Madhya Gujarat

ખેડાના ઉમેદવારોમાં નિરાશા દેખાઇ

નડિયાદ : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં, પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જેને પગલે ખેડા જિલ્લામાં આ પરીક્ષા આપવા માટે દૂર-દૂરથી આવેલાં હજારો ઉમેદવારોમાં નિરાશા વ્યાપી હતી. ઉમેદવારો પરીક્ષા આપ્યાં વિના જ રડમસ આંખો સાથે પોતાના ઘરે જવા માટે પરત ફર્યાં હતાં. તારીખ 29 મી જાન્યુઆરીને રવિવારના રોજ ખેડા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતભરના વિવિધ સેન્ટરો ખાતે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી.

જે માટે જે તે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. ખેડા જિલ્લાના કુલ 57 કેન્દ્રોમાં કુલ 18 હજાર જેટલાં ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતાં. જે પૈકી મોટાભાગના ઉમેદવારો દૂરના ગામ-શહેરોના હતાં. જેથી તેઓ શનિવારે સાંજે જ પોતાના પરીક્ષાકેન્દ્ર વાળા ગામ-શહેરમાં આવી ગયા હતાં અને ત્યાં હોટલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા કે અન્ય કોઈ જગ્યાએ ભાડે રૂમ રાખી રાત્રી રોકાણ કર્યુ હતું. પરીક્ષામાં સફળ થવા માટે ઉમેદવારોએ આખી રાત ઉજાગરો કરી વાંચન કર્યુ હતું.

જોકે, દર વખતની જેમ આ વખતે પણ પરીક્ષાનું પેપર ફુટી ગયું હોવાથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે સવારે પરીક્ષાના ગણતરીના કલાકો પહેલાં જ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. બીજી બાજુ ઉમેદવારો સવારે પરીક્ષાના સમયે પોતાના પરીક્ષાકેન્દ્ર ખાતે પહોંચ્યાં, તે વખતે પરીક્ષા રદ્દ થઈ હોવાનું જાણી ઉમેદવારોમાં નિરાશા વ્યાપી હતી. રાત-દિવસની મહેનત બાદ પરીક્ષા જ રદ્દ થઈ જતાં કેટલાક ઉમેદવારો તો રીતસરના રડી પડ્યાં હતાં. રોષે ભરાયેલાં ઉમેદવારોએ રાજ્ય સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરી ઉપર રોષ વ્યક્ત કર્યો હતો. કદાચ પરીક્ષા લેવાય તેવી આશાએ કેટલાક ઉમેદવારો તો કલાકો સુધી પરીક્ષા કેન્દ્ર બહાર ઉભા રહેલાં જોવા મળ્યાં હતાં. તો વળી બાકીના ઉમેદવારોએ પરત ઘરે જવા વાટ પકડી હતી. જેને પગલે જિલ્લાના બસમથકોમાં ઉમેદવારોને જમાવડો જામ્યો હતો. દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બસમથકોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

વારંવાર પેપર લીક કેમ થાય છે ?
ઉમેદવાર અંકિતભાઈ જણાવે છે કે, હું દાહોદથી પરીક્ષા આપવા માટે ખેડા જિલ્લામાં આવ્યો હતો. પરીક્ષામાં પાસ થવા માટે ખુબ જ મહેનત કરી હતી. પરંતુ, જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર જ લીક થઈ ગયું અને પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ત્યારે સરકારને મારે પ્રશ્ન પુછવો છે કે, વારંવાર પેપર લીક કેમ થાય છે.

એસટીની આડોડાઇથી નિઃશૂલ્ક મુસાફરીથી વંચિત
જુનીયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થયાં બાદ ઉમેદવારોને પોતાના ગામ-શહેરમાં પરત જવા માટે સરકારે એસ.ટી બસમાં નિઃશૂલ્ક મુસાફરીની વ્યવસ્થા કરી હતી. જોકે, સંકલનના અભાવે આની જાણ જિલ્લા એસ.ટી તંત્રને મોડેમોડી જાણ થઈ હતી. આ ઉપરાંત સરકારના આ નિર્ણયથી અનેક ઉમેદવારો પણ અજાણ હતાં. જેથી મોટાભાગના ઉમેદવારો એસ.ટીની નિઃશૂલ્ક મુસાફરીનો લાભ લઈ શક્યાં ન હતાં. મુસાફરો સ્વખર્ચે પરત પોતાના ગામ-શહેર પહોંચ્યાં હોવાનુ જાણવા મળેલ છે.

Most Popular

To Top