National

ઉત્તરાખંડના ચમોલીમાં લેન્ડસ્લાઈડ, ખરાબ હવામાનને કારણે અમરનાથની યાત્રા સ્થગિત કરાઈ

નવી દિલ્હી : હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 24 કલાકમાં દેશના તમામ રાજ્યોમાં ભારે વરસાદ (Rain) પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડના (Uttarakhand) ચમોલીમાં લેન્ડસ્લાઈડના (Landslide) કારણે પહાડો પરથી પથ્થરો નીચે પડ્યા હતા. જેના કારણે બદ્રીનાથ હાઈવે (Badrinath Highway) બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ભગવાન અમરનાથની યાત્રા (Amarnath Yatra) પણ સ્થગિત કરવામાં આવી છે.

  • ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં વાદળ ફાટ્યું
  • અમરનાથની યાત્રા વરસાદના કારણે સ્થગિત કરવામાં આવી
  • લેન્ડસ્લાઈડમાં કારનો બચાવ થયો
  • નારાયણબગડ વિસ્તારમાં મજુરોની ઝુંપડીઓ વહી ગઈ હતી, જોકે કોઈ જાનહાની થઈ નથી

ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાના કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા. વાદળ ફાટવાના કારણે નારાયણબગડ વિસ્તારમાં મજુરોની ઝુંપડીઓ વહી ગઈ હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાની મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ નોંધ લીધી હતી. આ સાથે તંત્રની ટીમને ત્યાં રાહત કાર્યમાં લગાવી હતી.

લેન્ડસ્લાઈડ થવાની ઘટનાઓ સામે આવી રહી છે
વરસાદના કારણે પહાડી વિસ્તારમાં લેન્ડસ્લાઈડ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. લેન્ડસ્લાઈડના કારણે છેલ્લા 10 દિવસમાં ચોથી વખત બદ્રીનાથ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશના કાલકા-સોલન હાઈવે પર પહાડો પરથી અચાનક જ પથ્થરો પડવા લાગ્યા હતા. જેમાં હાઈવે પરથી પસાર થયેલી એક કાર અચાનક જ પડેલા પથ્થરો સાથે ચમત્કારિક રીતે અથડાતા-અથડાતા બચી હતી.

અમરનાથની યાત્રા સ્થગિત કરવામાં આવી
જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે પહેલગામ રૂટ અને બાલટાલ રૂટ પર અમરનાથ યાત્રાને રોકવામાં આવી હતી. ત્યાંના અધિકારીઓએ જણાવ્યું હતું કે હવામાનમાં સુધારો થવાની સાથે અમરનાથની યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવશે. મળતી મહિતીના આધારે અત્યાર સુધીમાં 80 હજારથી પણ વધુ લોકોએ અમરનાથના દર્શન કરી ચુક્યા છે.

કન્નુર અને કાસરગોડમાં રેડ એલર્ટ જારી
કેરળના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ સાથે કન્નુર અને કાસરગોડમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સતત વરસાદના કારણે અલપ્પુઝાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે એક હજારથી પણ વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા.

Most Popular

To Top