National

યૂપીના કાનપુરમાં ITની મોટી રેઈડ: 60 કરોડથી વધુની કાર જપ્ત, ચારેબાજુ નોટોના બંડલ

કાનપુર: (Kanpur) ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક તમાકુ કંપનીના (Tobacco Company) પરિસરમાં દરોડા પાડવા ગયેલી આવકવેરા (IT) વિભાગની ટીમને દરોડામાં 60 કરોડથી વધુની કિંમતની લક્ઝુરિયસ કાર મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ કારોને જપ્ત કરવામાં આવી છે. બીજી તરફ જે સ્થાને રેઈડ કરવામાં આવી હતી ત્યાં ચારેબાજુ નોટોનાં બંડલ જોવા મળ્યા હતા.

આવકવેરા વિભાગે કાનપુરમાં એક તમાકુ કંપની પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં મળી આવેલા સામાનની તસવીરો જોઈને તમારી આંખો ચોક્કસથી ચમકી જશે. તમે પણ વિચારવા મજબૂર થઈ જશો કે તમાકુ બનાવતી કંપની કેટલી કમાણી કરી શકે છે અને દરોડામાં આટલું બધું મળી શકે છે. વાસ્તવમાં આવકવેરા વિભાગે કાનપુર સ્થિત બંશીધર ટોબેકો કંપનીના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. કાનપુર સહિત 5 રાજ્યોમાં 15 થી 20 ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. નયાગંજ સ્થિત બંશીધર એક્સપોર્ટ અને બંશીધર ટોબેકો પર હજુ પણ આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલુ છે.

તમને જણાવી દઈએ કે આ દરોડામાં આવકવેરા વિભાગને 60 કરોડ રૂપિયાથી વધુની કિંમતની લક્ઝરી કારો મળી આવી છે. આ કાર દિલ્હીમાં તેમના નિવાસસ્થાને રાખવામાં આવી હતી. આ કારોમાં સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ફેન્ટમ હતી, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. બંશીધર તમાકુના માલિક કેકે મિશ્રાના પુત્રના ઘરે દરોડામાં કરોડોની કિંમતની મેકલેરેન, લેમ્બોર્ગિની, ફેરારી જેવી કાર પણ મળી આવી હતી. આવકવેરા વિભાગે આ દરોડામાં કુલ 4.5 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. ચારે બાજુ રૂપિયા જ રૂપિયા જોવા મળ્યા હતા. આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

કંપની પર છેતરપિંડીનો આરોપ
આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીના લોગમાં નોંધાયેલી કંપનીઓને નકલી ચેક આપવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત કંપની અન્ય ઘણા મોટા પાન મસાલા હાઉસની પ્રોડક્ટ્સ પણ સપ્લાય કરતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ તેનું ટર્નઓવર 20-25 કરોડ રૂપિયા બતાવ્યું છે. પરંતુ વાસ્તવમાં આ ટર્નઓવર 100-150 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે આ દરમિયાન જ્યારે બંશીધર ટોબેકો કંપનીના માલિકના પુત્ર શિવમ મિશ્રાના ઘરની તલાશી લેવામાં આવી ત્યારે આ કારોનો કાફલો સામે આવ્યો હતો.

Most Popular

To Top