Dakshin Gujarat

સુરતથી મુસાફરોને ભરી જતી મહારાષ્ટ્રની ST બસ ડમ્પર સાથે અથડાયા બાદ રોડની સાઇડે ઊતરી ગઈ

બારડોલી: બારડોલીના (Bardoli) કીકવાડ ગામની સીમમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસ (Bus) ડમ્પર સાથે અથડાયા બાદ રસ્તાની (Road) બાજુમાં ઊતરી જતાં અફરાતફરી મચી ગઈ હતી. નસીબજોગ બસમાં સવાર મુસાફરો અને ડ્રાઇવર-કંડક્ટરોને ઇજા થઈ ન હતી.

સુરતથી મુસાફરોને ભરી મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલ જતી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસ બારડોલી વ્યારા નેશનલ હાઇવે નં.53 પરથી પસાર થઈ રહી હતી. ત્યારે બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં આગળ ચાલી રહેલા ડમ્પર સાથે બસ ધડાકાભેર અથડાવી દીધી હતી. બાદમાં બેકાબૂ બનેલી બસ રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં ઊતરી જતાં બસમાં સવાર 39 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. નસીબજોગ અકસ્માતમાં મુસાફરોને ઇજા થઈ ન હતી. ડ્રાઇવર કંડક્ટરનો પણ બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતની જાણ થતાં જ બસમાં સવાર મુસાફરોના સગાવહાલા દોડી આવ્યા હતા.

ઉમરપાડાના ખોડંબા-જુમાવાડી માર્ગ પર મોપેડ સ્લિપ થઈ જતાં ચાલકનું મોત
વાંકલ: ઉમરપાડાના ચાવડા મુખ્ય માર્ગથી ખોડંબા-જુમાવાડી તરફ જતા માર્ગ ઉપર મોપેડ સ્લિપ થતાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવકને ગંભીર ઇજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડેડિયાપાડાના ઝર ગામનો પ્રકાશ રમેશ વસાવા (ઉં.વ.23) હાલ માંગરોળના કોસંબાના ઇન્દિરાનગર ખાતે પોતાના પરિવાર સાથે રહે છે અને મજૂરીકામ કરે છે. તેમજ ઉંમરપાડાના નસારપુર ગામનો હરેશ બુધિયા વસાવા કોસંબાના ઇન્દિરા નગર ખાતે રહે છે અને મજૂરીકામ કરે છે. આ બંને યુવક મોપેડ લઈ ડેડિયાપાડાના ઝર ગામ ખાતે લગ્નમાં જવા નીકળ્યા હતા. ત્યારે ખોડંબા-જુમાવાડી માર્ગ ઉપર મોપેડ સ્લિપ થઈ જતાં પ્રકાશ રમેશ વસાવાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેમજ હરેશ વસાવાને ગંભીર ઇજા થઈ હતી. જેથી તેને તાત્કાલિક 108ની મદદ લઈ બારડોલી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવની જાણ ઉમરપાડા પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માત સંદર્ભમાં મરણ જનાર યુવકના પિતા રમેશ વસાવાએ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top