Sanidhya

75 વર્ષે પણ પુરુષ સેક્સ માણી શકે છે!

પ્રશ્ન: મારી ઉંમર આશરે 37 વર્ષની છે. હું જ્યારે 28 વર્ષનો હતો ત્યારે સૌ પ્રથમ વાર મને ડાયાબિટીસનું નિદાન કરવામાં આવેલ. શરૂઆતમાં મેં બહુ ધ્યાન આપેલ નહીં અને ડાયાબિટીસની દવાઓ પણ અનિયમિત લેતો હતો. પણ છેલ્લા બે વર્ષથી મને જાતીય તકલીફ થવા લાગી છે. મેં મારા ડાયાબિટીસના ડૉક્ટરને વાત કરેલી તો એમનું કહેવું છે કે તમે દવા નિયમિત લેતાં નથી જેના કારણે તમારો ડાયાબિટીસ બેકાબૂ રહે છે. એના હિસાબે સેક્સમાં પણ તમને તકલીફ જોવા મળેલ છે. તેમણે મને દેશી વાયગ્રા દવા લખી આપેલ. શરૂઆતમાં તો ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળ્યું હતું પરંતુ હવે આ દવાની અસર પણ જોવા મળતી નથી. હવે હું મારો ડાયાબિટીસ પણ કાબૂમાં રાખું છું છતાં પણ મને ઇન્દ્રિયમાં ઉત્થાન આવતું નથી. એકદમ નપુંસક થઈ ગયો હોય એવી ભાવના આવે છે. મારી ઉંમર હજી પ્રમાણમાં ખૂબ જ નાની છે. તો શું હવે જાતીય જીવન નહીં માણી શકું ? કોઈ રસ્તો હોય તો જરૂર બતાવવા વિનંતી.

જવાબ : જ્યારે તમારા શરીરમાં ડાયાબિટીસ આવે તે તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારી જોડે રહેતો હોય છે. શરીરમાં થતી કોઈ પણ બીમારીને આપણે રિસ્પેક્ટ આપવું પડે. ઇગ્નોર ના કરી શકાય. જો તમે ઇગ્નોર કરો તો તમને શરીરમાં નુકસાન કરી શકે છે. ડાયાબિટીસમાં પણ એવું જ છે. જો તમારી જોડે જીવનના છેલ્લા શ્વાસ સુધી જો રહેવાનો હોય તો એને મિત્ર બનાવીને રાખવો ખૂબ જ જરૂરી છે. મિત્ર બનાવવા માટે તમારે દવા નિયમિત લેવાની હોય છે, ખાવામાં પરેજી પાળવાની હોય છે અને રોજનો અડધોથી પોણો કલાક ચાલવાનું હોય છે. જો આમ કરશો તો ડાયાબિટીસ તમને નુકસાન નહીં કરે પછી એ જાતીય જીવન જ કેમ ના હોય. સામાન્ય રીતે અનિયમિત ડાયાબિટીસના હિસાબે લોહી લાવતી નળીઓ પૂરતા પ્રમાણમાં પહોળી થઈ શકતી હોતી નથી. જેના કારણે ઈન્દ્રિય પૂરતા પ્રમાણમાં કડક થઈ શકતી નથી. ઘણી બધી વાર ડાયાબિટીસના દર્દીઓની અંદર હોર્મોન્સમાં પણ ફેરફાર થયેલા જોવા મળતા હોય છે. જેના કારણે પણ ઇન્દ્રિયોમાં પૂરતું ઉત્થાન આવતું હોતું નથી. વાયગ્રા લીધા પછી શરૂઆતમાં સારું હોય છે પરંતુ થોડાક જ સમયમાં તેની આદત પડી જતી હોય છે એટલે કે દવા વગર તમે સેક્સ સંબંધ બાંધી શકતા નથી હોતા અને કમનસીબે અમુક સમય પછી વાયગ્રા ની અસર થતી પણ બંધ થઈ જતી હોય છે. જેના કારણે વ્યક્તિ ના ઘરનો કે ના ઘાટનો રહેતો હોય છે માટે બને ત્યાં સુધી આવી દવાઓ ના લેવી વધારે હિતાવત છે પરંતુ આપે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. જો યોગ્ય રીતે તકલીફ જાણી, લોહીની તપાસ બાદ સચોટ નિદાન કરવામાં આવે તો 75 પણ પુરુષ સેક્સ માણી શકે છે. બજારમાં આવેલ નવી દવાઓ ખૂબ જ અસરકારક છે અને તેની આડઅસર પણ બિલકુલ જોવા મળતી નથી પરંતુ આ દવાઓ તો જ આપને ફાયદાકારક રહેશે જો આપ આપનો ડાયાબિટીસ કાબૂમાં રાખશો તો. ડાયાબિટીસને લાઈફ સ્ટાઈલ ચેન્જ કરી, નિયમિત દવા લઈ કાબૂમાં રાખવાનું કામ જો આપ કરશો તો આપને પહેલાંની જેમ જ ફરીથી જાતીય જીવન માણતા કરી દેવાનું કામ મારું.
હું દરરોજ સેક્સ માટે તૈયાર નથી.

