Madhya Gujarat

સંતરામપુરમાં પીવાના પાણી માટે ભટકતાં ગ્રામજનો

મલેકપુર : મહિસાગર જિલ્લાના સંતરામપુરના ચુથાના મુવાડા ગામમાં ઉનાળાની શરુઆતમાં જ પાણી માટે લોકો વલખા મારતા થઈ ગયા છે. ગામમાં લોકોને 27 દિવસથી પીવાનું પાણી ન મળતા રોષ ભડક્યો છે. ચાર હજાર જેટલી વસ્તી ધરાવતા ગામમાં સમખાવા પુરતા ફક્ત બે હેડપંપ છે. જેના કારણે લોકોને વહેલી સવારથી પાણી માટે લાઈન લગાવી પડે છે. મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામમાં ઉનાળાનું શરુઆતમાં જ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. લોકોને 27 દિવસથી પીવાનું પાણી મળ્યું નથી.

હાલ ગામમાં બે હેડપંપ છે, જેમાં પણ પાણી માટે મોટી લાઈનો લાગે છે. ગ્રામજનોને એક કિલોમીટર દુર પાણી ભરવા જવું પડે છે. ગામના તળાવ ખાલીખમ થઈ ગયા છે, બોર કુવાના તળ નીચે ઉતરી ગયા છે. જેના કારણે પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. રાજ્ય સરકાર વિકાસની મોટી-મોટી વાતો કરી રહી છે ‘નળ સે જલ… હર ઘર જલ’ જેવી વાતો માત્ર કાગળ પર હોય તેવું જણાય રહ્યું છે. ગામની અંદાજીત ચાર હજાર જેટલી વસ્તી ધરાવતા ગામમાં રાજપૂત, બારીઆ લોકોની વસ્તી છે. ગામ ખુબ વિકાસશીલ, સ્વચ્છ અને શિક્ષિત છે.

ગ્રામજનો દ્વારા અવાર-નવાર પાણીપુરવઠા તેમંજ પાણી જૂથ યોજનાના ઇજનેરને રજૂઆત કરવા છતા પીવાનું પાણી મળ્યું નથી. મોટર બગડી છે, કાલે મળી જશે. તેવા નિર્થક આશ્વાસન મળી રહ્યા છે. ગામનો યુવા વર્ગ નોકરી અર્થે બહાર રહે છે. આથી કેટલાક પરિવારમાં માત્ર ઘરડા લોકો જ ગામમાં રહે છે, હાલ તેઓને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. 84 વર્ષની ઉંમરના પણ લોકોને હેડપંપ દ્વારા પાણી ખેંચવાનો વારો આવ્યો છે. સરકારની તમામ યોજના માત્ર કાગળ પર હોય તેમ જાણે અવાર-નવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતા મોટુ આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. હજુ ઉનાળાની શરૂઆત છે ત્યાં આ સ્થિતિ સર્જાઇ છે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાં લોકોને પાણી માટે ટળવળવું ન પડે તે માટે આયોજન કરવા માગણી કરાઇ છે.

Most Popular

To Top