Charchapatra

પ્રાઈમ આર્કેડનું  ટ્રાફિક સર્કલ ફરી બનાવો

આનંદમહલ રોડ ,અડાજણ પર આવેલ પ્રાઈમ આર્કેડ એરિયા સુરતનું મીની ચૌટા બજાર કે મુંબઇના ભુલેશ્વરની યાદ અપાવે છે.વિકસિત અડાજણમાં આ જ એક એવો વિસ્તાર છે કે જ્યાં એક સાથે ચારથી પાંચ રસ્તા જુદી જુદી દિશાએથી ભેગા થાય છે.પરિણામે આખો દિવસ ટ્રાફિક તો ઠીક,પણ સાંજે તો ખૂબ ભીડ જોવા મળે છે.અહીં ચારેક નાની હોસ્પિટલો અને પાંચેક પ્રાઇવેટ અને સરકારી બેંકો અને રેડીમેડ ગાર્મેન્ટ ઉપરાંત ખાણી પીણીની લારીથી શરૂ કરી હોટલ રેસ્ટોરન્ટોની પણ ભરમાર છે.અહીં છેલ્લા કેટલાક વખતથી  ખોદકામથી ચાર રસ્તા પર મોટા ખાડા અને પુષ્કળ પાણી ભરાવાની સમસ્યા આ જ વિભાગમાં એક નાગરિકે રજૂઆત કરતાં સદ્ભાગ્યે દૂર થઇ છે.પરંતુ ગોળ ટ્રાફિક સર્કલ આખે આખું કાઢી નાખતાં વાહનોનો જમાવડો થઈ જાય છે.  “સ્વચ્છ સુરત, સુંદર સુરત”  હવે તો સ્વચ્છતા અભિયાનમાં પણ નંબર વન પર દેશભરમાં ચર્ચામાં છે ત્યારે સુંદર ફુવારો અને લાઈટ ફૂલોથી શોભતું એક નાનું સર્કલ ફરીથી આ પ્રાઈમ આર્કેડ એરિયામાં બનાવવામાં આવે એમ આ વિસ્તારનાં નાગરિકો ઈચ્છી રહ્યાં છે.
સુરત     – પ્રભાકર ધોળકિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચાર લેખકના પોતાના છે.

કોન્ટ્રાકટરોએ પોતાની જવાબદારી સ્વીકારી
કોઇ પણ ટેન્ડરો કટકી વગર પાસ થતા નથી. રો મટીરીયલમાં ભેળસેળ કરી કવોલિટી બગડવા માટે હમો જવાબદાર નથી, સરકારી તંત્ર જ ભેળસેળવાળુ હોય તો! થોડા જ વખતમાં સરકારી મકાનોની શિલીંગ પરથી પોપડા ખરવા માંડે, સિમેન્ટ કોંક્રીટ રોડના સળિયા દેખાવા માંડે, પિલરોમાં તડ પડવા માંડે. વહિવટી તંત્રની બેદરકારીથી જ જાનહાની જેવા બનાવો વધતા જ જાય છે. કોન્ટ્રાકટરો સબ કોન્ટ્રાકટરો આવે છે અને પોતાની નૈતિક જવાબદારીમાંથી છટકી જાય છે.
સુરત              – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચાર લેખકના પોતાના છે.

Most Popular

To Top