શિક્ષણમાં ત્રણ વર્ષ ત્રીસ વર્ષને અસર કરશે!

ગુજરાતમાં શિક્ષણજગતમાં નવેમ્બરથી માર્ચના પાંચ મહિના ઉત્પાદક હોય છે. સત્રની રીતે વિચારો તો જૂનથી શરૂ થતું પ્રથમ સત્ર ઓક્ટોબરમાં પૂરું થાય તે સમયગાળો પ્રવેશપ્રક્રિયા, ઉનાળો, ચોમાસું, તહેવારોની રજાઓનો છે. પ્રમાણમાં બીજા સત્રમાં તહેવારો ઓછા, રજાઓ ઓછી, વહીવટી પ્રક્રિયા નહિવત્ અને ઠંડીનો સ્ફૂર્તિલો માહોલ! બીજા સત્રમાં શિક્ષણના દિવસો વધે, રમત-ગમત કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે વાતાવરણ સારું રહે અને માર્ચ પછી ગરમી શરૂ થાય ત્યારે પરીક્ષાઓ યોજાય! આ ક્રમમાં જોઈએ તો બીજું સત્ર શિક્ષણ અને તાલીમની રીતે અગત્યનું રહે છે.

પહેલાં સેમેસ્ટર સિસ્ટમ અને 2020 ના માર્ચથી કોરોનાગ્રહણે આપણા ગુજરાતના શિક્ષણ તંત્રને વેરવિખેર કરી નાખ્યું છે. સેમેસ્ટર સિસ્ટમના લાભ હતા તો મર્યાદાઓ પણ હતી, ઓછી વસ્તીવાળા દેશો, સ્વતંત્ર શિક્ષણ સંસ્થાઓ, કેમ્પસ યુનિવર્સિટી અને જવાબદાર સત્તાવાળા જ્યાં હોય ત્યાં સેમેસ્ટર સિસ્ટમ સફળ થાય. આપણે ત્યાં અતિ વસ્તી, આંતર મૂડી માળખાની અસમાનતા, શિક્ષણવ્યવસ્થાનું કેન્દ્રીકરણ અને દિનપ્રતિદિન ઘટતી નૈતિક જવાબદારીએ સેમેસ્ટર પ્રથાને વધારે નિષ્ફળ બનાવી. એમાં આયો કોરોના! માંડ હજાર-બે હજાર સંખ્યાવાળી યુનિવર્સિટીમાં સફળ થયેલી સેમેસ્ટર પ્રથા લાખ્ખોની સંખ્યામાં અભ્યાસ કરતા દેશની યુનિવર્સિટીમાં કેવી રીતે સફળ થાય!

અત્યારે કોરોના કાળમાં 2020 અને 2021 પછી હવે 2022 માં પણ શિક્ષણ-પરીક્ષણ વેરણછેરણ પડ્યું છે તેની એક બાબત વિદ્યાર્થી સંખ્યા પણ છે! આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની પરીક્ષા કેવી રીતે લેવી, વર્ગખંડ શિક્ષણ કેવી રીતે ચલાવવું, આ બધા જ પ્રશ્નો સેમેસ્ટરને કારણે વધારે ઘેરા બન્યા છે! ત્રણ વર્ષમાં શિક્ષણ કથળ્યું છે તે આવનાર વર્ષો સુધી આપણને અસર કરશે!

શાંતિથી વિચારવાનો મુદ્દો એ છે કે જો આપણે શિક્ષણના પ્રથમ ત્રણ વર્ષ પહેલું,બીજું, ત્રીજું ઘરમેળે પણ ભણી શકાય એવા માનીએ! તો ચોથા ધોરણથી બાળકના ઔપચારિક શિક્ષણની ખરી શરૂઆત થાય છે. શિક્ષણના મુખ્ય વિષય ભાષા, ગણિત, વિજ્ઞાનના મૂળભૂત ખ્યાલો ચોથા-પાંચમાથી ભણાવવાના શરૂ થાય છે. બોર્ડ પરીક્ષાની રીતે આપણે દસમા ધોરણનું મહત્ત્વ આંકીએ છીએ, પણ શિક્ષણની રીતે આઠમા-નવમામાં ગણિત-વિજ્ઞાનનો પાયો પાકો થાય તો જ દસમામાં વિદ્યાર્થી ઉત્તમ દેખાવ કરી શકે છે. અભ્યાસક્રમની રીતે પણ દસમા કરતાં નવમું ધોરણ વધારે ચીવટ-અભ્યાસ માંગી લે છે! હવે જે બાળકો 20-21 માં આઠમા-નવમામાં હતાં તે 22 ના વર્ષમાં દસમાની પરીક્ષા આપશે! જો કોરોનાના કારણે આપણે દસમાની પરીક્ષા પણ હળવા હાથે લઈશું અને ઉદાર પરિણામો આપીશું (આપીશું જ!) તો ત્રણ-ત્રણ વરસના અધૂરા અભ્યાસ અને નબળા મૂલ્યાંકનવાળા અગિયાર-બારમામાં આવશે!

