Charchapatra

ગુજરાતી ભાષામાં પણ કોઈ જ કમી નથી

ઘણી વખત કેટલાક તજજ્ઞોના અંગ્રેજી પત્રો વાંચતાં સહેલાઈથી સમજી શકાય તેવા શબ્દોની જગ્યાએ તે જ શબ્દોના જાર્ગન શબ્દોનો ઉપયોગ કરે છે. પરિણામે વાચકે ક્યાં તો શબ્દકોષ જોવો પડે અથવા આજુબાજુનાં વાક્યોનો સંદર્ભે લઈ  તેનો અર્થ સમજવો પડે. દા.ત. તે ખૂબ શંકાશીલ છે. આ વાક્યને અંગ્રેજીમાં લખવું હોય તો હી ઈઝ વેરી સસ્પીસીયસ એવું લખાય, તો કોઈ પણ સાધારણ અંગ્રેજી જાણકાર વ્યકિત તે સમજી શકે. પરંતુ તેની જગ્યાએ હી ઈઝ વેરી ડોજી (DODGY) લખાય તો સહેજે વાચકને સમજવામાં તકલીફ પડે.

અંગ્રેજી ભાષાના જાર્ગન શબ્દોનો ગુજરાતી લેકસ્ઝીકોનના શબ્દકોષમાં જે અર્થ આપ્યો છે તે નીચે પ્રમાણે છે. જાર્ગન એટલે વિશિષ્ટ વર્ગ કે વ્યવસાયોમાં પ્રચલિત બોલી, ક્ષુદ્ર ભાષા, ક્ષુદ્ર બોલી, જડબાતોડ શબ્દ પ્રયોગ જંગલી અથવા અપભ્રષ્ટ ભાષા, કલકલ, બડબડાટ. આમ અંગ્રેજી ભાષાના આવા શબ્દો તો આપણને મળે છે, પણ ગુજરાતી ભાષામાં જાર્ગન વપરાતા નથી પણ વાપરી શકાય તેવા જાર્ગન શબ્દો શ્રી વિષ્ણુગુપ્ત ચાણક્યે આપ્યા છે. ‘ગુજરાતમિત્ર’નો વાચક વર્ગ ગુજરાતી ભાષા માટે કૂણી લાગણી ધરાવે છે તેની માહિતીને આધારે સૌ વાચકોની જાણ માટે અત્રે સાભાર જણાવવાની રજા લઉં છું.

અવસર્પ = જાસૂસ, દુર્ભગા =પતિને ન ગમતી સ્ત્રી, અવક્ષિપ્ત =ડીસમીસ થયેલ અધિકારી, અમ્લશીધુ = ખાટો શરાબ, ઉપતાપ = હેરાનગતી, પ્રક્ષેપ = મૂડી રોકાણ, પ્રતિસંસ્કાર = રીપેરીંગ કામ, પ્રવજિતા = ઘર છોડી ગયેલ સ્ત્રી, પ્રદાનિક = કન્યાદાન, નિષ્કિર = બહાર જવાનો રસ્તો અને કટ્ટાક = સુથાર. અમે શાળામાં ભણતા ત્યારે ભંદ્રભદ્રના મુખે બોલાયેલા ત્રણ ચાર શબ્દો આજે પણ યાદ છે અને નવી પેઢી સમક્ષ તેનો ઉપયોગ થઈ શકતો નથી. દા.ત. મોહમયી નગરી એટલે મુંબઈ, મૂલ્યપત્રિકા એટલે ટિકિટ, અગ્નિરથ વિરામસ્થાન એટલે સ્ટેશન. આજે કોઈ રિક્ષાચાલકને કહીએ કે મને અગ્નિરથ વિરામસ્થાન પર લઈ જા ભાઈ, તો મનમાં જ બે સુરતી બોલી ચાલતી પકડે.
સુરત     – રાજેન્દ્ર કર્ણિક     -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અચ્છે દિન આ ગયે?
તાજેતરમાં જ અખબારોમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર હેઠળ વસ્તી વધારામાં આપણો ભારત દેશ સૌને પાછળ છોડીને અધધ.. આંકડો વટાવી ગયો,બહુધા નિરક્ષર લોકોને સમજાવવા છતાં પણ સાક્ષરો વામણા સાબિત થઈ રહ્યા છે, એમાં પણ સર્વ સમાજ માટે સૌથી વધારે ચિંતાજનક બાબત એ રહે છે કે, પુરુષની સરખામણીમાં સ્ત્રીનો જન્મદર ઘટતો જાય છે, ત્યારે એ વાત સાબિત થઈ રહી છે કે, સ્ત્રીભૃણ હત્યાઓ આ દેશમાં આજની તારીખે બેરોકટોક અથવા કહો કે, લાંચ રૂશ્વત અને હપ્તાની રકમો હજીય લાગતાવળગતા તમામ સંબંધિત સત્તાધીશોને પહોંચી રહી છે.  મન કી બાત કહેતી સરકારે હવે ચારે બાજુથી ત્રસ્ત અને ત્રાહિમામ પોકારી ઊઠેલી લોકશાહીના મનની વાતો જાણવાની સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવાની તાત્કાલિક જરૂરિયાત છે.  મોંઘવારીથી પરેશાન મધ્યમ વર્ગ અને બેરોજગાર યુવાનોના મુખ્ય મુદ્દાઓના ઉકેલ લાવવા માટે તેમજ સરકાર વધતી જતી વસ્તીને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કરવાને બદલે માત્ર ને માત્ર પોતાના પક્ષને પોષતી વૉટબેન્કની જ ચિંતા કરે છે એ વાત સાબિત થઈ રહી છે.
સુરત     – પંકજ મહેતા       -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top