Comments

સંસાર પણ એપ્રિલફૂલ છે..!

સાર-અસાર ને સંસારમાં સાંધાની સૂઝ નહિ હોય એને પણ લગન તો કરવા પડે. રતનજીને પૂછો તો એમ જ કહે, વિવાહ એટલે મીનીમમ લગન, ને લગન એટલે મેક્ષીમમ વધન, ઉર્ફે એપ્રિલ-ફૂલ..! સ્વાતંત્ર્ય દિવસ ક્યારે આવે એમ પૂછીએ તો આજે પણ એમ જ કહે કે, ‘વર્ષમાં બે વખત આવે. એક ૨૬ મી જાન્યુઆરીએ ને બીજી ૧૫ મી ઓગષ્ટે..! જે દિવસે ઝંડો ફરકાવીએ એ દિવસે સ્વાતંત્ર્ય દિન..! સા.બુ.નો (સામાન્ય બુદ્ધિનો) સાવ કંગાળ..! મને કહે, ‘રમશુઉઉ..! એપ્રીલ-ફૂલ પણ વર્ષમાં બે વખત આવે, ૧ લી એપ્રિલે, ને બીજી વરઘોડો કાઢીએ ત્યારે..! લગન પણ એપ્રિલ-ફૂલનું થ્રીલર જ છે.

ધામધુમીના માહોલમાં ભલે લગનની જ્વાળા ઝબુકીયા જેવી પપલતી હોય. પણ પરણ્યો એટલે પતી ગયો…! કુંવારા હોય ત્યાં સુધી તો એકબીજામાં ગૂંચવાયેલી દોરી જેવાં હોય, ફિરકીમાં વીંટાયા પછી ખબર પડે કે, સાલા મૈ તો એપ્રિલ-ફૂલ બન ગયા..! લગન પહેલાં જિંદગી મેઘ ધનુષ જેવી, રંગીન અને સંગીન લાગે, મેઘધનુષના ૭ રંગ જેવાં છુટા પડવા માંડે, ત્યારે ખબર પડે કે, સંસાર અસાર છે. આ ધંધો નહિ કરાય..! સ્થિતિ એવી ફેણ ચઢાવવા માંડે કે, ચીયર્સને બદલે ચિચયારી પડવા માંડે. ધુમ્મસને બદલે ધુમાડા નીકળવા માંડે..! બાગના બાંકડે બેસીને શીંગ ફંફોળતા ભલે ગાયું હોય કે, ‘બડે અરમાનસે રખ્ખા હૈ સનમ પહેલાં કદમ’એ કદમ પણ લંગડાવા માંડે. સ્વસ્તિકની ભાવનાનાં ફુગ્ગા માંથી હવા નીકળી જાય.

એકવડો હોય તે બેવળ વળી જાય, ને નિરામય હોય એ બેવડો થઇ જાય. કુંવારાને ગભરાવવાની વાત નથી, પણ લગન પણ એક એપ્રિલ-ફૂલ જ છે બોસ..! સંસાર માંડ્યા પછી સાત ફેરાને ટાઈટ રાખવા પડે. કારણ કે ફેરા ફરી લીધાં પછી, અવળા ફેરા ફરીને આંટા ઉખેળવાની કોઈ જોગવાઈ નથી. ‘ઐસી કી તૈસી’કરીને વેઠી લેવાનું. ‘માહીં પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જો ને’એવી હિમત રાખવાની. લગન પછી ઉકરડે બેસીને ગીત નહિ ગાવાનું કે, ‘પંખીડાને આ પીંજરું જુનું જુનું લાગે..!’એને લગન નહિ, એપ્રિલ-ફૂલ કહેવાય..!  કફોડી હાલત ત્યારે થાય કે, સામેનાં જ ફ્લેટમાં નવું પીંજરું હોય, પણ સંતોએ મોહ-માયા-લોભ-મદ-મત્સરના રવાડે ચઢી હળી કરવાની બિલકુલ ના પાડેલી, એટલે ક્રીઝની બહાર રમવા તો જવાય નહિ. જે થાય તે પાઘડીના વળ છેડે..! એટલું જ યાદ રાખવાનું કે, એપ્રિલ-ફૂલ સહન કર્યા વગર બાકીના મહિના આવતા નથી.

