Gujarat

નડિયાદમાં સામાન્ય બાબતમાં બે દીકરાએ માતા સાથે મળી બાળકીની નિર્દયતા પૂર્વક હત્યા કરી અને હવે…

ખેડા: વર્ષ 2017માં નડિયાદ(Nadiad)માં તાન્યા નામની સાત વર્ષની બાળકીનાં અપહરણ અને હત્યા કેસમાં કોર્ટે સંભળાવ્યો છે. નડિયાદ કોર્ટે(Court) તાન્યાની હત્યા કરનાર એક જ પરિવારના ત્રણ લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. આ ત્રણેય લોકો પૈકી મિત નામના 22 વર્ષના મીત પટેલના માથે દેવુ થઈ ગયું હતું. તેથી તેણે પરિવારજનો અને મિત્રોની મદદથી તાન્યાનું અપહરણ કરીને ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. આ તમામ લોકોએ માસુમ તાન્યાનું અપહરણ(Kidnapping) કરીને 70 ફુટ ઉંચેથી મહીસાગર નદીમાં ફેંકીને નિર્મમ હત્યા કરી દીધી હતી.

હત્યારા પાડોશી મિત પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલને આજીવન કેદની સજા થઈ છે. જેથી હવે ત્રણેય દોષિતો હવે જીવે ત્યાં સુધી જેલમાં જ રહેશે. ચુકાદા બાદ તાન્યાના દાદીએ ભાવુક થઈને કહ્યું કે, હત્યારાઓનો ફાંસીની સજા થવી જોઈતી હતી. જેણે દીકરી ગુમાવી હોય તેને એને તો કેટલું બધું દુઃખ થાય. મારો આત્મા રડી ઉઠે છે તાન્યા તાન્યા કરે છે મારી દીકરી વિના હું એક ક્ષણ પણ રહી શકતી ન હતી તો વિચારો કે તેને જન્મ આપનારી માતાની શું હાલત હશે.

શું છે તાન્યા હત્યા કેસ
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં આજથી 5 વર્ષ પહેલા આ ઘટનાં બની હતી. નડિયાદ સંતરામ ડેરી રોડ પાછળ લક્ષ ડુપ્લેક્સમાં 7 વર્ષીય તાન્યા તેના દાદી સાથે નડિયાદમાં એકલી રહેતી હતી. તાન્યાના માતપિતા વર્ષોથી લંડનમાં રહેતા હતા. 18 સપ્ટેમ્બર 2017 ના રોજ માસુમ તાન્યા જ્યારે તેના ઘર પાસે રમી રહી હતી, ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઘટનાના 3 દિવસ બાદ તાન્યાનો મૃતદેહ આણંદ જિલ્લાના આંકલાવ ગામની મહીસાગર નદીના પટમાંથી મળી આવ્યો હતો. આ મૃતદેહ સંપૂર્ણ ફોગાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આરોપી મીત પટેલ અને ધ્રુવ પટેલ

15 દિવસ પહેલા જ અપહરણનું કાવતરુ રચ્યુ હતું
પોલીસ તપાસ દરમિયાન આ અપહરણ – હત્યા કેસમાં તાન્યાના પાડોશી મિત પટેલનું સંડોવણી ખૂલી હતી. જેથી પોલીસે જે તે સમયે પોલીસે મીત ઉર્ફે ભલો વિમલકુમાર પટેલની સાથે તેના ભાઈ ધ્રુવ ઉર્ફે બબુ વિમલકુમાર પટેલ અને આ બન્નેની માતા જીગીશાબેન વિમલકુમાર વિનુભાઈ પટેલ એમ ત્રણેય તથા બે સગીર મળી કુલ 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. અપહરણના સમયે મીત વિમલ પટેલ‌ તેના સાગરિત ધ્રુવ પટેલ અને એક સગીરની પૂછપરછ આદરી હતી‌. જેમાં આ તમામે અપહરણ કરી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. તેણે 15 દિવસ પહેલા જ તાન્યાના અપહરણનું કાવતરુ રચ્યુ હતું.

આરોપી જીગીશા (મિત અને ધ્રુવની માતા)

પકડાઈ જવાનું બીકે બાળકીને નદીમાં ફેંકી
મિતએ તેના સાગરીતો સાથે સાંજનાં સમયે સ્ટ્રીટ લાઇટ બંધ હોય અંધારાનો લાભ લઇ તાન્યાને ચોકલેટ અને આઈસ્ક્રીમની લાલચ આપી અપહરણ કર્યું હતું. ઘટનાનાં થોડા જ કલાકોમાં આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરોપીઓને પકડાઈ જવાની બીકે માસૂમ તાન્યાને બેભાન અવસ્થામાં વાસદ બ્રીજ ઉપરથી મહીસાગર નદીના ધસમસતા પ્રવાહમાં જીવતી ફેંકી દીધી હતી. ઊંચાઈએથી નદીમાં પડવાના પગલે તાન્યાને માથામાં ઈજા થઇ હતી. બાળકીનો મૃતદેહ લગભગ 20થી 25 કિમી સુધી તણાયો હતો. અને આંકલાવ પાસેના સંખ્યાડ ગામેથી મળી આવ્યો હતો. તાન્યાની લાશના અમૂક ભાગને જળચર પ્રાણીઓએ ફાડી ખાધો હતો.

મિત પટેલની માતાએ જ બાળકીના હાથપગ બાંધવા દોરી આપી હતી
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી મીત પટેલના માથે દેવુ થઈ ગયુ હતુ, તેથી તેણે પરિવારજનો અને મિત્રોના મદદથી તાન્યાનું અપહરણ રચીને ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. આ ઘટનામાં મિતને તાન્યાના માતા-પિતા લંડનથી રૂપિયા મોકલતા હતા તે વાતની જાણ હતી. આથી તેણે સમગ્ર ષડયંત્ર રચીને તાન્યાના અપહરણનો પ્લાન ઘડ્યો હતો. જેમાં તેના માતા અને ભાઈની પણ સંડોવણી હતી. મિતની માતા જીગીશાએ ગાડીમાં બાળકીના હાથપગ બાંધવા દોરી આપી હતી. જ્યારે નાનો ભાઈ ધ્રુવ અને બે સગીર ડોક્ટર પાસેથી ઉંઘની ગોળી લાવ્યા હતાં. અપહરણ બાદ તેઓ 18 લાખની ખંડણી માંગવાનો વિચાર કર્યો હતો. પરંતુ અપહરણની વાત પ્રસરી જતા તેઓએ તાન્યાને નદીમાં ફેંકી દીધી હતી.

કોર્ટમાં 5 વર્ષ કેસ ચાલ્યો
સમગ્ર મામલે તાન્યાની દાદીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં 5 વર્ષ કેસ ચાલ્યો હતો. આ દરમિયાન કુલ 29 સાક્ષીઓને અને કુલ 97થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યાં હતા. તાન્યાની હત્યાના 5 વર્ષ બાદ તેને ન્યાય મળ્યો છે. નડિયાદ કોર્ટે 5 પૈકી 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ મરણજના૨ના માતા પિતાને રૂપિયા 4 લાખનું વળતર ચુકવવાનો પણ હુકમ કર્યો છે.

Most Popular

To Top