Columns

શેરીમાં રખડતાં કૂતરાંઓને ખવડાવવાનો અધિકાર ભારતના નાગરિકોને છે કે નથી?

ભારત જેવા આર્ય દેશમાં જન્મ ધારણ કરનાર પ્રત્યેક માનવ ગળથૂથીમાં જીવદયાના અને અનુકંપાના સંસ્કારો લઈને આવતો હોય છે. તેને બાળપણથી શીખવવામાં આવતું હોય છે કે તેણે ભૂખ્યાને ભોજન આપવું જોઈએ, ગાયોને ઘાસ ખવડાવવું જોઈએ, પક્ષીઓને ચણ નાખવું જોઈએ અને કૂતરાંઓને રોટલા નાખવા જોઈએ. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો એવાં અનેક જીવદયાપ્રેમીઓ છે, જેઓ રોજનાં સેંકડો રખડુ કૂતરાંઓને રોટલા, બ્રેડ કે બિસ્કિટ ખવડાવતા હોય છે.  ગુજરાતના ગામે ગામ રહેલા ચબૂતરાઓ પણ આપણી જીવદયાની ભાવનાની સાબિતી છે. ભારતના બંધારણના આમુખમાં પણ લખવામાં આવ્યું છે કે સજીવ સૃષ્ટિની રક્ષા કરવી તે દરેક નાગરિકની ફરજ છે. તાજેતરમાં દિલ્હીની હાઈ કોર્ટે એક અફલાતૂન ચુકાદો આપીને શેરીમાં રખડતાં કૂતરાંઓને ખવડાવવાનો દરેક નાગરિકનો અધિકાર માન્ય રાખ્યો હતો, પણ સુપ્રિમ કોર્ટ દ્વારા આ ચુકાદા પર મનાઈહુકમ ફરમાવવામાં આવતાં જીવદયાપ્રેમીઓ મૂંઝવણમાં મૂકાઈ ગયાં છે.

જૂના જમાનામાં ગામડાંઓમાં દયાળુ લોકો કૂતરાંઓને રોટલા નાખતા તેનો કોઈ વિરોધ કરતું નહોતું. શહેરોમાં પણ અનેક જીવદયાપ્રેમીઓ કૂતરાંઓને રોટલા નાખવામાં પુણ્ય સમજે છે, પણ કેટલાક આધુનિક વિચારસરણી ધરાવતાં લોકોને તે ગમતું નથી. દિલ્હીના ઇન્દ્રપુરી વિસ્તારમાં કૂતરાંઓને ખવડાવવાના મુદ્દે બે મહિલાઓ વચ્ચે થયેલો વાદવિવાદ દિલ્હી હાઈ કોર્ટ સુધી પહોંચ્યો હતો. રાધા મિત્તલ નામની મહિલા નિયમિત કૂતરાંઓને ખોરાક આપતી હતી, પણ માયા ચાબલાની નામની તેની પડોશણને તે ગમતું ન હોવાથી તેણે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી. હાઈ કોર્ટે પ્રજ્ઞાન શર્મા નામના વકીલની કોર્ટના મિત્ર તરીકે નિમણૂક કરી હતી અને દિલ્હી હાઈ કોર્ટે શેરીનાં કૂતરાં બાબતમાં માર્ગદર્શિકા ઘડતાં મામલો પરસ્પર સમજૂતીથી હલ કરવામાં આવ્યો હતો.

દિલ્હી હાઈ કોર્ટના સિંગલ જજ શ્રી જે. આર. મીઢાએ કેસનો ચુકાદો આપતાં લખ્યું હતું કે ‘‘શેરીમાં રખડતાં કૂતરાંઓને ખોરાક મેળવવાનો અધિકાર છે, તેમ જ નાગરિકોને રખડતાં કૂતરાંઓને ખવડાવવાનો અધિકાર છે, પણ આ અધિકારનો ભોગવટો એવી રીતે કાળજીપૂર્વક કરવો જોઈએ, જેથી સોસાયટીના કોઈ સભ્યના અધિકાર ઉપર તરાપ ન આવે અને કોઈને હાનિ, હેરાનગતિ, તકલીફ કે મુસીબત ન થાય. દરેક કૂતરો પોતાના વિસ્તારમાં રહેવા માગતો હોય છે. કૂતરાંઓને ખવડાવવા માટે એવી જગ્યા પસંદ કરવી જોઈએ, જ્યાં વધુ અવરજવર ન હોય.’’

