World

બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિંસા ફાટી નીકળી: ટોળાએ ટ્રેનમાં આગ ચાંપી, 5ના મોત

ઢાકા: બાંગ્લાદેશની (Bangladesh) રાજધાની ઢાકાના (Dhaka) ગોપીબાગ વિસ્તારમાં શુક્રવારે રાત્રે કેટલાંક લોકોએ એક ટ્રેનમાં (Train) આગ (Fire) લગાવી દીધી હતી. આ ઘટનામાં 5 લોકોના મોત (Died) થયા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ (Injured) થયા હતા. તદ્ઉપરાંત લોકોએ રસ્તા ઉપર ઉતરી વિપક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર મામલે ચૂંટણી (Election) પહેલા વધી રહેલા તણાવના કારણે બાંગ્લાદેશમાં સેનાને (Army) રસ્તા ઉપર તૈનાત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બદમાશોએ બેનપોલ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવી હતી. આ ઘટના રાત્રે 9.05 કલાકે બની હતી. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રૂમના ડ્યુટી ઓફિસર ફરહાદુઝમાને આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમજ તેમણે કહ્યું કે આગ ઠારવા માટે ફાયર સર્વિસના 7 યુનિટને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. તો બીજી તરફ વિપક્ષની 12 પાર્ટીઓએ સંયુક્ત રીતે ચૂંટણી દરમિયાન 48 કલાકની હડતાળની જાહેરાત કરી છે.

અહેવાલ મુજબ ગોપીબાગ વિસ્તારમાં રાત્રે લગભગ 9 વાગ્યે આગ લાગી હતી. રાત્રે 10.20 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. તેમજ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ઘણા મુસાફરો ભારતીય નાગરિક હતા. પોલીસને શંકા છે કે આ આગજનીનો મામલો છે જે તોડફોડના કારણે લાગી હતી. આ આગ ટ્રેનના પાંચ ડબ્બાઓમાં ફેલાઈ ગઈ હતી. પોલીસે જાનહાનિ અને નુકસાનની જાણકારી મેળવવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરી છે. પોલીસને આશંકા છે કે કોચની અંદર હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે. જણાવી દઇયે કે આ ટ્રેન ઢાકાને બાંગ્લાદેશના સૌથી મહત્વપૂર્ણ બંદર બેનાપોલ સાથે જોડે છે.

આવતી કાલે છે બાંગ્લાદેશમાં ચૂંટણી
બાંગ્લાદેશમાં આવતી કાલે 7 જાન્યુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને રાજકારણ વધુ ગરમાયુ છે. આ ચૂંટણીનું નિરીક્ષણ કરવા માટે ભારતમાંથી ચૂંટણી પંચના ત્રણ સભ્યો ઢાકા પહોંચી ગયા છે. એક તરફ શેખ હસીના સતત ચોથી ટર્મ માટે ચૂંટણી લડી રહી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ ચૂંટણીનો બહિષ્કાર કરી રહી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી જમાત-એ-ઈસ્લામી (BNP-JEI) અને તેના સહયોગીઓની માંગ છે કે શેખ હસીના પહેલા PM પદ પરથી રાજીનામું આપે અને સામાન્ય ચૂંટણીઓ તટસ્થ અથવા વચગાળાની સરકારની દેખરેખ હેઠળ યોજવામાં આવે.

Most Popular

To Top