National

જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષની જીત, કોર્ટે મસ્જિદ પરિસરના ASI સર્વેની આપી મંજૂરી

વારાણસી: વારાણસી (Varanasi) કોર્ટે (Court) ASIને જ્ઞાનવાપી (Gyanvapi) મસ્જિદનો સર્વે કરવાની મંજૂરી આપી છે. કોર્ટે વિવાદિત ભાગ સિવાય સમગ્ર કેમ્પસનો સર્વે (Survey) કરવાની પરવાનગી આપી છે. મુસ્લિમ પક્ષે સર્વેનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ સર્વેની મંજૂરી આપી દીધી છે. વારાણસીના જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે કેસની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે. વાસ્તવમાં, 14 જુલાઈએ વારાણસીના પ્રસિદ્ધ શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં મસ્જિદનો સર્વે કરાવવાની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ હતી. ત્યારબાદ જિલ્લા ન્યાયાધીશે ચુકાદો અનામત રાખ્યો હતો.

16 મે, 2023 ના રોજ હિંદુ પક્ષે ચાર અરજદાર મહિલાઓ વતી એક અરજી સબમિટ કરી હતી. જેમાં માગણી કરવામાં આવી હતી કે જ્ઞાનવાપી મસ્જિદના વિવાદિત ભાગ સિવાયના સમગ્ર સંકુલની ASI દ્વારા તપાસ કરવામાં આવે. આ અરજી પર ચુકાદો આપતાં કોર્ટે મંજૂરી આપી છે. કાશી વિશ્વનાથ મંદિર પાસે સ્થિત મા શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વિવાદિત ભાગ સિવાય સમગ્ર જ્ઞાનવાપી સંકુલની પુરાતત્વીય તપાસ કરવામાં આવશે. કોર્ટે ASIને 4 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.

મસ્જિદ પરિસરમાં શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવી-દેવતાઓની દૈનિક પૂજાના અધિકારની માંગણી બાદ તાજેતરનો જ્ઞાનવાપી વિવાદ ઊભો થયો હતો. આ શિલ્પો જ્ઞાનવાપી મસ્જિદની બહારની દિવાલ પર સ્થિત છે. વિવાદ 18 ઓગસ્ટ, 2021 ના ​​રોજ શરૂ થયો. જ્યારે 5 મહિલાઓએ શ્રીનગર ગૌરી મંદિરમાં દરરોજ પૂજા અને દર્શનની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કર્યો હતો. વાસ્તવમાં આ સંકુલમાં પહેલા પરંપરા મુજબ વર્ષમાં માત્ર 2 વખત પૂજા થતી હતી. જ્યારે આ અપીલ કોર્ટમાં આવી ત્યારે તેણે મસ્જિદ પરિસરમાં સર્વે અને વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો અને તેના પર રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. સર્વેના બીજા દિવસે સર્વે ટીમના મસ્જિદમાં પ્રવેશને લઈને ભારે હોબાળો થયો હતો અને ટીમ મસ્જિદની અંદર પ્રવેશી શકી ન હતી.

અગાઉ સુપ્રીમ કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસમાં મળી આવેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ અને સમગ્ર કેમ્પસના વૈજ્ઞાનિક સર્વે પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. આ અંગેની સુનાવણી 7 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીમાં શિવલિંગની આકૃતિની કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

Most Popular

To Top