Dakshin Gujarat

કિશોર તેનાં મિત્રો સાથે વાઘેચા મંદિરે દર્શન કર્યા બાદ તાપી નદીમાં ન્હાવા પડ્યો અને બહાર જ ન આવ્યો

બારડોલી: બારડોલીના (Bardoli) વાઘેચા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં (Tapi River) એક કિશોર ડૂબી જતાં સ્થાનિક તરવૈયાઓ તેમજ બારડોલી ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. કિશોર તેના મિત્રો સાથે વાઘેચા મંદિરે દર્શને આવ્યો હતો. દર્શન બાદ નદીમાં નાહવા જતાં આ અકસ્માત (Accident) સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના કારેલી ગામે આવેલી સ્વર વિલા સોસાયટીમાં રહેતો સચિન વિનોદ મિશ્રા (ઉં.વ.17) (મૂળ રહે., ઇલાહાબાદ, ઉત્તરપ્રદેશ) ધો.11માં અભ્યાસ કરતો હતો. હાલ શાળામાં વેકેશન હોય તે તેના મોટા ભાઈ પ્રશાંત મિશ્રા અને અન્ય મિત્રો ચંદનપાલ રામપાલ (રહે., કારેલી, તા.પલસાણા), કિરણ પાટીલ, સતિશ સુરેશ મીઠાકોલા, સંતોષ તેજ બહાદુર મોર્ય અને ધર્મરાજ નિષાદ સાથે મોટરસાઇકલ પર બારડોલીના વાઘેચા મંદિરે દર્શન માટે ગયા હતા.

દર્શન બાદ તમામ મિત્રો તાપી નદીના પાણીમાં નાહવા પડ્યા હતા. એ સમયે સચિન અચાનક પાણીના તેજ પ્રવાહમાં તણાવા લાગતાં અન્ય મિત્રો ગભરાઈ ગયા હતા. જોતજોતામાં સચિન ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. ગભરાયેલા મિત્રોએ બૂમાબૂમ કરતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. કેટલાક તરવૈયાઓએ શોધખોળ આદરી હતી. દરમિયાન પોલીસને જાણ થતાં કડોદ આઉટ પોસ્ટના જમાદાર રાકેશ વસાવા પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને બારડોલી નગરપાલિકાની ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. મોડી સાંજ સુધી ફાયરની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ ભાળ મળી શકી નથી.

પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં અવરોધ
બારડોલી ફાયર બ્રિગેડ અધિકારી પી.બી.ગઢવીએ જણાવ્યું હતું કે, હાલ અમારી ટીમ કિશોરની શોધખોળ કરી રહી છે. પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી થોડી મુશ્કેલી આવી રહી છે. હાલ પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ઉકાઈમાંથી પાણી છોડાતાં વહેણ વધી રહ્યું છે
ઉકાઈ ડેમમાંથી હાલ 1000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે નદીમાં પાણીની સપાટી વધવાની સાથે વહેણ પણ વધારે જોવા મળી રહ્યું છે. આથી આવી સ્થિતિમાં નદીમાં નાહવા જવું મુશ્કેલ સાબિત થઈ શકે છે. ગત મંગળવારના રોજ માંડવીના ઉમરસાડી ખાતે પણ સગાં ભાઈ-બહેનના નદીમાં ડૂબી જવાથી મોત થયાં હતાં.

Most Popular

To Top