Dakshin Gujarat Main

પેટ્રોલ-ડીઝલના ભાવ બાદ હવે શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું

બારડોલી: સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel)ના ભાવ બાદ હવે શાકભાજીના ભાવમાં પણ વધારો (Vegetable price hike) જોવા મળી રહ્યો છે. બારડોલી તાલુકામાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મોટા ભાગના શાકભાજી 60થી 100 રૂ. કિલો વેચાઈ રહ્યાં છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત વધતાં ટ્રાન્સપોર્ટ (Transport) પણ મોંઘું થયું છે. જેથી તેની સીધી અસર શાકભાજી અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુ પર પડી છે. ત્યારે શાકભાજીના ભાવ વધતાં ગૃહિણી (House wife)ઓનું બજેટ પણ ખોરવાયું છે.

ડુંગળી તો ઠીક પણ અન્ય શાકભાજીના ભાવમાં પણ ભડકો થયો છે. લીલી તુવેરનો ભાવ 100થી 120 રુપિયે કિલો પહોંચ્યો છે. મરચાના ભાવ કિલોના 60 રૂપિયા છે. જ્યારે રીંગણ કિલોનાં ભાવ 30થી 40 રૂપિયા, ભીંડા 30થી 40 રૂપિયા કિલો, ટામેટાં 40 રૂપિયે કિલો થઈ ગયા છે. ફ્લાવર અને કોબીજનો ભાવ પણ 60 રૂપિયે કિલો પહોંચ્યો છે. બારડોલીના શાકમાર્કેટમાં શાકભાજીના ભાવોમાં થયેલા તોતિંગ વધારા બાબતે શાકભાજી વેચનારા તેમજ ગૃહિણીઓ વચ્ચે ભાવ બાબતે તુંતુંમૈમૈ થતી હોય છે. રોજનું કમાઇને રોજ ખાનારા ગરીબ કુટુંબો અને મધ્યમ વર્ગના પરિવારોએ શાકભાજીની ખરીદી પર થોડા અંશે કાપ મૂક્યો છે.

શાકભાજીની બળતી કિંમતમાં હોમવાનું કામ છૂટક વેપારીઓ દ્વારા કરવામાં આવે છે. હોલસેલ બજારોમાંથી ઓછી કિંમતે ખરીદેલી શાકભાજી છૂટક વેપારીઓ તગડો નફો લઇને વેચે છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી માંગની સામે પૂરવઠો ઓછો હોવાને કારણે તેની અસર ભાવ પર પડી છે. ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીનો ભાવ પણ કિલોનો રૂ. 10થી 15 થઇ જતાં તે પણ ખાવી લોકોને પોસાતી નથી. ભીંડા અત્યારે બજારમાં રૂ.100થી 200 પ્રતિ ૨૦ કિલોના ભાવે વેચાય છે. ત્યારે બંને કિંમતનો માલ મિક્સ કરીને છૂટક વેપારીઓ ઊંચી કિંમતે વેચી તગડો નફો રળી લે છે.

ઘરનું બજેટ ખોરવાતાં પરિવારો સાદું ભોજન બનાવવા મજબૂર

શાકભાજીના ભાવ અંગે પ્રતિભાવ આપતાં એક ગૃહિણીએ જણાવ્યું હતું કે, શાકભાજીના ભાવ વધવાથી ઘણીવાર બજેટમાં કાપ મૂકીને સાદું ભોજન બનાવી લેવું પડે છે. જેના કારણે ઘરમાં અમુકવાર કકળાટ થાય છે. શાકભાજીના ભાવ આસમાને જતાં ઘરનું બજેટ ખોરવાતાં સાદું ભોજન બનાવવા મજબૂર બન્યા છે. શાકભાજીના ભાવ વધતાં કાકડી, કોબીજ, ટાંમેટાં બીટ પણ મોંઘાં થતાં થાળીમાંથી સલાડ ગાયબ થઈ ગયું છે.

શાકભાજીના કિલો દીઠ ભાવ

તુવેર 100થી 120 રૂ. કિલો
કારેલાં 50થી 70 રૂ. કિલો
ગુવાર 40થી 50 રૂ. કિલો
કોબીજ 20થી 40 રૂ. કિલો
ચોળી 60થી 80 રૂ. કિલો
તુરિયા 70થી 80 રૂ. કિલો
ફ્લાવર 40થી 80 રૂ.કિલો
ટામેટાં 40થી 60 રૂ. કિલો
મરચાં 60થી 80 રૂ. કિલો
વટાણા 80થી 100 રૂ. કિલો

Most Popular

To Top