Columns

ફારસી અને હરિયાણવી ભાષાના સંગમમાંથી આજની હિન્દી ભાષાનો જન્મ થયો હતો

હિન્દી એ ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. દેશના ઘણા રાજ્યોમાં લોકો તેનો ઉપયોગ કરે છે. સામાન્ય વાતચીત માટે પણ હિન્દીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. જો આપણે વિશ્વની વાત કરીએ તો હિન્દી એ મેન્ડરિન, સ્પેનિશ અને અંગ્રેજી પછી વિશ્વમાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. આવી સ્થિતિમાં હિન્દીના મહત્ત્વને લોકો સુધી પહોંચાડવા અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૧૪મી સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવાનાં એક નહીં પરંતુ બે કારણો છે.

વાસ્તવમાં આ એ જ દિવસ છે જ્યારે વર્ષ ૧૯૪૯માં લાંબી ચર્ચા બાદ દેવનાગરી લિપિમાં હિન્દીને દેશની સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી હતી. આ માટે ૧૪મી સપ્ટેમ્બર તારીખની પસંદગી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુએ પોતે કરી હતી. આ દિવસની ઉજવણી પાછળ એક બીજું ખાસ કારણ છે, અને તે એક પ્રખ્યાત હિન્દી કવિ સાથે સંબંધિત છે. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના સૂચન પર વર્ષ ૧૯૫૩ માં સૌ પ્રથમ વાર આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી પાછળનું કારણ હિન્દીનું મહત્વ વધારવાનું હતું , પરંતુ આ દિવસ મહાન હિન્દી કવિ રાજેન્દ્ર સિંહાની જન્મજયંતિ પણ છે.

એક ભારતીય વિદ્વાન, પ્રખ્યાત સંસ્કૃતિવાદી અને ઈતિહાસકાર હોવા ઉપરાંત તેમણે હિન્દીને ભારતની સત્તાવાર રાષ્ટ્ર ભાષા બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શું તમે જાણો છો કે હિન્દી ભાષાનું નામ હિન્દી કેવી રીતે પડ્યું? વાસ્તવમાં હિન્દી નામ કોઈ બીજી ભાષામાંથી લેવામાં આવ્યું છે. હિન્દી નામ ફારસી શબ્દ હિન્દ પરથી ઊતરી આવ્યું છે, જેનો અર્થ સિંધુ નદીનો પ્રદેશ થાય છે. ઇસુની ૧૧મી સદીની શરૂઆતમાં પર્શિયન ભાષા બોલતા લોકોએ સિંધુ નદીના કિનારે બોલાતી ભાષાને હિન્દી નામ આપ્યું. હકીકતમાં આજની હિન્દી અને તે વખતની હિન્દીમાં જમીન આસમાનનો તફાવત છે. આજે જે હિન્દી રાષ્ટ્રભાષા છે તેને પણ મુગલ યુગમાં પેદા કરવામાં આવી હતી.

ચીનની સમાચાર સંસ્થા શિન્હુઆના અહેવાલ મુજબ ચીનના માત્ર ૭૦ ટકા નાગરિકો જ ચાઈનીઝ મેન્ડરિન ભાષા બોલે છે,  જ્યારે ભારતમાં હિન્દીભાષી લોકોની સંખ્યા લગભગ ૫૭ ટકા જેટલી છે. હિન્દી વિશ્વના ૬૪ કરોડ લોકોની માતૃભાષા છે, જ્યારે હિન્દી ૨૦ કરોડ લોકોની બીજી ભાષા છે અને ૪૪ કરોડ લોકોની ત્રીજી, ચોથી કે પાંચમી ભાષા છે. હિન્દી એ કેન્દ્ર સરકારની બે સત્તાવાર ભાષાઓમાંથી એક છે; બીજી ભાષા અંગ્રેજી છે. દક્ષિણ ભારતના લોકોનો હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા સામે વિરોધ હોવાથી અંગ્રેજી ભારતની પ્રજાની મૂળ ભાષા ન હોવા છતાં તેને બે રાષ્ટ્રભાષાઓ પૈકી એક તરીકે સ્થાન આપવું પડ્યું હતું.

