Charchapatra

આ ચૂંટણી સુધારા જરૂરી છે

દેશનું ચૂંટણીપંચ ગેરમાન્યતા પ્રાપ્ત પક્ષોની યાદી તૈયાર કરીને દેશના વિક્રમ સંખ્યાના 2100થી વધુ રાજકીય પક્ષો સામે નિયમોનો ભંગ બદલ કાર્યવાહી કરવાની છે, તેવા સમાચાર દેશની લોકશાહી માટે આવકાર્ય હોઇ અભિનંદનીય છે. 2021 સુધીમાં દેશભરમાં 2796 નોંધાયેલ ગેરમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો છે. તેમાંથી 2100 જેટલી વિક્રમ સંખ્યાના પક્ષો પર કાર્યવાહી થવાની છે. દેશમાં આટલી મોટી સંખ્યાના પક્ષોના આંકડાની સંખ્યાએ હજારનો ભાર પછી સોનો આંકડો થવાની જરૂર છે. જેથી દેશમાં જરૂરી ત્રિપક્ષીય કે દ્વિપક્ષીય પધ્ધતિ વિકસાવી શકાય.

દેશના ચૂંટણીપંચે મોટી લોકસભાના ઉમેદવારના ખર્ચની મર્યાદા 70 લાખથી વધારી 95 લાખ રૂપિયા તેમજ મોટી વિધાનસભાના ઉમેદવારના ખર્ચની મર્યાદા 28 લાખથી વધારીને 40 લાખ રૂપિયા કરવામાં આવેલ છે. નાના રાજ્યોમાં લોકસભા ચૂંટણીમાં 54 લાખ વધારીને 75 લાખ રૂપિયા તેમજ નાના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં 20 લાખથી વધારીને 28 લાખ તાજેતરમાં વધારવામાં આવેલ છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક માત્ર કહેવા માટે જ રહેલ હોઇ હવે ચૂંટણી લડવાનું કરકસરવાળું મોડલ બનાવવાની જરૂર છે.

તેથી ચૂંટણીખર્ચની આ મર્યાદાઓ વધારવાની નહીં પણ ઘટાડવાની જરૂર છે. રાજકારણમાં અપરાધીકરણને રોકવા ચૂંટણીપંચે રાજકીય પક્ષોને ક્રિમીનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને પસંદ કરવા માટેના કારણો આપવાનો જે નિર્દેશ આપેલ છે તે આવકાર્ય ગણી શકાય. રાજકીય પક્ષો જ ક્રિમીનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારને ટિકીટ જ ન આપે અને મતદાતાઓ જ ક્રિમીનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારો (ભલે તે નોટ અને જ્ઞાતિવોટ ધરાવતો હોય) ચૂંટણીમાં મત જ ન આપે તેવું કહીને જ રાજકારણમાં વધતાં જતાં અપરાધીકરણને અટકાવી શકાશે.

દેશના પક્ષપલ્ટુના રાજકારણ પર લોકનીતિ – CSDSના રીસર્ચ કેસોના એક સ્ટડી રીપોર્ટ પ્રમાણે વર્ષ 2017 – 2020ના 4 વર્ષમાં 168 સાંસદો / ધારાસભ્યોએ પક્ષપલ્ટો કરેલ હતો. 79 % ભાજપમાં જોડાઇ ગયા. ભાજપમાં જોડાનારના 47 % કોંગ્રેસના હતા. પક્ષપલ્ટુ જેવી સ્થિતિ ઓછું ભણેલા પ્રજાના પ્રતિનિધિઓની પણ છે. ભણેલા ગણેલા સાંસદો વધવા છતાં 25 % સાંસદો ધો.12થી ઓછું ભણેલા છે. આમ, પક્ષપલ્ટુઓ માટે તેમજ અશિક્ષિત પ્રજાના પ્રતિનિધિઓ માટે પણ દેશના ચૂંટણીપંચે જરૂરી નિર્ણયો આગામી સંસદીય ચૂંટણી પહેલા લેવાની જરૂર છે. જેથી દેશની લોકશાહીને વધુ પરિપકવ બનાવી શકાય.
અમદાવાદ         – પ્રવિણ રાઠોડ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top