Dakshin Gujarat

ઉમરગામના ગાંધીવાડીમાં નશામાં ધૂત યુવાન દોઢ વર્ષની બાળકીને ઉઠાવી ગયો

ઉમરગામ: (Umargam) ઉમરગામના ગાંધીવાડીમાં નશામાં ધૂત (Drunk) એક નરાધમ યુવાન આંગણામાં રમતી દોઢ વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો. જાણ થતા જ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આજુબાજુમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની મદદ લઈ ગણતરીના સમયમાં જ નજીકમાંથી નરાધમ યુવાનને રૂમમાંથી દબોચી લઈ બાળકીને હેમખેમ બચાવી પરિવારજનોને સોંપી હતી. આ બનાવને પગલે સમગ્ર ઉમરગામ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

  • ઉમરગામના ગાંધીવાડીમાં નશામાં ધૂત નરાધમ દોઢ વર્ષની બાળકીને ઉઠાવી ગયો
  • પોલીસે લોકોની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની મદદથી ગણતરીના સમયમાં જ નરાધમને રૂમમાંથી દબોચી બાળકીને બચાવી લીધી

ઉમરગામ ગાંઘીવાડી વિસ્તારમાં રહેતા યુપીવાસી પરિવારની એક દોઢ વર્ષની બાળકી બપોરેના સમયે ઘરના આંગણે રમતી હતી. આ બાળકી જોવા નહીં મળતા તેની માતાએ આજુબાજુમાં પૂછતા આ બાળકીની આંગળી પકડી એક યુવાન લઈ જતો જોયો હોવાની વાત કરતા જ ચિંતામાં મુકાઈ ગયેલા આ પરિવારે તુરંત જ ઉમરગામ પોલીસને જાણ કરતા ઉમરગામ પોલીસ મોટા પોલીસ કાફલા સાથે આ વિસ્તારમાં આવી પહોંચી હતી. વલસાડ એસ.ઓ.જી, એલ.સી.બી પોલીસ પણ દોડી આવતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.

પોલીસે આવતા જતા તમામની પૂછપરછ કરી સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક યુવાન હાથ પકડીને આ બાળકીને લઈ જતો જોવા મળતા આખા વિસ્તારમાં તમામ રૂમો પોલીસે ચેક કર્યા હતા. આખરે અડધો કિલોમીટરના અંતરે નજીકના ઉમરગામ ગાંધીવાડી ચિત્રકૂટ વિસ્તારમાં એક રૂમ બંધ હતી, પોલીસે આ રૂમનો દરવાજો તોડી નાંખતા રૂમમાંથી બાળકી મળી આવી હતી અને પોલીસે નરાધમ યુવાનને દબોચી લીધો હતો. આ યુવાન બિહારનો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું અને તે નશો કરેલી હાલતમાં હોવાની લાગી રહ્યું હતું. બાળકી સહી સલામત હેમખેમ મળી આવતા પોલીસ તથા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે ગણતરીના સમયમાં જ બાળકીને ઉગારી લીધી હતી અને આરોપીને પકડી ઉમરગામ પોલીસ સ્ટેશને લાવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top