પ્રશ્ન : મારી ઉંમર 34 વર્ષની છે અને પતિની ઉંમર 35 વર્ષની છે. અમારા લગ્નને 9 વર્ષ થયા છે અને અમારે બે બાળકો છે. અમે પતિપત્ની ખૂબ જ પ્રેમ કરીએ છીએ. પરંતુ મારા પતિ દરરોજ સેક્સની માંગણી કરે છે. અમે જ્યારે પણ સંબંધ બાંધીએ ત્યારે મને પૂરતો સંતોષ મળી જાય છે પરંતુ હું દરરોજ સેક્સ માટે તૈયાર નથી. જો ના પાડું તો કદાચ એમને ખરાબ. લાગે મારે શું કરવું?
જવાબ : જો બેમાંથી એક પણ સાથી સેક્સ માટે તૈયાર ના હોય, ભલે ને પછી 2 – 3 દિવસે એક વાર હોય તો એ માટે હઠાગ્રહ ન રાખવો જોઈએ. સેક્સ હંમેશાં એકબીજાની ઈચ્છા હોય ત્યારે જ થાય તે સૌથી ઉત્તમ છે. પતિપત્ની વચ્ચે સેક્સ ની ઈચ્છા થોડા ઘણા અંશે ઓછીવધતી હોય એ સામાન્ય વાત છે. બંને જણે એકમેક ને એડજસ્ટ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણીવાર આપ થાકેલા હો, આપની સેક્સની બિલકુલ ઈચ્છા ના હોય તો તે દિવસે આપ પતિને હસ્તમૈથુન દ્વારા આનંદ અપાવો તો ચાલે. આમ કરવાથી બંનેની ઈચ્છા પૂરી થશે અને કોઈ જ મનદુઃખ નહીં થાય. સેક્સની જગ્યાએ માત્ર જો ફોર પ્લે કરો એકબીજાની બાહોમાં રહો તો પણ એકબીજાને ખૂબ જ આનંદ મળતો હોય છે. હંમેશાં એ યાદ રાખવું જોઈએ જે મજા મુસાફરીમાં છે એ મંઝિલ ઉપર પહોંચીને મળતી નથી. યાદ રાખો બેઉ જણ વચ્ચે પ્રેમ, સમાધાન વૃત્તિ, પરસ્પર સન્માન, લાગણી હશે તો ભવિષ્યમાં પણ એકબીજા માટે સેક્સમાં ઉત્સાહ બનેલો રહેશે.

બાળક થવા માટે સ્ત્રીબીજ અને પુરુષના શુક્રાણુનું મિલન થવું જરૂરી છે.
પ્રશ્ન: મારા પત્નીની ઉંમર 48 વર્ષની છે. તેને 4 વર્ષ પહેલાં માસિક અનિયમિત થયેલ અને છેલ્લા 2 વર્ષથી સંપૂર્ણ બંધ થયેલ છે. અમે જ્યારે પણ જાતીય જીવન માણીએ ત્યારે એને હંમેશાં ડર રહેતો હોય છે જો હું સ્ખલન અંદર કરી દઈશ તો તેને ગર્ભ રહી જશે અને ઘણી બધી વાર આ બીકના કારણે તે સેક્સનો પૂરતો આનંદ પણ લઈ શકતી નથી. આપની પાસે જાણવું છે કે હવે તેને ગર્ભ રહેવાની શક્યતા ખરી?