‘મેઘ-ધનુષ’ના સાતેય રંગ સાત દિવસમાં ઉડવા માંડે, આનંદ અરમાન અને ઉમંગના ભીંગરા ખરતાં દેખાય તો સંસારનો પ્રસાદ માનીને માણી લેવાનો. એપ્રિલ-ફૂલ આનંદ નો જ પર્યાય છે. થાળી અને છપ્પન ભોગના થાળ વચ્ચે ફરક તો રહેવાનો..! જેમ ઘર-ઘરના ટેસડાં જુદાં, એમ માથે-માથે ભગવાને સૌને બુદ્ધિ પણ જુદી જુદી આપેલી. બધાનાં જ ભાગ્યમાં હરખના દેવાળા હોતાં નથી. કોઈને એપ્રિલ-ફૂલમાં પણ દેખાય. તો કોઈને વળી બાજુવાળાના મેઘધનુષ જોઇને બળતરા પણ થાય. પણ જેના લમણે દુર્ભાગ્યએ રાતવાસો જ કર્યો હોય, એનાં જ ડંકા વાગે તો સહનશીલ બનવાનું.! ખબર છે કે, નહિ ઘરમાં રહેવાય, નહિ સાસરે જવાય. સાસરે જાય તો સાસુ ફોરાં કાઢે, ને ઘરે રહીએ તો ઘરવાળી ડોળા કાઢે.

ફજેતીના ફાલુદા તો ત્યારે થાય કે, કુંવારાકાળમાં આપેલાં પ્રોમિસ ના પરપોટા ઉઠવા માંડે. કારણ કે વચનો આપવામાં આપણે દરિદ્ર નથી. લગન પહેલાં તો ‘તું નથી તો હું નથી, ને હું નથી તો તું નથી’ની રોજની ૧૦૮ માળા ફેરવતા હતાં, એ યાદ આવવા માંડે. પણ જેવાં ઘરમાં ઘોડિયાં બંધાવા માંડે એટલે બધી ‘લવરી’જાગૃત થઈ જાય. ( તમને નથી લાગતું કે, આ ‘લવરી’શબ્દ LOVE ઉપરથી આવ્યો હોય? કદાચ મારી અંધ-શ્રદ્ધા હશે..! ) લવરી જાગૃત થાય એટલે, મહોલ્લામાં ફેરિયો બુમ પાડતો હોય એમ ઘરની ચાર દીવાલ માંથી અવાજ ઉઠવા માંડે કે, ‘ક્યાં તો હું નથી, ક્યાં તો તું નથી.!. ‘હું નથી તો તું નથી’વાળો છેદ જ ઉડી જાય..! માણહ અષ્ટવક્રા થવા માંડે મામૂ..! એટલે કહું છું કે, આવું થાય ત્યારે તમે પણ એ જ કહેશો કે, લગન પણ એક એપ્રિલ-ફૂલ જ છે.

 આપણે ૧ લી એપ્રિલે જ ‘એપ્રિલ-ફૂલ’બનીએ છીએ, એ ભ્રમ છે. રોજના જ એપ્રિલ-ફૂલ બનીએ છીએ. કોઈનું શ્વાસ લેવાનું ભૂલી જવું, એ પણ એપ્રિલ-ફૂલ છે. સવારમાં છાપાવાળો જ પહેલો એપ્રિલ-ફૂલ બનાવી જાય. બધાં જાણે છે કે, સમાચાર જાણવા માટે જ છાપાનું લવાજમ આપણે ભરીએ, છતાં છાપામાં સમાચાર કરતાં જાહેરાત વધારે આવે, ને જાહેરાત કરતાં ફરફરિયાં વધારે ટપકે..! સાલી સમજ નહિ પડે કે, આપણે છાપાનું લવાજમ ભરીએ છીએ કે ફરફરિયાંનું..? સમાચાર તો રાબેતા મુજબના જ હોય..! આજનું છાપું વાંચીએ છીએ કે ગઈ કાલનું એ તો સમજાય જ નહિ. માત્ર વાર અને તારીખ જ નવી હોય..!

