Business

વારંવાર નિવેદન બદલવાના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ પર આખું વિશ્વ હસી રહ્યું છે

અમેરિકાના રાજકારણમાં અને વૈશ્વિક ભૌગોલિક રાજનીતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક એવા નેતા તરીકે ઓળખાય છે જેમના નિર્ણયો અને નિવેદનો અણધાર્યા અને ક્ષણિક લાભથી પ્રેરિત હોય છે. તાજેતરમાં યુક્રેન-રશિયા યુદ્ધ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અંગે ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોએ વૈશ્વિક સ્તરે રાજદ્વારી વર્તુળોમાં મોટી ચર્ચા જગાવી છે. એક સમયે શાંતિ સમજૂતી અને યુદ્ધ રોકવાની વાતો કરનાર ટ્રમ્પે હવે યુક્રેનમાં ‘નવા નેતા’ ની માંગ કરી છે અને ઝેલેન્સ્કી પર યુદ્ધ રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. આ પ્રકારનો પલટો માત્ર ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિનું પ્રતિબિંબ નથી, પરંતુ વૈશ્વિક રાજનીતિમાં અમેરિકાની સ્થિરતા સામે પણ પ્રશ્નાર્થચિહ્ન ઊભું કરે છે. હવે સવાલ એ છે કે  ટ્રમ્પે યુક્રેન માટે શા માટે વલણ બદલ્યું?   ટ્રમ્પના વલણમાં આવેલા આ પરિવર્તન પાછળ કેટલાંક મહત્વના આર્થિક અને રાજકીય કારણો જવાબદાર છે.

ઘરેલું રાજકારણ અને મોંઘવારી (ડીઝલ અને બળતણના ભાવ) અમેરિકામાં વધી રહેલી મોંઘવારી અને ઈંધણના ભાવ ટ્રમ્પ માટે ઘરેલું રાજકીય સવાલો ઊભા કરી રહ્યા છે. તાજેતરમાં અમેરિકાએ રશિયા સાથે ડીઝલ પુરવઠા અંગે છૂટછાટો અને સમજૂતીની દિશામાં પગલાં લીધાં, જેનો યુક્રેને સખત વિરોધ કર્યો હતો. આ વિરોધથી નારાજ થઈને ટ્રમ્પે યુક્રેનિયન નેતૃત્વ પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. ટ્રમ્પ હંમેશાં યુક્રેનને અપાતી કરોડો ડોલરની લશ્કરી અને આર્થિક સહાયના વિરોધી રહ્યા છે. તેમનું માનવું છે કે અમેરિકાના કરદાતાઓના પૈસા બીજા દેશના યુદ્ધમાં વેડફાવા ન જોઈએ. ટ્રમ્પનો ઝુકાવ ઘણીવાર વ્લાદિમીર પુતિન સાથે સીધી વાટાઘાટો કરીને વ્યવહારિક ઉકેલ લાવવા તરફ રહ્યો છે.

જ્યારે ઝેલેન્સ્કી પોતાની ક્ષેત્રીય અખંડિતતા  સાથે સમાધાન કરવા તૈયાર નથી, ત્યારે ટ્રમ્પ તેમને શાંતિ પ્રક્રિયામાં બાધા તરીકે જુએ છે. ટ્રમ્પના ટેરિફ સહિતના નિવેદનો અને તેમાથી પલટી મારવી એ જોતાં  ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો અને નીતિઓ પર સંપૂર્ણ ભરોસો મૂકવો મુશ્કેલ છે, કારણ કે તેમની વિદેશ નીતિમાં દ્રઢ આદર્શવાદ કે સ્થિરતાને બદલે વ્યવહારવાદ પ્રાથમિકતા ધરાવે છે. ટ્રમ્પના નિવેદનો કાયમી રાજદ્વારી નીતિઓ પર આધારિત હોવાને બદલે ક્ષણિક આર્થિક લાભ અને ