National

UP: નિઠારી હત્યાકાંડમાં હાઈકોર્ટે મુખ્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, અગાઉ ફાંસીની સજા થઈ હતી

અલ્હાબાદ હાઈકોર્ટે (High Court) સોમવારે નોઈડાના (Noida) પ્રખ્યાત નિઠારી હત્યા કેસના (Nithari Murder Case) આરોપી સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેરને નિર્દોશ જાહાર કર્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે તેઓની મૃત્યુદંડની સજા રદ કરી છે. 12 કેસમાં કોલીને નિર્દોષ જાહેર કર્યો છે અને મનીન્દર સિંહ પંઢેરને બે કેસમાં નિર્દોષ જાહેર કર્યો છે. મનિન્દર સિંહ પંઢેરના વકીલે આ અંગે માહિતી આપી છે. નોઈડાના નિઠારી કેસના આરોપીઓને સીબીઆઈ કોર્ટમાંથી ફાંસીની સજા મળ્યા બાદ અલ્હાબાદ હાઈકોર્ટે આ નિર્ણય પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે બે કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. બીજી તરફ નિઠારી ગામના પીડિત પરિવારોને આ નિર્ણયથી મોટો આંચકો લાગ્યો છે. તેમણે ન્યાય મેળવવા માટે લડત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

દેશને ચોંકાવનારી નોઈડાની નિઠારી ઘટના ફરી એકવાર સમાચારોમાં છે. મનિન્દર પંઢેર અને તેના ઘરના કેરટેકર સુરેન્દ્ર કોલીને સીબીઆઈ કોર્ટે છોકરીઓ અને બાળકોના અપહરણ, બળાત્કાર અને હત્યાથી માંડીને શ્રેણીબદ્ધ ઘટનાઓ માટે મૃત્યુદંડની સજા ફટકારી હતી. જો કે સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટે બે કેસમાં બંનેની ફાંસીની સજા પર રોક લગાવી દીધી હતી. આ નિર્ણય પીડિતોના પરિવાર માટે મોટો ફટકો બનીને આવ્યો છે. હવે તે કોર્ટના અગાઉના નિર્ણયોથી છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે. પરિવારના ઘણા સભ્યો કહે છે કે તેમના બાળકોને 17 વર્ષ પછી પણ ન્યાય મળ્યો નથી તેથી તેઓ હવે ન્યાય મેળવવા માટે આગળની રણનીતિ નક્કી કરશે.

નિઠારી હત્યા કેસ દિલ્હી એનસીઆરનો સૌથી વધુ ચર્ચિત હત્યા કેસ રહ્યો છે. આ હત્યાકાંડ નોઈડાની સૌથી કુખ્યાત ઘટનાઓમાંની એક છે જેણે સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. અગાઉ ગાઝિયાબાદ સીબીઆઈ કોર્ટે કોલી અને પંઢેરને 2005 અને 2006 વચ્ચે ઘણી છોકરીઓ સાથે બળાત્કાર અને હત્યા માટે દોષિત ઠેરવ્યા હતા. આ ઘટના ડિસેમ્બર 2006માં પ્રકાશમાં આવી હતી જ્યારે નોઈડાના નિઠારી ગામમાં એક ઘર પાસેના નાળામાંથી હાડપિંજર મળી આવ્યા હતા. કોલીની કબૂલાત પછી પોલીસે આસપાસની જમીનમાં ખોદકામ શરૂ કર્યું હતું અને બાળકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા.

આ કેસ ટૂંક સમયમાં જ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવામાં આવ્યો હતો. જેણે 16 કેસ નોંધ્યા હતા. તે બધામાં હત્યા, અપહરણ અને બળાત્કાર, પુરાવાનો નાશ કરવા માટે સુરિન્દર કોલી અને પંઢેર સામે ગેરકાયદેસર હેરફેર માટે એક ચાર્જશીટ દાખલ કરાઈ હતી. કેટલાય બાળકો ગુમ થયા હોવાની માહિતી મળવા છતાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ જવા બદલ બે પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

શું છે નિઠારી કાંડ, જાણો..
નોઈડા સેક્ટર-31 પાસે નિઠારી ગામનું ઘર નંબર ડી-5 2005માં મોનિન્દર સિંહ પંઢેર દ્વારા ખરીદવામાં આવ્યું હતું. તેમનો પરિવાર ચંદીગઢમાં હોવાથી તેમની કંપની નોઈડામાં હોવાથી તેમણે નોઈડામાં રહેવાની જગ્યા બનાવી હતી. નોઈડામાં તેમનો કોઈ પરિવાર ન હોવાથી મોનિન્દરએ ચંદીગઢમાં કામ કરતા સુરેન્દ્ર કોલીને નોઈડા બોલાવ્યો હતો. સુરેન્દ્ર રસોઈમાં નિષ્ણાત હતો. ખાસ કરીને નોન વેજ બનાવવામાં. તેથી મોનિન્દર સિંહે તેને નોઈડામાં પોતાની સાથે રાખ્યો હતો. તે ઘરની છત પર જ એક રૂમમાં રહેવા લાગ્યો હતો. મહિનાના મોટા ભાગના દિવસોમાં મોનિન્દર સિંહ ક્યાંક ટૂર પર રહેતો હતો આથી સુરેન્દ્ર ઘરમાં માલિક તરીકે રહેતો હતો.

આ રીતે ખુલ્યું રહસ્ય
31 ઓક્ટોબર 2006ના રોજ ઘરેથી નીકળતી વખતે ઘરકામ કરતી એક મહિલાએ તેના પતિને કહ્યું હતું કે સુરેન્દ્ર કોલીએ આજે ​​તેને ફોન કર્યો હતો. આથી તે કામની વાત કરવા પંઢેરના ઘર નંબર ડી-5 પર જશે. ત્યારથી તેના વિશે કંઈ જાણી શકાયું ન હતું. 24 ડિસેમ્બર 2006ના રોજ જ્યારે પોલીસે ‘ખૂની કોઠી’ પાછળના નાળામાંથી 16 માનવ કંકાલ મળી આવ્યા હતા ત્યારે લેબોરેટરી પરીક્ષણ બાદ જાણવા મળ્યું હતું કે એક ખોપડી ગુમ થયેલી મહિલાની હતી.

અગાઉ પણ મહિલા આ ઘરમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી પરંતુ બાદમાં પ્રેગ્નન્સીના કારણે તેણે નોકરી છોડી દીધી હતી. બાળકને જન્મ આપ્યાના થોડા મહિના પછી તે ફરીથી આ ઘર પર કામ કરવા માંગતી હતી. સુરેન્દ્ર કોલીએ તેની સાથે વાત પણ કરી હતી. આ કારણે તે કામની વાત કરવા ડી-5માં ગઈ હતી અને પરત ફરી ન હતી. 29 ડિસેમ્બર 2006ના રોજ નિઠારી કાંડ અચાનક બ્લાસ્ટની જેમ સામે આવ્યો હતો.

આ ઘટના બાદ આરોપી કોલીએ ઘરની પાછળની ગેલેરીમાંથી ઘણી વસ્તુઓ રિકવર કરી હતી જેમાં કપડાં, ચપ્પલ, શૂઝ વગેરેનો સમાવેશ થતો હતો. જેમાં એક સાડી પણ મળી આવી હતી જે ગુમ થયેલી મહિલાએ ઘટનાના દિવસે ઘરની બહાર નીકળતી વખતે પહેરી હતી. આ સાડી તેને નજીકના બીજા ઘરમાં રહેતી મહિલાએ પહેરવા માટે આપી હતી. ડીએનએ ટેસ્ટ ગુમ થયેલી મહિલા વિશે સચોટ માહિતી આપી શકતો ન હોવાથી તેના ફોટોગ્રાફ અને ખોપરી ચંદીગઢ સીએફએસએલને મોકલવામાં આવી હતી. ફોટોની સુપર-ફિઝિકલ તપાસ પછી ફોરેન્સિક નિષ્ણાતોએ ખોપરીમાંથી એક ખોપડીની ઓળખ ગાયબ મહિલા તરીકે કરી હતી. આ રીતે નિઠારીના નર પિશાચનું કાળું સત્ય બધાની સામે પ્રગટ થયું હતું.

Most Popular

To Top