Dakshin Gujarat

બોલો, ભરૂચના બે કોન્સ્ટેબલે બૂટલેગરો માટે પોલીસની જાસૂસી કરી

ભરૂચ: સ્ટેટ મોનિટરિંગની (State Monitoring Cell) રાજ્યમાં એક બાદ એક નિષ્ફળ જતી રેઇડમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના (Bharuch Local Crime Branch) બે પોલીસ કોન્સ્ટેબલની (Police Constable) વરવી ભૂમિકાનો ભાંડો ફૂટતાં ગુજરાત પોલીસમાં (Gujarat Police) સોંપો પડી ગયો છે. ભરૂચ LCBમાં ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયૂર ખુમાણ અને અશોક સોલંકી બુટલેગરોને પોલીસનાં લોકેશનો આપતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

  • ભરૂચમાં બુટલેગરોને પોલીસનાં લોકેશનની વિગતો આપતાં બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
  • LCBના બંને કોન્સ્ટેબલ સ્ટેટ મોનિટરિંગ સેલના 15 પોલીસ અધિકારીનાં લોકેશન બુટલેગરોને વેચતા હતા
  • ભરૂચ SP ડો.લીના પાટીલે મયૂર ખુમાણ અને અશોક સોલંકીને સસ્પેન્ડ કરી દીધા
  • બંનેએ 3 મહિનામાં 600 વખત લોકેશન કઢાવ્યાની વિગતો બહાર આવી

સ્ટેટ મોનિટરિંગ સેલના કેમિકલ માફિયા અને બુટલેગરો ઉપર મોટા દરોડા નિષ્ફળ જતાં SMCને શંકા ગઈ હતી. જેનો રિપોર્ટ રાજ્યના પોલીસ વડાને કરાયો હતો. SMCના પોલીસ અધિકારીનાં લોકેશન ભરૂચના 2 કોન્સ્ટેબલ બુટલેગરોને શેર કરતા હોવાનું ભરૂચ જિલ્લા પોલીસ વડાં ડો.લીના પાટીલ અને SMCના ડીવાયએસપી કે. ટી. કામરિયાની તપાસમાં બહાર આવ્યું હતું. બંને કોન્સ્ટેબલ અને સર્વેલન્સ વિભાગની ગુપ્ત રાહે તપાસમાં આ બંને કોન્સ્ટેબલ પોલીસની જ જાસૂસી કરી બુટલગરોને વેચતા હોવાની વિગતો સામે આવતાં ગુજરાત પોલીસ વિભાગ હચમચી ગયો છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડાંએ સર્વેલન્સના પોલીસ કોન્સ્ટેબલ મયૂર ગોવિંદ ખુમાણ અને હેડ કોન્સ્ટેબલ અશોક બળદેવ સોલંકીને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ સાથે વધુ તપાસના આદેશો જારી કર્યા હોવાની વિગતો બહાર આવી છે. આ બંને કોન્સ્ટેબલે 3 મહિનામાં જ આઇપીએસ સહિત 15 જેટલા પોલીસ અધિકારીના 600 વખત મોબાઈલ લોકેશન કઢાવ્યાં હોવાની વિગતો બહાર આવી છે. ત્યારે આ કાંડ કેટલા સમયથી ચાલતો હતો? કેટલા બુટલેગરોને માહિતી વેચાઈ? અન્ય કેટલા પોલીસકર્મીઓ અને અધિકારીઓ જાસૂસી કાંડમાં સામેલ હતા? સહિતની વિગતો આગામી સમયમાં બહાર આવશે.

Most Popular

To Top