Business

ચોક્કસ જૂથની મનમાની સામે નારાજગીને પગલે આ વર્ષે પણ સુરત ચેમ્બરમાં ચૂંટણી લગભગ નિશ્ચિત

સુરત (Surat): ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના (Chamber Of Commerce) ઉપપ્રમુખ (Vice President) પદ માટેની ચૂંટણી (Election) 24 એપ્રિલે યોજાશે. આ ચૂંટણી માટે સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં 10 આગેવાનોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી નિશ્ચિત બની છે. આજે ચૂંટણી કમિટીએ ઉમેદવારી નોંધાવનાર નીતીન.ટી.ભરૂચા, રમેશ વઘાસીયા, મનિષ કાપડિયા, વિજય મેવાવાલા, આશા દવે, ડો.વંદનાબેન ભટ્ટાચાર્ય, સીએ.મિતિષ મોદી, જનક પચ્ચીગર, દિપક શેઠવાલા, હાર્દિક પીએમ.શાહની સત્તાવાર માહિતી જાહેર કરી હતી. 6 એપ્રિલે ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે અને 11 એપ્રિલે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે, એ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે.

  • સૌરાષ્ટ્રવાસી, 2 હિન્દીભાષી અને 6 સુરતી આગેવાને ઉમેદવારી નોંધાવી
  • બી.એસ. અગ્રવાલ જૂથે રમેશ વઘાસિયાનું નામ આગળ કર્યું
  • બે વાર ચૂંટણી લડનારા મિતીષ મોદીએ ત્રીજી વાર ફોર્મ ભર્યું

ચેમ્બરના માજી પ્રમુખ બીએસ. અગ્રવાલના જૂથ દ્વારા રમેશ વઘાસિયાની ઉમેદવારીને આગળ કરવામાં આવી છે. બીજી તરફ યુવા ભાજપ અગ્રણી મનીષ કાપડીયાએ પણ ઉમેદવારી નોંધાવી છે. સુરતી ઉમેદવારોમાં સીએ. મિતિષ મોદી, ચેમ્બરના વર્તમાન સેક્રેટરી દિપક શેઠવાલા, વિવર્સ અગ્રણી વિજય મેવાવાલા, જનક પચ્ચીગર, સીએ. હાર્દિક શાહ, નીતિન ભરુચા ચૂંટણી લડવા ઈચ્છુક હોવાનું જણાય છે. ચેમ્બરના સૌરાષ્ટ્રવાસી સભ્યોના જૂથ દ્વારા કેટલાક સુરતી માજી પ્રમુખોના સમર્થનથી રમેશ વઘાસિયાનું ફોર્મ ભરવામાં આવ્યા પછી સુરતી ઉમેદવારોએ મોટી સંખ્યામાં ફોર્મ ભરવામાં આવ્યા છે. ચેમ્બરના ઉપપ્રમુખ પદની અગાઉ ચૂંટણી લડી ચૂકેલા ટેક્સ કન્સલ્ટન્ટ જનક પચ્ચીગર અને સીએ. મિતિષ મોદી, આશા દવેએ પણ દાવેદારી નોંધાવી છે. જોકે રમેશ વઘાસિયા સામે એક કરતાં વધુ સુરતી ઉમેદવારો ચૂંટણી લડશે. તો વઘાસિયાનો વિજય સરળ બની શકે છે. ચેમ્બરના કેટલાક આગેવાનો દ્વારા ભૂતકાળમાં ચૂંટણી હાર્યા પછી બીજા વર્ષે બિન હરીફ ઉપપ્રમુખ બન્યા હતાં એ ફોર્મ્યુલા વર્તમાન ત્રણ ઉમેદવારો માટે પણ લાગુ કરવાની વાત રજૂ કરવામાં આવી છે.

ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં 5 વર્ષ સભ્ય રહેનારનું ઉપપ્રમુખ પદનું ફોર્મ માન્ય રાખવા માંગ
ચેમ્બરના ઉપપ્રમુખ પદના ઉમેદવારો નીતિન ભરૂચા અને આશા દવેએ ચેમ્બરની ચૂંટણી કમિટીને પત્ર લખી કોઈપણ 5 વર્ષ ચેમ્બરની મેનેજીંગ કમિટીમાં મેમ્બર રહ્યાં હોય તેમને ઉપપ્રમુખની ચૂંટણી લડવા માટે લાયક ગણવા માંગ કરી છે. મહેન્દ્ર કતારગામવાલા જે વર્ષે પ્રમુખ બન્યા ત્યારે આ માપદંડ ભવિષ્યમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બંને ઉમેદવારોએ ચેમ્બરના બંધારણની કલમ 6.6 (H)નો હવાલો આપી ફોર્મ ચકાસણી પહેલા મામલો સ્પષ્ટ કરવા જણાવ્યું છે. ચેમ્બરના કેટલાક અગ્રણી આ વાત સ્વીકારે છે. પણ એમનો મત છે કે, જે વર્ષે ચૂંટણી લડતાં હોય તે વર્ષે મેનેજિંગ કમિટીના સભ્ય હોવા જોઈએ.

ચેમ્બરના ઉપપ્રમુખની ચૂંટણી ટાળવા ચાલી રહેલા પ્રયાસો
ચેમ્બરના ઉપપ્રમુખ પદની ચૂંટણી ટાળવા આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.કોઈપણ સંજોગોમાં ઉદ્યોગકારો વચ્ચે સુરતી,પરપ્રાંતીય કે સૌરાષ્ટ્રવાસી એવો ભેદ ઉભો ન થાય એ માટે ચેમ્બરના વડીલો ચિંતિત છે.ખાસ કરીને રમેશ વઘાસિયાની ઉમેદવારી પછી ઊભી થયેલી સ્થિતિને થાળે પાડવા આવતીકાલે આગેવાનો બેઠક યોજી ઉમેદવારોને સમજાવવા પ્રયાસ કરશે.કારણકે ચેમ્બરમાં દરેક ધર્મ,સમાજ,પ્રાંતના ઉદ્યોગકારો જોડાયેલા છે.હળી મળીને વેપાર કરતા આવ્યા છે.

Most Popular

To Top