વર્ષ 2020 માં જે દસમામાં હતાં તેમને આપણે પ્રમોશન આપ્યું! બારમામાં કેડિટબ્રેજ પાસ કર્યા અને અગિયારમાં તો માસ પ્રમોશન જ આપ્યું! હવે ’22 માં બારમાની પરીક્ષાવાળા કોલેજમાં અને અગિયારમાવાળા બારમામાં આવશે! દાળ બગડે તેનો દિવસ બગડે, રવિવાર બગડે એનું અઠવાડિયું બગડે, અથાણું બગડે તેનું વરસ બગડે પણ શિક્ષણ બગડે તેની જિંદગી બગડે!(સ્વ. જ્યોતીન્દ્ર દવે). આ વિચાર મુજબ ગુજરાતનાં તરુણો અને યુવાનોનું શિક્ષણ બગડી રહ્યું છે. હા, એક ધનિક વર્ગ છે, તેમનાં બાળકો કોઈ પણ વર્ગમાં હોય, પર્સનલ કોચિંગ અને મા-બાપની સીધી ચીવટ મુજબ શિક્ષણ મેળવી રહ્યાં છે. એક રીતે કોરોનાનો સીધો લાભ આ સંપન્ન વર્ગને થાય છે. તેમનાં બાળકોને મેરીટ લીસ્ટમાં હવે ઝાઝી સ્પર્ધા થવાની નથી! કોરોના સામાજિક-શૈક્ષણિક અસમાનતામાં પણ વધારો કરશે!

અત્યારે ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન પરીક્ષણના સરળ લાભ દ્વારા વર્ષ ‘‘પાસ’’ કરી થનગનતાં યુવાનો અને તેમનાં વાલીઓ આ ગંભીર ચિંતા તરફ બેધ્યાન છે. અધૂરામાં પૂરું સત્તાવાળા આ ગંભીર બાબતો માટે ચર્ચા જ નથી કરતા. આખા ગુજરાતમાં શાળા કક્ષાથી માંડીને કોલેજ કે યુનિવર્સિટી કક્ષાએ જૂદા-જૂદા નિયમ મુજબ શિક્ષણ-પરીક્ષણ થયું છે. ક્યાંક ઓનલાઈન વર્ગો વ્યવસ્થિત અને નિયમિત લેવાયા છે. સંસ્થાએ વિદ્યાર્થી અને વાલીઓ સાથે સતત સંપર્કમા રહીને અભ્યાસ મટીરીયલ્સ અને માર્ગદર્શન આપ્યું છે. જ્યારે કેટલી બધી સંસ્થાઓએ માત્ર ફી ઉઘરાવી પાસનાં પ્રમાણપત્ર આપ્યાં છે. કેટલીક યુનિવર્સિટીએ દિવાળી પહેલાં અને કેટલીક યુનિવર્સિટીએ દિવાળી પછી તરત પરીક્ષા યોજી દીધી, જ્યારે કેટલીક યુનિવર્સિટી હજુ ઓનલાઈન ઓફલાઈનની અનિર્ણાયકતામાં પડી છે અને બીજું સત્ર મધ્યમાં આવ્યું છતાં પહેલા સેમેસ્ટરની પરીક્ષા થઈ નથી. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય થાય, નિસ્બતપૂર્વક નિર્ણય થાય તો જ આખું તંત્ર સરળતાથી ચાલે! શિક્ષણજગતનાં આ ત્રણ વર્ષ આપણને ઘણાં વર્ષો યાદ રહેશે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top