આજે પણ આપણે અંગ્રેજીની ગુલામીનો ત્યાગ કરી શકતા નથી. હિન્દી ભારતીય પ્રજાસત્તાકની ૨૨ અનુસૂચિત ભાષાઓમાંની એક છે. એવું કહેવાય છે કે હજારી પ્રસાદ દ્વિવેદી, કાકા કાલેલકર, મૈથિલી શરણ ગુપ્તા અને શેઠ ગોવિંદ દાસ તેમ જ રાજેન્દ્ર સિંહાના પ્રયાસોને કારણે હિન્દીને બે સત્તાવાર ભાષાઓમાંથી એક તરીકે ઓળખવામાં આવી હતી. તેમણે ભારતના બંધારણની મૂળ અંતિમ હસ્તપ્રતનું ચિત્રણ પણ કર્યું. હિન્દી દિવસનો ઈતિહાસ ભારતીય સ્વતંત્રતા ચળવળના શરૂઆતના દિવસો સુધીનો છે. વર્ષ ૧૯૧૮માં હિન્દી વિદ્વાનોના જૂથે હિન્દી ભાષાને બળ આપવા માટે હિન્દી સાહિત્ય સંમેલનની રચના કરી હતી. આ પરિષદે હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ભારતમાં ઇસ્લામિક શાસનના પ્રથમ ભાગ દરમિયાન ફારસી ભારતની સત્તાવાર ભાષા હતી. સામાન્ય લોકો અને દિલ્હીની આસપાસના લોકોએ એક બોલચાલની ભાષા વિકસાવી હતી જેનો ઉપયોગ લશ્કરી છાવણીઓ અને બજારોમાં થતો હતો. તે હરિયાણવી, ફારસી અને તુર્કીનું મિશ્રણ હતું. તેમાં ફારસી અને તુર્કી શબ્દો હતા જ્યારે ઉચ્ચારો હરિયાણવી હતા. આ ભાષાને મુગલ બાદશાહ શાહજહાંના યુગમાં હિન્દુસ્તાની અથવા ઉર્દૂ બોલી કહેવાની શરૂઆત થઈ હતી, કારણ કે તે લશ્કરી છાવણીમાં યુનિફોર્મ પહેરેલા સૈનિકો બોલતા હતા.

મુગલ કાળમાં મોટાં શહેરોમાં લશ્કરી છાવણીઓ હતી અને તેમના વિસ્તારોને ઉર્દૂ બજાર કહેવાતા હતા. આપણે હજુ પણ ગોરખપુર જેવા શહેરોમાં ઉર્દૂ બજારો જોઈ શકીએ છીએ. ઉર્દૂ બજારને ઉર્દૂ ભાષા સાથે કોઈ લેવાદેવા ન હતી, બલ્કે તે લશ્કરી બજાર હતું. હવે એક સમય એવો આવ્યો જ્યારે શાહજહાંને લાગ્યું કે ફારસી એવી ભાષા નથી કે જે ભારતમાંથી ઉદ્ભવી હતી અને સામાન્ય લોકો તેને અપનાવી ન શકે, ત્યારે તેણે ઉર્દૂને સત્તાવાર ભાષા બનાવી હતી. આ માટે મૂળ ફારસી ભાષાનું વ્યાકરણ પણ બદલવામાં આવ્યું હતું.

