Charchapatra

સુપ્રિમ કોર્ટના બે મહત્ત્વના ચુકાદાઓ

તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે બે મહત્ત્વના ચુકાદાઓ આપ્યા. દિલ્લીની કેજરીવાલ સરકારની સત્તા બાબતે અને મહારાષ્ટ્રની ઉધ્ધવ ઠાકરેના પતન માટે રાજ્યપાલોએ ભજવેલી ભૂમિકા સંદર્ભે ચુકાદાઓની દૂરોગામી અસર પાડનારા બની રહેશે. દિલ્લી સરકારની સત્તા વિવાદમાં અદાલતે જણાવ્યું કે, બંધારણમાં રાજ્યોને સ્વતંત્ર અધિકારો આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારની સત્તાઓ કેન્દ્ર સરકાર પોતાના હસ્તક લઈ શકે નહીં. માત્ર દિલ્લીમાં બંધારણીય જોગવાઈ અનુસાર ફક્ત પોલીસ (ગૃહવિભાગ) જમીન સંબંધી બાબતો તેમજ પબ્લિક બોર્ડર સત્તાઓ ઉપર જ કેન્દ્ર સરકાર નિયંત્રણ ધરાવે છે.

આ સિવાય તમામ પ્રકારની બાબતો રાજ્ય સરકારને આધીન છે. બે-ત્રણ બાબતો સિવાય કેન્દ્ર સરકાર એટલે કે એલ.જી. (ઉપરાજ્યપાલ) રાજ્ય સરકારના કાર્યમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. રાજ્ય સરકાર વહીવટી અધિકારીઓની બદલી કે નિમણૂક કે પગલાં લેવાનો અધિકાર ધરાવે છે. જો આવી કોઈ સત્તાઓ ન હોય તો સરકારનો અર્થ શું? અધિકારીઓ સરકારનો આદેશ ન માને કે સરકારને ગાંઠે નહીં તો સરકાર કેવી રીતે કામ કરી શકે?  કેન્દ્ર સરકાર ઉપરાજ્યપાલ દ્વારા દિલ્લી સરકાર જે ચુંટાયેલી સરકારની સત્તાઓની પાંખો કાપી નાંખવાના ઈરાદાઓને આ ચુકાદા દ્વારા બ્રેક લાગી ગઈ છે!  મહારાષ્ટ્રના કેસમાં સર્વોચ્ચ અદાલતે તત્કાલીન રાજ્યપાલ તેમજ વિધાનસભાના સ્પીકરે લીધેલા શંકાસ્પદ નિર્ણયો ખોટા, ગેરકાયદે અને ગેરબંધારણીય હોવાનો ચુકાદો આપ્યો!

અદાલતે જણાવ્યું કે, શિંદે જૂથના ધારાસભ્યોએ તેઓ પક્ષ છોડવા ઈચ્છતા હતા એવું ક્યારેય પણ રાજ્યપાલને જણાવ્યું નહોતું. એ સમયે વિધાનસભાનું સત્ર ચાલુ પણ ન હતું. એ સંજોગોમાં ફલોર ટેસ્ટનો સવાલ જ ઊભો નહોતો થતો. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પાસે મુખ્યમંત્રી ઉધ્ધવે ઠાકરેએ બહુમતી ગુમાવી દીધી છે એવી દસ્તાવેજી સામગ્રી નહોતી. શાસક પક્ષના ધારાસભ્યોમાં પક્ષના નેતૃત્વ પ્રત્યે અસંતોષ કે નારાજગી હોય એટલે સરકારે બહુમતી ગુમાવી દીધી છે એવું માની શકાય નહીં.  આમ છતાં રાજ્યપાલે ફલોર ટેસ્ટનો આદેશ આપ્યો એ નિર્ણય ભૂલભરેલો હતો. સુપ્રીમ કોર્ટે ઝાટકણી કરી કે રાજ્યપાલોએ રાજકીય પક્ષો વચ્ચેના આંતરિક રાજકારણમાં માથું ન મારવું જોઈએ.  હાલ પૂરતું તો શિંદે-ભાજપ સરકારને જીવતદાન મળ્યું છે. પરંતુ આ પ્રામાણિક સરકારને સુપ્રિમ કોર્ટ બરખાસ્ત કરી શકી હોત પરંતુ તેમ થયું નથી.
બોટાદ- મનજીભાઈ ડી. ગોહીલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top