Business

ટોચના રાજકીય નેતાઓના માથે હંમેશા જોખમ તોળાયેલું રહે છે

હાલમાં એવા અહેવાલ આવ્યા છે કે એક મધ્ય એેશિયન દેશના વતની એવા ઇસ્લામિક સ્ટેટના એક ત્રાસવાદીની રશિયાએ અટકાયત કરી છે જે ત્રાસવાદી ભારતની ટોચની નેતાગીરીના એક સભ્ય વિરુદ્ધ આત્મઘાતી હુમલો કરવાનું આયોજન  કરી રહ્યો હતો. આ અહેવાલે ભારતમાં ચિંતાઓ જન્માવી છે. રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ(એફએસબી)ના જણાવ્યા પ્રમાણે આ વિદેશી નાગરિકની ભરતી ઇસ્લામિક સ્ટેટ સંગઠનના રિંગલીડરોમાંના એક દ્વારા એપ્રિલ અને જૂન ૨૦૨૨ વચ્ચે  કોઇક સમયે આત્મઘાતી બોમ્બર તરીકે જ્યારે તે તુર્કીમાં હતો ત્યારે કરવામાં આવી હતી એમ રશિયાની સરકારી માલિકીની તાસ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો હતો.

પયગંબર સાહેબના અપમાન બદલ આ ત્રાસવાદી ભારતના શાસક  વર્તુળના ટોચના સભ્યની હત્યા કરવાનું આયોજન કરતો હતો. એફએસબીએ પ્રતિબંધિત જૂથ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાના એક સભ્યને રશિયામાંથી પકડ્યો છે. આ અટકાયતી મધ્ય એશિયન દેશનો વતની છે અને તે ભારતના  શાસક વર્તુળના એક સભ્યને પોતાની જાતને ઉડાવી દઇને મારી નાખવાનું આયોજન કરી રહ્યો હતો એવી માહિતી એફએસબીએ આપી છે. આ ત્રાસવાદીની ઓળખ એફએસબી દ્વારા જાહેર કરવામાં આવી નથી, જો કે તેણે વધુ વિગતો આપતા  જણાવ્યું છે કે આ  ત્રાસવાદીએ કબૂલ્યું છે કે તે ભારતમાં આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં હતો.

ભારતના કયા ટોચના નેતાની હત્યા કરવાનું તેનું આયોજન હતું તેની વિગતો હાલ મળી નથી, પરંતુ બની શકે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ   તેના ટાર્ગેટ પર હોય, કારણ કે મોદી અનેક કટ્ટરપંથી મુસ્લિમ સંગઠનોના હિટ લિસ્ટમાં છે. જો કે હાલની અતિ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોતા મોદીની કે ભારતના કોઇ ટોચના નેતાની હત્યા કરવાનું કોઇ એકલ દોકલ હુમલાખોર માટે સરળ નથી  પરંતુ આવી યોજનાઓ ઘડાય છે તે બાબત ચિંતાજનક તો છે જ. વળી, આ ત્રાસવાદીને ખાસ તાલીમ અપાઇ હતી અને તે આત્મઘાતી હુમલો કરવાનો હતો અને આત્મઘાતી હુમલાખોર કેટલીક વખતે અત્યંત મજબૂત સુરક્ષા વ્યવસ્થાને પણ  નિષ્ફળ બનાવી શકતા હોય છે.

ચર્ચાનો મુદ્દો અહીં એ છે કે ભારતના જ નહીં વિશ્વભરના રાજકીય નેતાઓ પર હત્યા કે હુમલાનું જોખમ તોળાતું જ રહેતું હોય છે. પોતે પકડાઇ જ જશે અને પોતાને દેહાંતદંડ થશે તેવું જાણતા હોવા છતાં પણ હત્યારાઓ રાજકીય નેતાઓની  હત્યાઓ કરતા હોય છે. રાજકીય નેતાઓની હત્યાઓ મોટે ભાગે તો એક યા બીજા પ્રકારની કટ્ટરતાથી પ્રેરાયેલા લોકો કે કોઇ બાબતે વેર લેવાની વૃતિથી પીડાતા લોકો કરતા હોય છે. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની હત્યા અને ભૂતપૂર્વ  વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા આના ઉદાહરણો છે. ગાંધીજીના હત્યારાને એવું લાગતું હતું કે ગાંધીજી મુસ્લિમો તરફ વધુ પડતા કૂણા બની રહ્યા છે અને નાણાની વહેંચણી બાબતમાં પાકિસ્તાનની ખોટી તરફેણ કરી રહ્યા છે.