જવાબ: માસિક બંધ થવાની ક્રિયાને મેડિકલ ભાષામાં મેનોપોઝ કહેવામાં આવે છે. માસિક બંધ થવાનું દરેક સ્ત્રીઓમાં અલગ અલગ ઉંમરે બનતું હોય છે. સામાન્ય રીતે 45 વર્ષથી 50 વર્ષની અંદર મોટાભાગની સ્ત્રીઓને તેમનું માસિક બંધ થઈ જતું હોય છે અને તેઓ મેનોપોઝમાં આવી જતા હોય છે. આ સમયગાળો કોઈક સ્ત્રીમાં 40 વર્ષનો પણ હોઈ શકે અને 52 વર્ષે પણ આવું થઈ શકે છે. જ્યારે માસિક બંધ થવાનું હોય તે પહેલા સામાન્ય રીતે માસિક અનિયમિત થતું હોય છે અને પછી ધીરે ધીરે બંધ થઈ જતું હોય છે. જયારે માસિક બંધ થાય સ્ત્રીને સ્ત્રીબીજ બનવાના બંધ થાય છે અને બાળક થવા માટે સ્ત્રીબીજ અને પુરુષના શુક્રાણુનું મિલન થવું જરૂરી છે પરંતુ જ્યારે સ્ત્રીબીજ બનતા જ ના હોય ત્યારે વીર્ય સ્ખલન અંદર કરવાથી પણ બાળક રહેવાની કોઈ શક્યતા રહેતી નથી. આપના પત્નીને તો 2 વર્ષથી માસિક સંપૂર્ણ બંધ છે. માટે આપ બંને જણ નિશ્ચિંતપણે, બાળક રહેવાની ચિંતા વગર જાતીય આનંદનો લુફ્ત માણી શકો છો.

મારી ઉંમર 19 વર્ષની છે. કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરું છું. હું જ્યારે પણ કોઈ સેક્સી ક્લિપ મારા મોબાઈલ ઉપર જોઉં છું ત્યારે મારા શિશ્નમાંથી ચીકાશ પડવા લાગે છે. એક વાત અહીંયા એ પણ જણાવી દઉં કે મેં મારી જિંદગીમાં ક્યારેય હસ્તમૈથુન કરેલ નથી છતાં પણ આ પ્રવાહીના ટીપા બહાર નીકળી જાય છે. મને આના હિસાબે ખૂબ જ ચિંતા થાય છે.
જવાબ : જ્યારે પણ કોઈ પણ સ્ત્રી અથવા તો પુરુષને સેક્સની ઈચ્છા થાય, સેક્સ વિશે વિચારે અથવા જેમ આપે કહ્યું તેમ કોઈ રોમાન્ટિક ક્લીપ જોવે ત્યારે આવો ચીકાશનો અનુભવ થતો જ હોય છે. આ દરેક વ્યક્તિમાં અનુભવાતી એકદમ નોર્મલ ક્રિયા છે.

જે રીતે આપ મોટરસાઈકલ ચલાવો છો અને એને ચલાવવા માટે તેમાં પેટ્રોલ પણ નાખો છો. પેટ્રોલ સાથે બીજું શું ઉમેરો છો? ઓઇલ.. કેમ?? કારણ કે મોટરસાઈકલના મશીનને ઘર્ષણ ના થાય. તે જ રીતે ભગવાને પણ આપણા શરીરમાં આવી રચના કરી છે કે જ્યારે પણ સેક્સ કરીએ તો સ્ત્રી અને પુરુષના અવયવોમાં ઘર્ષણ ના થાય. આ જ કારણસર જ્યારે પણ સેક્સના વિચાર આવે કે સંભોગ પૂર્વની ફોરપ્લે દરમિયાન પુરુષને ચીકાશના 4-5 ટીપા બહાર આવે છે તે જ રીતે સ્ત્રીને પણ તેમના યોનિમાર્ગમાં ચીકાશનો અનુભવ થાય છે. આ ચીકાશ અને ભીનાશના કારણે પુરુષના શિશ્નનો સ્ત્રીના યોનિમાર્ગમાં આસાનીથી પ્રવેશ શક્ય બને છે, કોઈ જ દુખાવા વગર. આ એક સહજ વાત છે. આપને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હકીકતમાં કોઈ ડૉક્ટરને મળવાની કે કોઈ દવા લેવાની પણ જરૂર નથી.

Most Popular

To Top