Comments

વેલ ઇન ટાઈમ એટલે વેલેન્ટાઇન

બરડા ઉપર વીંછી ફરતો હોય એમ, યુવાની તો કાઢી નાંખી ને કાંઠે પણ આવી ગયા. પણ જીવવા જેવો જમાનો હવે આવ્યો!  જેમ ઉકલી ગયા પછી મરનારની યાદ બહુ આવે, એમ ’વેલેન્ટાઈન-ડે’ આવે એટલે જૂના ખરજવા ઉભરવા માંડે. વેલેન્ટાઈનના દિવસે જ સખણો રહેનારો ચમનિયો ‘વેલેન્ટાઈન-ડે’ ની વહેલી સવારે રોજ કરતાં વહેલો ઊઠી ગયો.

મરઘા કરતાં પણ વહેલો! ને ચમનીને શંકા ગઈ કે, નક્કી આજે કંઈ દાળમાં કાળું છે! સમથીંગ ઈઝ લફરાં..! એ વિના મારો મરઘો, વહેલો ઊઠીને ઘરમાં આંટા નહિ મારે! ચમની એટલે, ભેજાંબાજ ભૈરવનાથ જેવી! બીજી તો અંગુઠામાંથી રાવણ કાઢે, ત્યારે ચમની, ટચલી આંગળીમાંથી  આખી કૌરવ સેના કાઢે! મસમોટું  કૌભાંડ પકડાવાનું હોય એમ, ફાટેલી સુજનીમાંથી રડાર ગોઠવીને, એ ચમનિયાના ખેલ જોવા લાગી.

ચમનિયાને વળી એમ કે, આજે વેલેન્ટાઈન-ડે છે, તો વર્ષ દરમ્યાન વણસેલા સંબંધોને સરભર કરું. ‘હેપ્પી વેલેન્ટાઈન-ડે’ ની વિશ કરી બધું થાળે પાડી દઉં. પણ ચમની પથારીમાંથી ઊઠે તો ને? બે-ત્રણ વાર તો બબડ્યો પણ ખરો કે, ‘આવાં ને તો, ગુલાબના ફૂલને બદલે ધંતુરાનું ફૂલ જ પકડાવીને  ‘સવા-વીશ’ કરાય!  એના ઊઠવાની રાહ જોવામાં સાલું ગુલાબનું ફૂલ પણ વાસી કારેલા જેવું થઇ ગયું. ચમનિયાનું મગજ ફાટ-ફાટ તો થાય, પણ વળે શું? આડું-અવળું બફાઈ ગયું તો, વેલેન્ટાઈન-ડે ના દિવસે જ ૧૦૮ આંગણે આવી પડે ને ચમનીની નજર એટલે, ‘જીપીઆરએસ’ જેવી.

ચમનિયાના ચરણ ઉપર એની ચાંપતી નજર હોય જ! એને પૂછ્યા વગર જો ચરણ બહાર કાઢ્યાં તો સમજી લેવાનું કે,  ‘સર્જિકલ સ્ટ્રાઈક ’ થવાની! ચમનિયાએ ‘ગાંધીગીરી’ નો પ્રયોગ કર્યો. ‘ચરણ ચાંપી મૂછ મરડી ’ ની માફક ચમનીને એવા પ્રેમથી જગાડી કે, ચંચી વિચાર કરતી થઈ ગઈ કે, આ કાનખજૂરો આજે વેવલાઈ કેમ કરે? કડવું કારેલું આટલું મીઠું ક્યાંથી થઇ ગયું?’

ચમન : ઊઠો ને ડાર્લિંગ?  પરોઢિયું થયું, મરઘાઓ પણ ‘કૂકડેકૂક’ કરીને ચરતા થઇ ગયાં. હવે તો ઊઠો?

ચંચી  :  સૂરજ ઊગી ગયો, નાથ?

ચમન : હાસ્તો..! કહેતી હોય તો હાથમાં પકડીને પથારી પાસે લાઉં?

ચંચી :    કેમ, આજે લડવાના મૂડમાં છો કે શું?

ચમન :   ના ડાર્લિંગ..!  લાડ લડાવવાના મૂડમાં છું!

ચંચી :  શું બોલ્યા? ડાર્લિંગ? ઓહ માય ગોડ! કેટલાં વરસે આ શબ્દ સાંભળવા મળ્યો! તબિયત તો ઠેકાણે છે ને? પ્રેશરની ગોળી તો લીધેલી છે ને? એકવાર પાછું બોલો ને નાથ, તમે તો વર્ષો પછી કોમામાંથી જાણે બહાર આવ્યા!

