Vadodara

પ્રજાના નાણાનો વેડફાટ : IOCLને પાણી પહોંચાડવામાં પાલિકાને 50 કરોડનું નુકસાન

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના અણગઢ વહીવટને કારણે વધુ એક વખત પ્રજાના પૈસાનો વેડફાટ થવા પામ્યો છે.ઈન્ડિયન ઓઈલ કંપનીને પાણી પહોંચાડવાના પ્રોજેકટમાં ખોડિયાર નગર પાસેના રાજીવ નગર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી કંપની સુધી પાઈપ લાઈન નાખવાની કામગીરીને લઈ તાજેતરમાં જ નવ કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર થયેલા રોડને ખોદી નાખવામાં આવતા પાલિકાને રૂ.50 કરોડનું નુકશાની વેઠવાનો વારો આવશે. ગુજરાત સરકારના નવા પાણી નીતિના અભિગમને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર પાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથધરવામાં આવ્યો છે.રાજીવનગર અને છાણી એસટીપી ખાતે મલિન જળને શુદ્ધ કરી પાણીનું વિવિધ ઔદ્યોગિક એકમોને રીયુઝ માટે વેચાણ કરવામાં આવશે.તેમજ શુદ્ધ થયેલા પાણીનો ઉપયોગ વિવિધ પ્રવૃતિઓમાં પણ થશે.રાજીવનગર ખાતે 60 એમએલડી પ્લાન્ટમાં દૂષિત પાણી ટ્રીટમેન્ટ કર્યા બાદ રીસાયકલિંગ કરી આઈઓસીએલ અને રિલાયન્સને આપવામાં આવશે.આ એસટીપી પ્લાન્ટનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ પિરિયર્ડ 15 વર્ષનો છે.

જેનો ઈજારો સ્કાય ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લી.ને આપવામાં આવ્યો છે.જેની પાછળ રૂ.145 કરોડ ઉપરાંતનો ખર્ચ પણ થશે.આ દરમિયાન શહેરના એરપોર્ટ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધીનો એક તરફનો માર્ગ રીસાયકલિંગ પાણીના પ્રોજેકટ માટે ખોદી નાખવામાં આવ્યો છે.તાજેતરમાં જ અંદાજીત 9 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આ માર્ગ ડેમેજ થતા તેની આવરદા ઘટી ગઈ છે.તેમજ માતબર રકમનો વેડફાટ થયો છે.પાલિકાના અણગઢ આયોજન ના કારણે વધુ એક વખત નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.હવે ફરીથી આ રિંગરોડ નવેસરથી બનાવવા કરોડો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાકટ આપવામાં આવશે.એજ પ્રમાણે ખોડિયાર નગર પાસેના રાજીવનગર સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ઈન્ડિયન ઓઈલ કંપની બાજવા સુધીના રોડ રસ્તાનું ખોદકામ કરી લાઈન નાખવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.જેને કારણે રૂપિયા 50 કરોડનું આર્થિક નુકશાન થશે તેવી માહિતી મળવા પામી હતી. સમગ્ર મામલે સામાજીક કાર્યકરે તંત્ર સામે પાલિકા પ્રજાના નાણાંનો વેડફાટ કરી રહી હોવાના આક્ષેપ સાથે રોષ પ્રગટ કર્યો હતો.

Most Popular

To Top