Dakshin Gujarat

અજિત પટેલનો વિડીયો અસલી: શંકા હોય તો ફોરેન્સિક ટેસ્ટ કરાવો, અમેરિકાથી આવેલો મેસેજ

બારડોલી : સુરત (Surat) જિલ્લાના સહકારી અને રાજકીય અગ્રણી અજય ઉર્ફે અજિત પટેલના મહિલા સાથેના ચાર આપત્તિજનક વિડીયો (Video) વાયરલ થવાના પ્રકરણમાં ફરી એકવાર અમેરિકાથી (America) આ બાબતને લઈ વધુ એક મેસેજ વાયરલ થયો છે. મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો તમને આ વિડીયો સામે શંકા હોય તો ફોરેન્સિક લેબમાં ચકાસણી (Forensic test) કરાવી શકો છો. આ પ્રકારના દાવાથી ફરી એક વખત ખળભળાટ મચી ગયો છે.

બારડોલીની અનેક શૈક્ષણિક, સહકારી તેમજ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા સુમુલ ડેરીના ડિરેક્ટર અને બારડોલી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા અજય ઉર્ફે અજિત પટેલના મહિલા સાથેના રંગરેલિયા મનાવતો વિડીયો સામે આવતા જ સમગ્ર પંથકમાં લોકો આવા રંગીન મિજાજ નેતા સામે ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે અમેરિકાથી અનેક ગ્રુપોમાં વિડિયો વાયરલ કરવાની સાથે મેસેજમાં આ વિડીયો ખોટો હોય તો ફોરેન્સિક લેબમાં પણ ચકાસણી કરાવી શકો છો એવો દાવો કરવામાં આવી રહ્યો છે. જેને કારણે સમગ્ર પંથકમાં આ મુદ્દાએ ચકચાર મચાવી દીધી છે.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ આ મુદ્દા પર કાચબા ગતિએ આગળ વધી રહી હોય પક્ષની છબીને મોટું નુકસાન થઈ રહ્યું છે. હાલ તો પક્ષ તરફથી માત્ર ખુલાસો જ માંગવામાં આવ્યો હોવાનું પક્ષના આંતરિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જો કે, લોકો હવે અગાઉ આવા જ પ્રકરણમાં લેવાયેલા કડક અને નિષ્પક્ષ નિર્ણયોને આગળ કરી રહ્યા છે. અગાઉ તત્કાલીન બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જિતેન્દ્રસિંહ વાંસિયા, બારડોલી નગરપાલિકાના નગરસેવક દક્ષેશ શેઠ તેમજ ચોર્યાસી તાલુકા પંચાયતના આસ્તિક પટેલને તાત્કાલિક પક્ષમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. જ્યારે અજિત પટેલ પ્રકરણમાં ભાજપ મોવડીમંડળ બેધારી નીતિ અપનાવી રહ્યું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

Most Popular

To Top