Dakshin Gujarat

દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઉતરેલા ત્રણ કામદારોનાં મોત

દહેજ: ભૂગર્ભ ગટરની (underground drains) સફાઈ (clean) માટે ઊતરેલા કામદારોનાં મોત (Death) થવાની ઘટના વારંવાર સામે આવતી હોય છે. ત્યારે આજે ભરૂચના (Bharuch) દહેજમાં (Dahej) ભૂગર્ભ ગટરની સફાઈ માટ ઊતરેલા ત્રણ કામદોરોનાં ગૂંગળાઈ જવાથી મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. સફાઈ માટે કામદારો ભૂગર્ભ ગટરમાં એક બીજાના હાથ પકડીને ઉતર્યા બાદ ગૂંગળાઈ જવાથી ત્રણેયનાં મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય કામદારોને બચાવવા માટે અન્ય બે કામદારોએ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ સફળ થયા ન હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે આજે ત્રણ કામદોરા ગટરમાં ઉતર્યા હતા. જેમાં ગલસીંગભાઈ મુનિયા, પરેશ કટારા અને અનીફ પરમાર નામના ત્રણ કામદારો એકબીજાનો હાથ પકડી ગટરમાં ઉતર્યા હતા. જો કે થોડીવાર બાદ તેઓ ગુંગળામણના કારણે બૂમાબૂમ કરવા લાગ્યા હતા. અંદર ગેસના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓ બૂમો પાડવા લાગ્યા હતા. જેથી બહાર ઊભા રહેલા બે કામદારો ભાવેશ કટારા અને જીગ્નેશ પરમાર ગટરમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે ગટરમાં ઉતર્યા હતા. પરંતુ, તેઓ અંદર ઉતરી શક્યા ન હતા, તેથી તેઓ પરત બહાર આવી ગયા હતા, અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અંદર ફસાયેલા ત્રણ કામદારોને બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ તાત્કાલિક 108 મારફતે ત્રણેય કામદારોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃચ જાહેર કર્યા હતા. કામદારોના મોતના પગલે ઘટના સ્થળે ભારે હોબાળો મચ્યો હતા. હાલ ફાયર બ્રિગેડ અને પોલીસના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ અગાઉ પણ ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઉતરેલા કામદારોના મોત નિપજ્યા હોવાની ઘટના બનતી હોય છે. જ્યારે થોડા દિવસો પહેલા વલસાડના ઉમરગામમાં ખાળકુવામાં ગેસના કારણે ગુંગળામણ થતા બે કામદારોના મોત નિપજ્યા હતાં.

વલસાડમાં ખાળકુવામાં ગેસ ગુંગળામણથી બે મજુરોના મોત
વલસાડ જિિલ્લાના ઉમરગામના સોળસુંબામાં ખાળકુવા ભરાઇ જતા નિસરણી મુકી મજુર કામ કરી રહ્યો હતો તે વખતે ચક્કર આવતા મજુર ખાળકુવામાં પડી જતા તેને બચાવવા ઉતરેલા બે મજુરો ગેસ ગુંગળામણથી મોતને ભેટ્યા હતા. જ્યારે એક મજૂરને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના સોળસુંબા ગંગાનગર મંદિર ફળિયામાં આવેલા સાત રૂમના સંડાસનો ખાળકુવો ભરાઈ જતા ગુરુવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યાના સમારે રૂમ માલિક મોહમદ યાર હાફિઝ ખાન (ઉં.વર્ષ 50 રહે દમણ તાઇવાડા દેવકા નાની દમણ મૂળ યુપી), મજુર જોગિન્દ્ર શિવપ્રસાદ પટેલ (ઉ.વ 36 હાલ રહે ઉમરગામ સોળસુબા ગંગા નગર મંદિર ફળિયુ), અને સુરેજ રાજેન્દ્ર પટેલ (ઉ.વ.25 રહે ઉમરગામ ગંગાનગર મૂળ યુપી) સંડાસનો ખાળકુવો ભરાઈ જતા ઉંડા ખાળકુવામાં લાકડાની બનાવેલી નિસરણી મૂકી બાજુમાં ખાળકુવામાં હોલ પાડી રિપેરીંગ કામ કરી રહ્યા હતા અને સુરજ પટેલ નિસરણી (સળી) ઉપર ઊભો રહી ડ્રીલ મશીનથી કામ કરતો હતો. તે વખતે અચાનક ખાળકુવાના દુર્ગંધ ગેસથી સૂરજને ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો. તેને બચાવવા મોહમદ અને‌‌ જોગિન્દ્ર નીચે ઉતરતા ગેસ ગુંગળામણથી આ ત્રણે જણા બેભાન થઈ ગયા હતા. જેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઉમરગામની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતા હાજર તબીબે મોહમદ અને જોગિન્દ્ર શિવપ્રસાદને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સૂરજની સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતા જ ઉમરગામ પોલીસ ઘટના સ્થળ દોડી આવી હતી. બનાવ સંદર્ભે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ થયો છે. પોલીસે લાશનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top