Madhya Gujarat

વસો નજીકથી બે ગઠિયા પકડાયાં ચોરીના 31 મોબાઇલ કબજે લીધાં

નડિયાદ: વસો પોલીસની ટીમે બાતમીના આધારે ટુંડેલ ગામની સીમમાં ઓવરબ્રિજ નીચેથી બે શખસોને ચોરીના મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે અમદાવાદ અને મહેમદાવાદના શખ્સની પૂછપરછ કરતાં તેઓએ 3૧ મોબાઇલ અને એક બાઇકની ચોરી કર્યાની કબુલાત કરી હતી. જોકે, આ આંકડો હજી વધે તેવી પણ શક્યતા છે. વસો પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે પો.કો. વિષ્ણુભાઇને બાતમી મળી હતી કે, ટુંડેલ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર ૪૮ પર રેલ્વે ફાટક ઓવરબ્રિજ પાસે બે શખ્સો નંબર પ્લેટ વગરના બાઇક સાથે ઉભા છે અને બંને પાસે એક એક થેલો છે, જે શંકાસ્પદ છે. બાતમીના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને શખસોને કોર્ડન કરી, તેમના થેલામાં તપાસ કરતાં અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

જે બાબતે પૂછપરછ કરતાં બંને શખ્સો સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે બંનેની ઓળખ પૂછતાં એક ઇસમે પોતાનું નામ દિલીપ ઉર્ફે દિલો સુખાભાઇ રાઠોડ (રહે.ઇસનપુર-વટવા રોડ, અમદાવાદ) અને બીજા ઇસમે પોતાની ઓળખ સંજય ઉર્ફે સંજ્યો રસિકભાઇ સોલંકી (રહે.રૂદણ, મહેમદાવાદ) તરીકે આપી હતી. પોલીસની પૂછપરછમાં બંને શખ્સોએ રીક્ષા ચાલકો પાસેથી વાત કરવા માટે મોબાઇલ ફોન લઇને પછી તેની ચોરી કરી ફરાર થઇ જતાં હોવાની કબુલાત કરી હતી. હાલમાં પોલીસે 3૧ મોબાઇલ અને એક બાઇક સાથે બંને શખ્સોને ઝડપી લઇ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top