકોર્ટે (GujaratHighCourt) સરકારની (Gujarat Government) ઝાટકણી કાઢી હતી.

હાઈકોર્ટે ટ્રાફિકની સમસ્યા સંબંધિત એક કેસમાં અમદાવાદ ટ્રાફિક કમિશનર અને મનપા કમિશનર સામે કેમ કોઈ કાર્યવાહી નહીં કરાય, આ બંને વિરુદ્ધ કેમ કોઈ ચાર્જ ફ્રેમ નહીં કરાયા તે પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ સાથે જ હાઈકોર્ટે અમદાવાદ મનપા કમિશનરને કોર્ટમાં હાજર રહેવા હૂકમ કર્યો હતો પરંતુ સરકારી વકીલ કાયદાના કડક અમલની ખાતરી આપતા કોર્ટે વધુ સુનાવણી 9 ઓગસ્ટે નક્કી કરી છે. 

આજની સુનાવણીમાં હાઈકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, રસ્તા પર સ્ટંટ કરનારા લોકોને રોકવા શું પગલાં લેવામાં આવી રહ્યાં છે? નબીરાઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરે છે તો તેવા નબીરાઓ સામે કાર્યવાહી નહીં કરનાર બંને કમિશનરો સામે ચાર્જફ્રેમ કેમ નહીં? સરકારની ઈચ્છા શક્તિ હોય તો બધું થઈ શકે છે. આ સાથે જ હાઈકોર્ટે સરકારના વલણની ટીકા કરવા સાથે ઝાટકણી કાઢી હતી.

જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજી પર આજે જ્જ એ.એસ. સુપેહિઆ અને એમ.આર. મેંગડેની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં રાજ્ય સરકારે જવાબ આપવા વધુ સમય માગ્યો હતો, જે આપવા કોર્ટે મનાઈ ફરમાવી હતી.

કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, સરકારે ટ્રાફિક સમસ્યા નિવારવા કયા પગલા લીધા છે? તમને ખબર છે ઈસ્કોન બ્રિજ અકસ્માત પાછળનું મૂળ કારણ શું છે? આરોપીઓને કાયદાનો ડર નથી. તમારે કાયદાનો અમલ કરાવવો નથી. સીસીટીવી કેમેરાની વાત થાય છે પરંતુ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં સાબિત થઈ ગયું કે સીસીટીવી કેમેરા ત્યાં નહોતા.

મુંબઈ દિલ્હીમાં લોકો ટ્રાફિક નિયમોનું પાલન કડકાઈથી કરે છે
કોર્ટે કહ્યું કે, મુંબઈ દિલ્હીમાં લોકો ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરે છે, જ્યારે ગુજરાતમાં એવું નથી. અમદાવાદમાં પોલીસ કર્માચરી ચૂપચાપ રોડ પર ઉભા રહે છે. કોર્ટે વ્યક્તિગત રીતે જોયું છે કે ટ્રાફિક પોલીસ કશું કરતી નથી. પોતાની આંખો બંધ રાખે છે. કોર્ટ શા માટે જવાબદાર અધિકારીઓ સામે આરોપ ઘડવાની કાર્યવાહી ન કરે? કાયદાનો ડર લોકોમાં હોવો જોઈએ. ઈ-ચલણ તો મુખ્ય માર્ગોના ચાર રસ્તા પર ટ્રાફિક નિયમો તોડનારા લોકો માટે છે અન્ય અંતરિયાળ માર્ગો માટે શું વ્યવસ્થા છે?

પોલીસે કડકાઈ કરવી પડશે
કોર્ટે વધુમાં કહ્યું કે, પુણે, બેંગ્લોર, નોઈડામાં રોડ પર કાંટા લગાવવામાં આવે છે, જેથી વાહનો રોંગસાઈડ પર જઈ શકે નહીં. તમે કેમ તેવી વ્યવસ્થા કરતા નથી? સમય આવી ગયો છે પોલીસે સખત બનવું પડશે. નહીંતર ઈસ્કોન બ્રિજ જેવા અકસ્માત બન્યે જ રાખશે. રાત્રે પોલીસ પેટ્રોલિંગ થતું નથી અને રોડ પર યુવાનો સ્ટંટ કરે છે.

Most Popular

To Top