મુગલોના કાળમાં બંગાળમાં અદાલતની ભાષા બંગાળી હતી, જ્યારે બિહારમાં સત્તાવાર ભાષાઓ મૈતાલી, માગહી અને ભોજપુરી હતી. ઉર્દૂ અને હિન્દી વચ્ચેના સંબંધની વાત કરીએ તો ફારસી અને અરબી લિપિમાં લખાયેલી ભાષા ઉર્દૂ બની અને સંસ્કૃત સાથે દેવનાગરીમાં લખાયેલી ભાષા હિન્દી બની હતી. રાજકીય, સામાજિક અને વ્યવહાર પ્રમાણે ઉર્દૂને મુસલમાનોની ભાષા અને હિન્દીને હિન્દુઓની ભાષા તરીકેની ઓળખ મળી હતી. આ મુગલ યુગની વાત હતી.

આજે પણ ભારતમાં બે પ્રકારની હિન્દીનો ઉપયોગ થાય છે. પહેલી છે પશ્ચિમી હિન્દી, જેનો ઉદ્ભવ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં થયો હતો. આમાં હિન્દી અને ઉર્દૂનો સમાવેશ થાય છે. બીજી છે પૂર્વીય હિન્દી, જે મુખ્યત્વે મધ્ય ઉત્તર પ્રદેશ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં બોલાય છે. તેનું સૌથી અદ્યતન સાહિત્ય અવધી બોલીમાં જોવા મળે છે. હિન્દીની અન્ય બોલીઓમાં બ્રજભાષા, બુંદેલી, અવધી, મારવાડી, મૈથિલી અને ભોજપુરી છે. બિહારી  ભોજપુરી, મૈથિલી અને મગધી  ભાષાઓના સમૂહનું નામ છે. આ ભાષા મોટી સંખ્યામાં લોકો બોલે છે; પરંતુ તે બંધારણીય ભાષા નથી.

પંજાબમાં બોલાતી પંજાબી, પાકિસ્તાન અને ભારતના કેટલાક ભાગોમાં બોલાય છે. શીખ ધર્મના પવિત્ર ઉપદેશો પંજાબીમાં ગુરુમુખી લિપિમાં લખાયેલા છે. ભારતમાં પંજાબી હિન્દી ભાષાની ખૂબ નજીક છે. ભારતની પંજાબી પાકિસ્તાનમાં બોલાતી પંજાબી કરતા કંઈક અલગ છે. સિંધી વાસ્તવમાં વૈદિક સંસ્કૃતની કેટલીક બોલીઓની શાખા છે. સિંધ, અવિભાજિત ભારતના ઉત્તર-પશ્ચિમમાં, ક્યારેય સમાપ્ત ન થનારા આક્રમણકારોના આક્રમણનો ભોગ બનેલી પ્રથમ ભૂમિ હતી અને તેણે હિન્દી, ફારસી, અરબી, ટર્કીશ, અંગ્રેજી અને પોર્ટુગીઝ ભાષાઓ પણ અપનાવી હતી. સિંધ એ જગ્યા છે.

જ્યાં પર્શિયન અને ભારતીય સંસ્કૃતિઓ એકબીજા સાથે મળી હતી.  હિન્દી ભારતનાં ૯ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તાવાર ભાષા છે. ભારતના પડોશી દેશ નેપાળમાં ૮૦ હજાર લોકો હિન્દી બોલે છે, જ્યારે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પણ હિન્દીનો દબદબો છે. અમેરિકામાં ૬ લાખથી વધુ લોકો હિન્દી બોલે છે. જો આપણે મોરેશિયસની ભાષા જોઈએ તો અહીંના ત્રીજા ભાગના લોકો હિન્દી ભાષા બોલે છે. મોરેશિયસમાં મોટી વસ્તી ભોજપુરી ભાષા પણ બોલે છે. હિન્દીએ આજે ​​સીમાઓ વટાવી દીધી છે. ફિજીમાં હિન્દીને પણ સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો છે. ત્રિનિદાદ, ટોબેગો, ગુયાના અને સુરીનામમાં પણ કેરેબિયન હિન્દુસ્તાની બોલાય છે. હિન્દી આજે વિશ્વની ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે.

Most Popular

To Top