વાઈફ સાથે મસ્તીથી Holiday કરવા નીકળ્યા હોય ત્યારે, એકબીજાની ગમે એવી ઈચ્છા હોય તો પણ ‘સેલ્ફી કે ફોટોગ્રાફી’તો પોતાની ગુણસુંદરી સાથે જ લેવી પડે. દરિયા કિનારે ઢગલો રૂપસુંદરી ફરતી હોય, છતાં, પેલી રૂ.સું, સાથે ફોટોગ્રાફી લેવા રૂ.સું. ને એક કલીક માટે હાયર નહિ કરાય..! આનાથી કડવું બીજું કયું એપ્રિલ-ફૂલ હોય શકે..? જે ગમે છે તે મળતું નથી, ને જે મળે છે તે ગમતું નથી, એનું નામ પણ એપ્રિલ-ફૂલ..! એકબીજાને મૂરખ બનાવવાની મઝા અને ચેષ્ટાને જ એપ્રિલ-ફૂલ કહીએ છીએ એ અંધશ્રદ્ધા છે. જો કે એપ્રિલ-ફૂલ બનવામાં ફાયદો એ કે, પીડિત માનવીની સહનશક્તિનું માપદંડ જાણવા મળે, કે એ કેટલાં કિલોવોટનો સહનશીલ છે..! તકલાદી તો નથી ને..? સાચું પૂછો તો નૈસર્ગિક આનંદથી હવે માણસમાં હવે વસંત ખીલતી નથી, ક્યાં તો એ આળસુ બની ગયો છે. ક્યાં તો ‘સેન્સેશન’ગુમાવી ચુક્યો છે. કોઈને ઉલ્લુ બનાવ્યા વગર એ નિજાનંદ પામી શકતો નથી. એટલે તો એ કોઈને એપ્રિલ-ફૂલ બનાવવા Recharge થવાના સ્થાનક શોધે..!

 ફેબ્રુઆરી મહિનામાં આવતા અનેક ‘દહાડા’(Days) ઉજવવા માટે કોઈ કસર છોડતું નથી. પછી એ રોઝ ડે હોય, હગ ડે હોય, પ્રોમિસ ડે હોય, ટેડીબર ડે હોય, કે કિસ ડે હોય કે કોઈપણ ડે હોય, કોઈ Miss કરતુ નથી. અમુક તો Days ઉજવવા માટે પણ ‘Over time’કરતાં હોય..! આખું વર્ષ ઉજવણા કરવાના હડકાયાં બની જાય. ઉજવણા કરીને ખાલી થઇ જાય ત્યારે બધાં જ Days બદલાય જાય કે, ‘તું મને જીવવા દે, શાંતિથી મરવા દે, ધરાયને ઊંઘવા દે, મને આડો થઈને પડી રહેવા દે વગેરે વગેરે..! માર્ચમાં Closing આવતું હોવા છતાં પણ સિગ્નલ તોડીને ઘણાં તો ઉજવણા કરતા હોય. જ્યારે ખાલીખમ્મ થઇ જાય ત્યારે ૧ લી એપ્રિલ જાણે Full થવાનો સક્રાંતિ કાળ હોય એમ, Fool થવા માટે ‘એપ્રિલ-ફૂલ’મનાવે. પછી એપ્રિલ-ફૂલ, ને ડબ્બા ગુલ .!

લાસ્ટ ધ બોલ
તને ખબર છે એક કીડી કાલે પ્લેન ગળી ગઈ..
પછી?
પછી શું એ આકાશમાં ઉડવા લાગી.
 MY GOD ! પછી….
 એની સાથે એક મંકોડો પણ ઉડવા લાગ્યો
 કેમ ? એ પણ પ્લેન ગળી ગયો કે શું..?
 ના, કીડી ગળી ગયો
 પછી?
 પછી ભમરો ઉડવા લાગ્યો
 બરાબર..! એ પેલા મંકોડાને ગળી ગયો હશે.
 ના રે ના, શું બુધ્ધુ જેવી વાત કરે છે.
 ભમરાને તો પાંખો હોય કે નહિ,,?
 એપ્રિલ ફૂલ…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top