SURAT

આ કેવું સ્માર્ટ સિટી? સુરતમાં પીવાનું પાણી શુદ્ધ નથી, જીવાત નીકળી

સુરત: સ્વચ્છ સુરતના બણગાં ફૂંકી સુરતને સ્માર્ટ સિટી બનાવવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. સુરત મનપાનું તંત્ર શહેરીજનોને પીવા માટે શુદ્ધ પાણી પણ સપ્લાય કરી શકતું નથી. આજે શહેરના કેટલાંક મકાનોમાં જીવાતવાળું પાણી આવ્યું હતું. તેથી શહેરીજનો ક્રોધે ભરાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગર પાલિકાની કચેરીની આસપાસના વિસ્તારોમાં જ શુદ્ધ પાણી આવી રહ્યું નથી. અહીં સુરત મનપાની મુખ્ય કચેરીની નજીક વરીયાવી બજાર પાસેના વોર્ડ નં. 12 ખજુરાવાડી વિસ્તારમાં આજે સવારે ગંદુ પાણી આવ્યું હતું. અહીં સ્થાનિક અગ્રણી નાઝીમ પઠાણના મકાન સહિત આસપાસના મકાનોમાં સવારે 7 વાગ્યે જીવાતવાળું પાણી આવ્યું હતું. તપાસ કરતા સમગ્ર વિસ્તારમાં આવું જ ગંદુ પાણી સપ્લાય થયું હતું. તેથી સ્થાનિક રહીશો ભેગા થઈ ગયા હતા. જીવાતવાળા પાણીને બોટલમાં ભરી વીડિયો બનાવી દીધો હતો.

સ્થાનિક રહીશોએ સુરત મનપાના વહીવટ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગંદુ જીવાતવાળું પાણી સપ્લાય કરી સુરત મનપા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. વિકાસના બણગાં ફૂંકતા ભાજપ શાસિત સુરત મનપાનું કહેવાતો સ્માર્ટ વહીવટ ખાડે ગયો છે. તેઓ પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ રહ્યાં છે.

કોંગ્રેસી અગ્રણી અસલમ સાયકલવાલાએ કહ્યું કે, છેલ્લાં 15 દિવસથી ગંદુ પાણી ખજૂરવાડી વિસ્તારમાં આવી રહ્યું છે. અનેકોવાર ફરિયાદ કરવા છતાં તંત્ર સાંભળતું નથી. સુરત મનપાની મુખ્ય કચેરીથી માંડ અડધો કિલોમીટર દૂર ગંદા પાણીનો સપ્લાય ભાજપના શાસકોની નિષ્ફળતા દર્શાવે છે.

Most Popular

To Top