SURAT

VNSGUનાં આ વિવાદના કારણે શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા

સુરત : હિંદુ વિભાગના કો-ઓર્ડિનેટર અને વિદ્યાર્થી (Student) બાલાજી જાદવારને કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ફરી એક વખત વિવાદમાં આવી છે. હિંદુ વિભાગના કો-ઓડિર્નેટર બાલાજીએ માસ્ટર ઓફ આર્ટ્સ ઇન પોલિટિકલ સાયન્સની એક્સર્ટનલ પરીક્ષામાં (Exam) નાપાસ (Fail) થયા હતાં. જો કે, એક અઠવાડિયામાં એવો જાદુ થયો કે તેમણે ઓન ડિમાન્ડ એક્ઝામ આપી 72 માર્ક્સ મેળવી લીધાં! આમ આવી શંકાસ્પદ બાબતને કારણે શિક્ષણવિદો પણ નિંદા કરી રહ્યાં છે.

યુનિવર્સિટીના હિંદુ સ્ટડીઝ વિભાગના કો-ઓર્ડિનેટર બાલાજી જાદવારે તેમના જ વિભાગમાં જ એમએના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી. એટલું જ નહીં, ડિસ્ટિંગશન પણ મેળવ્યું હતું. જે મામલે એડવોકેટ નિલેષ બારોટે યુનિવર્સિટીને ફરિયાદ કરી હતી. જેના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવે આ વિવાદમાં રોજે રોજ નવા નવા ફણગાં ફૂટી રહ્યાં છે.

ત્યાર બાદ શુક્રવારે ફરી એડવોકેટ નિલેષ બારોટે યુનિવર્સિટીને ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે જ્યારે યુનિવર્સિટીએ બાલાજી જાદવારને ફરજ પર લીધો હતો, ત્યારે તેણે માત્ર બેચલર ઓફ પોલિટિકલ સાયન્સનો જ અભ્યાસ કર્યો હતો. જે પછી તેણે ફરજ દરમિયાન જ એક્સર્ટનલમાં ચાલતા માસ્ટર ઓફ આર્ટ્સ ઇન પોલિટિકલ સાયન્સમાં પ્રવેશ લઇ કોઇપણ પ્રકારની મંજૂરી વગર રિસર્ચ મેથોડોલોજી વિષયની પરીક્ષા આપી હતી. જેમાં તેઓ નાપાસ થયા હતાં. આરટીઇના માધ્યમથી તેમણે તેમની ઉત્તરવહી મેળવી લીધી હતી અને રિચેકિંગના નામે જુદા જુદા પ્રોફેસરનો સંપર્ક કરી પાસ થવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી. એટલે તેમણે એક જ અઠવાડિયામાં ઓન ડિમાન્ડ એક્ઝામનો વિકલ્પ પસંદ કરી ફી તે જ વિષયની પરીક્ષા આપી હતી. ત્યાર બાદ ખૂબ જ નજીકના ગુજરાતી વિભાગના એક અધ્યાપક પાસે ઊત્તરવહી ચેક કરાવીને 72 માર્ક્સ લઈ આવ્યો હતાં. આમ, જે વ્યક્તિ પહેલા પ્રયાસે પાસ થયો ન હોય તે એક અઠવાડિયામાં ડિસ્ટિંગશન માર્કસ લઇ આવી તે ખૂબ જ શંકાસ્પદ બાબત છે. તેથી તેમનું પરિણામ રદ કરવાની પણ માગ કરવામાં આવી છે.

સામાજિક વિજ્ઞાનના અધ્યાપકને બદલે અન્યએ ઉત્તરવહી ચેક કરી
અડવોકેટ નિલેષ બારોટે એવી પણ ફરિયાદ કરી છે કે પોલિટિકલ સાયન્સ એ સામાજિક વિજ્ઞાનનો ભાગ હોય છે. જેથી રિસર્ચ મેથડોલોજીનું પેપર સામાજિક વિજ્ઞાનના અધ્યાપક પાસે ચેક કરાવવાનું હોય છે. પરંતુ બાલાજી જાદવારે તેની ઉત્તરવહી ગુજરાતી સાહિત્યના અધ્યાપક પાસે ચેક કરાવી હતી. રિસર્ચ મેથેડોલોજી અને સાહિત્યની રિસર્ચ મેથડોલોજી બંને વિષયો અલગ અલગ હોય છે. સાહિત્યમાં રિસર્ચ મેથડોલોજીનો વિષય ભણવવામાં આવતો નથી.

શું મારી પાસે મહેનત કરી પાસ થવાનો અધિકાર નથી?
હિંદુ વિભાગના કો-ઓર્ડિનેટર બાલાજી જાદવારે જણાવ્યું હતું કે, મારી સામે ખોટી ફરિયાદ થઈ છે. પહેલા પ્રયાસ હું નાપાસ થયો હોઉં અને બીજા પ્રયાસમાં મહેનત કરીને પાસ થાવ છું તો શું મને પાસ થવાનો અધિકાર નથી? મારે અન્ય બીજું કઈ કહેવું નથી.

સિન્ડિકેટના નિર્ણય મુજબ યુનિવર્સિટી કાર્યવાહી કરશે
યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે બાલાજી જાદવાર સામે ફરિયાદ મળી છે. જેથી આ બાબત સિન્ડિકેટમાં લઈ જવાશે. તેમના નિર્ણય મુજબ યુનિવર્સિટી કાર્યવાહી કરશે. ઉપરાંત ઉચ્ચ શિક્ષણ વિભાગથી પણ મળેલી સૂચના સિન્ડિકેટમાં મૂકાશે.

Most Popular

To Top