કૂતરાંઓને ખવડાવવા જતાં સ્થાનિક રહેવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે દિલ્હી હાઈ કોર્ટે ગાઇડલાઇન પણ ઘડી આપી હતી, જે મુજબ એનિમલ વેલ્ફેર બોર્ડ અને રેસિડેન્ટ્સ વેલ્ફેર એસોસિયેશન અથવા સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી જગ્યાઓ પર જ કૂતરાંઓને ખોરાક આપવો જોઈએ. હાઈ કોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે દરેક કૂતરાંઓ પોતાના વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે; માટે તેમને ખોરાક પણ તેઓ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં જ પૂરો પાડવો જોઈએ. તે માટે એક જ વિસ્તારમાં ઘણી જગ્યાઓ પસંદ કરવી જોઈએ. દિલ્હી હાઈ કોર્ટ દ્વારા સ્થાનિક પોલીસને પણ સૂચના આપવામાં આવી હતી કે નિયત કરવામાં આવેલી જગ્યામાં કૂતરાંઓને ખોરાક આપતાં નાગરિકોને કોઈ હેરાન ન કરે તેનું તેમણે ધ્યાન રાખવું જોઈએ. દિલ્હી હાઈ કોર્ટે રખડુ કૂતરાંઓના અધિકારોની છણાવટ કરતાં લખ્યું હતું કે ‘‘કાયદા મુજબ દરેક પ્રાણીને દયા, સ્વાભિમાન અને ઇજ્જતથી જીવવાનો અધિકાર છે. પ્રાણીઓ પણ સમજદાર હોય છે અને તેમના સમાજમાં પણ મૂલ્યો હોય છે. આ કારણે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ સહિત દરેક નાગરિકની નૈતિક ફરજ છે કે આવાં પ્રાણીઓનું સંરક્ષણ કરે. આ કારણે જ્યાં સુધી કૂતરાંઓને ખવડાવવાને કારણે કોઈને ત્રાસ ન થતો હોય તો કોઈ વ્યક્તિ બીજાને અટકાવી શકે નહીં.

દિલ્હી હાઈ કોર્ટે રખડુ કૂતરાંનું મહત્ત્વ જણાવતાં લખ્યું હતું કે ‘‘તેઓ રહેણાંક વિસ્તારમાં ચોકીદારનું કામ કરે છે અને અજાણ્યા લોકોથી સંરક્ષણ આપે છે. જો કોઈ વિસ્તામાંથી એક રખડુ કૂતરાને દૂર કરવામાં આવે તો બીજો રખડુ કૂતરો તેનું સ્થાન લઈ લે છે. રખડુ કૂતરાંઓને વેક્સિન આપવી જોઈએ અને તે પછી તેમને તેમના જ વિસ્તારમાં પાછા પહોંચાડવાં જોઈએ. જો કોઈ કૂતરો ઇજા પામે કે માંદો પડે તો રેસિડેન્ટ્સ વેલ્ફેર એસોસિયેશને તેની સારવાર કરાવવી જોઈએ. દરેક સોસાયટીએ એનિમલ વેલ્ફેર બોર્ડની ઇ.સ. ૨૦૧૫ ની ગાઇડલાઇનનું પાલન કરવું જોઈએ.’’