ચમન:   સાચી વાત છે.  એકની એક દાળ ઢોકળી કેટલા દિવસ ભાવે?  તને ખબર છે ને, તને ‘ડાર્લિંગ’ કહેવામાં નોકરે કેવો દાટ વાળેલો? તારું નામ ‘ડાર્લિંગ’ સમજીને એ પણ તને ડાર્લિંગ કહેતો! મહેમાન ગૂંચવાઈ જતાં કે, અમારા બે માં નોકર કોણ?

ચંચી :  બિચારો કેવો કદરદાન હતો એ?

ચમન : તો હું શું બારદાન
હતો કે?

ચંચી :  ના,  તમે તો મારું વરદાન છો. હવે વાક્દાન બંધ કરો, ને સમયદાનનો ઉપયોગ કરી એ કહો કે, આજે રોમેન્ટિક મૂડમાં કેમ છો? કઈ તમારી સગલી મીનાકુમારીને આ ફૂલ આપવા નીકળ્યા?

ચમન : આ પથારીવાળી મીનાકુમારીને!

ચંચી :  આવું કરમાયેલું ફૂલ આપવા આવ્યા?

ચમન :  ડાર્લિંગ, તારી  ઊઠવાની રાહ જોવામાં હું ધંતૂરા જેવો થઈ ગયો, તો ફૂલનો શું હિસાબ?

ચંચી :  કેમ આજે અચાનક ઉભરો આવી ગયો? 

ચમન :  આજે  વેલેન્ટાઈન-ડે છે, ને હું તને ફૂલ આપી હેપ્પી ‘વેલેન્ટાઈન-ડે’ ની વિશ કરવા આવ્યો છું. 

ચંચી :   ઠીક છે, કર ત્યારે..! એમાં મારે શું કરવાનું?

ચમન :  વેંગણ-પાપડીનું શાક બનાવવાનું..!. ( સ્વગત…તારા કપાળમાં કાંદો ફોડું..!)

ચંચી :  ના, આજે તો દાળઢોકળી જ થશે. ઘરમાં વાલ પાપડી ભરી રાખેલાં છે, કે ફરમાઈશ કરો એટલે થઇ જાય? એ તો  ‘વેલ-ઇન-ટાઈમ ’ કહેવું પડે.

ચમન :  મને લાગે કે, તને વિશ કરવા કરતાં તો જાતે વિષ પીધેલું  સારું..!

ચંચી:   આ તમે વીસ-વીસ  બોલ્યા ને મને યાદ આવ્યું. તમે હજી મારા વીસ રૂપિયા પાછા આપ્યા નથી.

ચમન :  ધંતૂરો..! હું તને ‘વેલેન્ટાઈન-ડે’ ની વિશ આપવાની વાત કરું ને તું વીસ રૂપિયાનું કૂટે?

ચંચી:   આ તો યાદ આવ્યું, એટલે કહી નાંખ્યું. એમાં કયો તમારો ગરાસ લૂંટાઈ ગયો..? તમારી પુરુષની જાત પૈસા ચૂકવવાના આવે, એટલે લડવાનું જ શોધે!  તે બોલો, પેલું વેટેલાઈન-ડે નું શું ફૂટતા હતા?

ચમન : વેટેલાઈન ડે નહિ, વેલેન્ટાઈન-ડે!! આ દિવસે પ્રેમી-પ્રેમિકા એક બીજાને વિશ કરીને ફૂલ આપે, પછી હરે ફરે ને હોટલમાં નાસ્તો કરવા જાય, ને મઝા કરે. લે, તારા માટે આ ફૂલ લાવ્યો છું. હેપ્પી વેલેન્ટાઈન ડે!

ચંચી : ઓહ..! તમે તો મારા કોલજના દિવસો યાદ કરાવી દીધા..! અમે આવું જ કરતાં..!

ચમન : એટલે..? 

ચંચી : એ તો અમારો ‘વેલ-ઇન-ટાઈમ’ હતો..!

ચમન :  “તારા કપાળમાં કાંદા ફોડું….!! ”

(ચમનિયો હજી ભાનમાં આવ્યો નથી….!

લાસ્ટ ધ બોલ

વેલેન્ટાઈન-ડે ના દિવસે ગર્લફ્રેન્ડ નહિ હોય તો મૂંઝાવું નહિ. કેમ કે ગાંધીજયંતીના દિવસે ‘ગાંધીજી’  પણ હોતા નથી!

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top