SURAT

સુરત ડાયમંડ બુર્સના 538 કરોડના પેમેન્ટના વિવાદમાં શું કહ્યું બાંધકામ કરનાર કંપનીના વકીલે? જુઓ વીડિયો

સુરત(Surat): શહેરના ખજોદ ડ્રીમ સિટી (Dream City) ખાતે વિશ્વનું સૌથી મોટું બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ (SuratDiamondBurse) બન્યું છે. આ બિલ્ડિંગના વખાણ વિશ્વભરમાં થઈ રહ્યાં છે, ત્યારે હવે આ બિલ્ડિંગનું બાંધકામ કરનાર કંપની અને સુરત ડાયમંડ બુર્સના વહીવટકર્તાઓ વચ્ચે પેમેન્ટના (Payment) મામલે વિવાદ (Controversy) થયો છે.

આ બુર્સનું બાંધકામ કરનાર પીએસપી (PSP) કંપનીના સંચાલકોએ સુરત ડાયમંડ બુર્સની કમિટી સામે રૂપિયા 538 કરોડના પેમેન્ટના મામલે દાવો માંડ્યો છે. જે દાવાને બુર્સની કમિટીએ પાયાવિહોણો ગણાવ્યો છે. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. પીએસપી કંપનીના વકીલે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરી બુર્સની કમિટીના હોદ્દેદારોને આડેહાથ લીધા છે.

ગઈ તા. 21મી નવેમ્બરથી સુરત ડાયમંડ બુર્સમાં ઓફીસો કાર્યરત થઈ ગઇ છે. બુર્સનું સત્તાવાર ઉદઘાટન આગામી 17મી ડિસેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. જોકે, ઉદ્દઘાટનના એક સપ્તાહ પહેલાં જ બુર્સ વિવાદોમાં ઘેરાયું છે. બુર્સનું બાંધકામ કરનારી કંપની પીએસપીએ ડાયમંડ બુર્સના સંચાલકો સામે બાંધકામ પેટેની રકમ રૂ.538 કરોડની ઉઘરાણી માટે કોર્ટમાં કેસ કર્યો છે. આ કેસની સુનાવણી 16મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. સુનાવણી પહેલા જ કોર્ટે સુરત ડાયમંડ બુર્સના સંચાલકોને એક અઠવાડિયામાં 100 કરોડની રકમ જમા કરાવવા હુકમ કર્યો છે.

દરમિયાન કેસની વાત બહાર આવતા સુરત ડાયમંડ બુર્સના સંચાલકો ફિક્સમાં મુકાયા છે. તેઓ ખુલાસા કરતા થઈ ગયા છે. પેમેન્ટ બાકી હોવાની વાતને નકારી રહ્યાં છે, ત્યારે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. પીએસપી કંપનીના એડવોકેટ ભગીરથ પટેલે એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કરી સુરત ડાયમંડ બુર્સના સંચાલકોને વળતો જવાબ આપ્યો છે.

શું કહ્યું, પીએસપી કંપનીના એડવોકેટે?
એડવોકેટ ભગીરથ પટેલે કહ્યું કે, સુરત ડાયમંડ બુર્સના સંચાલકો આશ્ચર્યજનક ખુલાસા કરી રહ્યાં છે. કદાચ તેઓએ પીટીશન વાંચી નથી અથવા તો તેમની લીગલ ટીમે તેમને સાચી સલાહ આપી નથી. 98 ટકા રકમ ચુકવી હોવાની વાત બકવાસ છે. ખરેખર તો ડાયમંડ બુર્સનું કામ જૂન 2022માં પુર્ણ થઈ ગયું છે.

બુર્સના સંચાલકો દ્વારા વર્ક કમ્પ્લીશન સર્ટી પણ ઈશ્યુ કરી દેવાયું છે, તેથી કોઈ કામ બાકી હોવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. પીએસપીને ડિપોઝીટ પણ પરત કરાઈ નથી. કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ફોર્સ મેજર થાય એટલે કે કોઈ પણ અણધારી સ્થિતિમાં જો કામ બંધ રહે તો પેમેન્ટ ચુકવવાનું હોય છે અમારા તમામ બિલ તપાસ કરીને પાસ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top