હ્યુમેન ફાઉન્ડેશન ફોર પિપલ એન્ડ એનિમલ્સ નામની સંસ્થા દ્વારા દિલ્હી હાઈ કોર્ટના ૨૦૨૧ ના જૂનના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરતાં દલીલ કરવામાં આવી હતી કે ૨૦૧૫ માં સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદામાં ઠરાવવામાં આવ્યું હતું કે હાઈ કોર્ટે ૧૯૬૦ ના પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ અથવા ૨૦૦૧ ના કૂતરાંઓ બાબતના રુલ્સ બાબતમાં કોઈ ચુકાદો આપવો નહીં. અરજદારના કહેવા મુજબ દિલ્હી હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો ૨૦૧૫ ના સુપ્રિમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં જતો હોવાથી તે રદ કરવો જોઈએ. અરજદારના વકીલની દલીલો સાંભળી સુપ્રિમ કોર્ટના બે જજોની બેન્ચે દિલ્હી હાઈ કોર્ટના ચુકાદા સામે મનાઇહુકમ કાઢ્યો હતો. જો કે આ મનાઇહુકમને કારણે નાગરિકોનો ખુલ્લી જગ્યામાં રખડુ કૂતરાંઓને ખવડાવવાનો અધિકાર ઝૂંટવાઈ જતો નથી; કારણ કે દિલ્હી હાઈ કોર્ટનો આદેશ અમુક નિયત જગ્યાઓ બાબતમાં જ હતો.

મુંબઈની સંસ્થા હ્યુમેન ફાઉન્ડેશન ફોર પિપલ એન્ડ એનિમલ્સ ૨૦૧૫ ના સુપ્રિમ કોર્ટના ચુકાદાનો હવાલો આપીને દેશની અનેક હાઈ કોર્ટોમાં કેસો કરી રહી છે. તેને કારણે ૨૦૨૦ માં કર્ણાટક હાઈ કોર્ટે રખડુ કૂતરાંઓ બાબતમાં પિટીશન સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો અને મદ્રાસ હાઈ કોર્ટે રખડુ કૂતરાંઓને ખોરાક, પાણી અને આશરો આપવાની બાબતમાં ચાલી રહેલી સુનાવણી બંધ કરી દીધી હતી. બે દિવસ પહેલાં મુંબઈની શર્મિલા શંકર નામની મહિલા બોમ્બે હાઈ કોર્ટમાં ગઈ હતી, કારણ કે રેસિડેન્ટ્સ વેલ્ફેર એસોસિયેશને તેને કૂતરાંઓને ખવડાવવા બદલ ભારે દંડ કર્યો હતો. બોમ્બે હાઈ કોર્ટે ૨૦૧૫ ના સુપ્રિમ કોર્ટના ચુકાદાનો હવાલો આપીને તેની અરજી સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો.

તેવી રીતે અલ્લાહાબાદની કેટલીક મહિલાઓ દ્વારા હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે તેમની સોસાયટીમાં લોકો કૂતરાંઓને ખવડાવતા હોવાથી તેઓ ત્રાસી ગયા છે. અલ્લાહાબાદ હાઈ કોર્ટે પણ ૨૦૧૫ ના સુપ્રિમ કોર્ટના ચુકાદાનો હવાલો આપીને તે અરજી સાંભળવાનો ઇનકાર કરતાં મહિલાઓ સુપ્રિમ કોર્ટમાં અપીલમાં ગઈ છે. સુપ્રિમ કોર્ટે ૨૦૧૫ માં રખડતાં કૂતરાંઓ બાબતમાં જે ચુકાદો આપ્યો તે કૂતરાંઓની હત્યા પર પ્રતિબંધ મૂકવા માટે અને તેમની દયા ચિંતવવા માટે આપવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ એ હતો કે કોઈ પણ હાઈ કોર્ટ રખડુ કૂતરાંઓના અધિકાર પર તરાપ મારે તેવો ચુકાદો આપે નહીં. હવે આ ચુકાદાનો ઉપયોગ દિલ્હી હાઈ કોર્ટ દ્વારા રખડુ કૂતરાંઓના અધિકારની રક્ષા માટે આપવામાં આવેલા ઉત્તમ ચુકાદાને નિરસ્ત કરવા માટે કરવામાં આવી રહ્યો છે, તે વિધિની વિચિત્રતા છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top