શીખ  અલગતાવાદીઓને મારવા માટે ઇન્દિરાજીએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુ સ્ટાર કરાવ્યું તેનો બદલો લેવા તેમના જ બે અંગરક્ષકોએ તેમની હત્યા કરી. ઇઝરાયેલના એક ભૂતપૂર્વ વડાપ્રધાન યિત્ઝાક રેબિનની હત્યા યિગાલ  અમીર નામના એક યહુદી કટ્ટરવાદીએ એટલા માટે કરી કે તેને એવું લાગતું હતું કે રેબિન પેલેસ્ટાઇની આરબો પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યા છે! આવા હત્યારાઓ કટ્ટરવાદી સંગઠનો કે જૂથોનો હાથો બનતા હોય છે. આ હત્યારાઓ મોટે ભાગે  પોતે પણ કટ્ટરવાદી વિચારધારા ધરાવતા હોય છે અને કેટલાક કિસ્સાઓમાં તેમનું કટ્ટરવાદીકરણ કરવામાં આવ્યું હોય છે.

રશિયામાં પકડાયેલા આઇએસના ત્રાસવાદીનું આવી રીતે કટ્ટરવાદીકરણ જ કરવામાં આવ્યું હોવાનું જણાય છે.  તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારી કરી રહેલ આઇએસના ત્રાસવાદીના મગજમાં કટ્ટર વિચારધારાનું આરોપણ આ સંગઠન દ્વારા દૂરથી ટેલિગ્રામ મેસેન્જરના માધ્યમથી કરવામાં આવ્યું હતું, જે વૉટ્સએપ  જેવી મેસેજિંગ સેવા છે. આ ઉપરાંત ઇસ્તંબુલમાં આઇએસના પ્રતિનિધિ દ્વારા રૂબરૂમાં પણ તેને કટ્ટરવાદના પાઠ ભણાવાયા હતા.

આધુનિક સમયના ઇતિહાસમાં પણ વિશ્વમાં કેટલા બધા નેતાઓની હત્યાઓ નોંધાઇ છે. આપણે ત્યાં તો આઝાદી મળ્યા બાદ થોડા જ સમયમાં રાષ્ટ્રપિતા ગાંધીજીની હત્યાથી જ શરૂઆત થઇ ગઇ. ત્યારબાદ કેટલાક નાના નેતાઓની પણ  હત્યાઓ થઇ, પરંતુ દાયકાઓ બાદ ૧૯૮૪માં દેશના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાથી દેશ હચમચી ઉઠ્યો. તેના આઠ વર્ષ પછી તેમના પુત્ર અને તે સમયે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન બની ચુકેલા રાજીવ ગાંધીની હત્યા તમિલ  કટ્ટરવાદને કારણે થઇ. આપણા પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ પણ તેમના ટોચના નેતાઓની હત્યાઓ જોઇ છે.

અમેરિકાએ તો તેના ચાર પ્રમુખો અબ્રાહમ લિંકન, જહોન ગારફિલ્ડ, વિલિયમ મેકકીનલી અને જહોન કેનેડી  સત્તા પર હતા ત્યારે જ તેમની હત્યાઓ થતી જોઇ છે. ટોચના રાજકીય સ્થાને પહોંચ્યા બાદ અનેક દેશોમાં, ખાસ કરીને રાજકીય કે અન્ય રીતે વધુ પડતા સંઘર્ષો ધરાવતા દેશમાં રાજકીય નેતાઓ પર હંમેશા જોખમ તોળાતું હોય છે. ઝનૂની  લોકોનું આત્મઘાતની હદે જતું ઝનૂન રાજકીય નેતાઓની સ્થિતિ વધુ જોખમી બનાવતું હોય છે અને આવા સંજોગોમાં ટોચના સ્થાને બેઠેલા નેતાઓ માટેની વાજબી સુરક્ષા વ્યવસ્થાની બહુ ટીકા કરવા જેવી નથી એમ લાગે છે.

Most Popular

To Top