Gujarat

કોરોનાથી લોકોને રક્ષિત કરવા રાજ્યમાં રોજ ૭૫ ગામોમાં વેક્સિન અપાશે

રાજ્યના પ્રજાજનોને કોરોનાથી રક્ષિત કરવા માટે વેક્સિન અમોધ શસ્ત્ર પુરવાર થઇ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઘર ઘર દસ્તક અભિયાન હાથ ધરીને ઘરે ઘરે વેક્સિન આપવામાં આવનાર છે, જે અંતર્ગત રાજ્યમાં આગામી ૧૫ દિવસમાં દરરોજ ૭૫૦ થી ૮૦૦ ટીમો બનાવી ૭૫ ગામોમાં જઇને વેક્સિનેશન કામગીરી હાથ ધરાશે. આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબીનેટ બેઠકમાં આ મુદ્દે મહત્વનો નિર્ણય લેવાયો હતો.

પ્રવક્તા મંત્રી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું , રાજ્યમાં આગામી નવ દિવસમાં ઘરે ઘરે જઇને વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે. જેમાં દરેક જિલ્લામાં ૭૫ ટીમો બનાવાશે અને રોજના ૭૫ ગોમોને આવરી લેવાશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ૬૫ લાખ નાગરિકોને બીજો ડોઝ લેવાનો બાકી હતો તેમને શોધીને ૫૫ લાખ લોકોને બીજો ડોઝ આપી દેવાયો છે અને બાકીના ૧૦ લાખ લોકોને સત્વરે બાકીનો ડોઝ આપી દેવાશે.

રાજ્યમાં નાગરિકોને આરોગ્ય સવલત પુરી પાડવા માટે નિરામય યોજના કાર્યાન્વીત કરી છે. જે હેઠળ એક જ દિવસમાં ૬૬ હજારથી વધુ નાગરિકોનું સ્ક્રિનિંગ કરાયું છે. ૨૦ હજારથી વધુ લોકોને લેબોરેટરીની સુવિધા આપી છે. ૫ હજારને હેલ્થ કાર્ડ અપાયા તથા ૧૪ હજાર લોકોને PMJAY-મા કાર્ડ એનાયત કરાયા છે. આગામી સમયમાં વધુને વધુ નાગરિકોનું સ્ક્રિનિંગ થાય એ માટે સમયબદ્ધ આયોજન કરાયું છે.
રાજ્યમાં આવતીકાલથી આત્મનિર્ભર ગ્રામ યાત્રા શરૂ થનાર છે. જે હેઠળ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેમદાવાદથી આ યાત્રાનો શુભારંભ કરાવાશે. આ ત્રણેય દિવસ યોજાનારી યાત્રામાં અંદાજે રૂા.૨૦૦૦ કરોડથી વધુ રકમના ૪૨ હજારથી વધુ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. જે ગ્રામ્ય સ્તરે ઐતિહાસિક પૂરવાર થશે.

1000 કરોડના ખર્ચે કોઝવે, નદીનાળા પર બાંધકામ-બાયપાસના કામો કરાશે
વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારા કે જયાં ખીણ વિસ્તાર છે ત્યાં રાજ્ય અને રાજ્ય બહારથી અનેક પ્રવાસીઓ આવતા હોય છે. તેમને અકસ્માતથી બચાવવા માટે રૂા.૧૦.૧૫ કરોડના ખર્ચે અત્યાધુનિક પદ્ધતિથી માર્ગ સુવિધાના કામો હાથ ધરાશે. એટલું જ નહિ ચોમાસા દરમિયાન ભારે વરસાદથી ઘણા ગામો સંપર્કવિહોણા બને છે. તેવા સમયે બાળકોના શિક્ષણ પર પણ અસર થતી હોય છે. આવા ગામોમાં શિક્ષણ સુવિધા અટકે નહિ એ માટે રૂા. ૪૬૧ કરોડના ખર્ચે કોઝ-વે તથા ૧૨ જિલ્લામાં ૪૫૨ કરોડના ખર્ચે બાયપાસના કામો હાથ ધરાશે. એ જ રીતે દર્દીઓને તકલીફ ન પડે એ માટે રૂા.૨૩૬ કરોડના નદીનાળા પરના બાંધકામ માટેના કામો પણ મંજૂર કરાયા છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અમલી બનાવાઇ છે એ સંદર્ભે પણ ગુજરાત સરકારે રોડ મેપ તૈયાર કરી દીધો છે અને આગામી દશ વર્ષમાં તબક્કાવાર સંપૂર્ણ રીતે નીતિ અમલી બને એ માટેના સંનિષ્ઠ પ્રયાસો કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

Most Popular

To Top