Charchapatra

મતદાન કરો, સ્પષ્ટ પરિણામ લાવો

જયાં ચૂંટણી છે તેવા વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત સહિતના કુલ 10 દેશોમાંથી 7 દેશોમાં વર્ષ 2024માં ચૂંટણી છે જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ચૂંટણી થયેલ છે. જયારે આપણા દેશમાં આગામી 19 એપ્રિલથી સાત ચરણોમાં (અભિમન્યુના સાત કોઠા યુધ્ધ સમાન) ચૂંટણી થવાની છે જેના પરિણામ પર માત્ર આપણા દેશની જ નહીં પણ વિશ્વની નજર રહેવાની છે. વિશ્વની મોટી લોકશાહી દેશ એવા આપણા ભારતની વસતી વિશ્વની 17.8 ટકા છે જે દેશનો વિશ્વમાં વિશાળ વ્યાપ બતાવે છે.

દેશના 21 રાજયોમાં એક તબક્કામાં અને ઉત્તરપ્રદેશ, બિહાર, અને પશ્ચિમ બંગાળ એમ ત્રણ રાજયોમાન સાત તબક્કામાં મતદાન થવાનું છે. દેશના કુલ 97 કરોડ મતદારો, 10.5 લાખથી વધુ મતદાન કેન્દ્રો પર 55 લાખ ઇવીએમ મશીનના ઉપયોગ દ્વારા મતદાન કરવાના છે. આ સંસદીય ચૂંટણી સાથે દેશના ચાર રાજયોમાં વિધાનસભાની ચૂંટણી તેમજ અન્ય રાજયોની 26 વિધાનસભાની પણ ચૂંટણી થનાર છે અને વિક્રમ એવો કુલ ચૂંટણી ખર્ચ 1.20 લાખ કરોડ રૂપિયાનો થનાર છે જે દેશના મતદાનની વ્યાપકતા સાબિત કરે છે.

લોકાહીનો ઉત્સવ એટલે આ ‘ચૂંટણી પર્વ’ ગણી શકાય. આ સંસદીય ચૂંટણી શિસ્તબધ્ધ અને કેડર બેઝ વિશાળ ભાજપ સામે કોંગ્રેસ સહિતના અન્ય વેરવિખેર પક્ષોની છે. જેમાં દેશ માટે હવે કયા વિચારની જરૂર છે તેનો નિર્ણય થવાનો છે. દેશને મતોના તુષ્ટિકરણો જોઇએ છે કે કરોડો રૂપિયાના જરૂરી વિકાસો જોઇએ છે કે જરૂરી એવા ભારતીય સંસ્કૃતિની વિરાસતો જોઇએ છે તેનો નિર્ણય દેશના મતદારો કરવાના છે અને તેથી આ વખતે મતદારો વધુ જાગૃત બનીને મતદાનની પહેલા કરતા વધુ ટકાવારી થાય તેવો પ્રયત્ન કરવાના છે જેમા રાજકીય પક્ષોની પૂરેપૂરી કસોટી થવાની છે, રાજકીય પક્ષોએ જાગૃતિ પણ બતાવવી પડશે.

આ ચૂંટણીને કારણે દેશના ચૂંટણી કમિશનને પણ વિશાળ સત્તાઓ પ્રાપ્ત થયેલી છે જેના પરિણામે ચૂંટણીની આચારસંહિતા લાગુ થવાની ક્ષણે જ કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ મધ્યપ્રદેશના સરકીટ હાઉસ માટે રાત્રી રોકાણ માટે 600 રૂપિયાની રસીદ ફાડવી પડી હતી અને કોંગ્રેસની ફરિયાદને કારણે કેન્દ્ર સરકારને વિકસીત ભારતના વોટસ એપ મેસેજ મોકલવાનું બંધ કરવાની ચૂંટણી પંચ જણાવેલ છે. ચૂંટણીના આ વિશાળ કાર્યની સામે મતદારોએ માત્ર ઘર બહાર નીકળીને મતદાન જ કરવાનું છે જેથી મતદાનની ટકાવારી પહેલા કરતા આ વખતે વધારે રહેવાની જરૂરી બનેલ છે અને તો જ ચૂંટણી પરિણામ દેશ અને સમાજ હિતનું આવી શકે. જે લોકો શાસનની સામે સતત ફરિયાદો કરતા રહે છે તેમણે તો અવશ્ય મતદાન કરવાનું રહેશે.
અમદાવાદ                  – પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલા વિચાર લેખકના પોતાના છે.

Most Popular

To Top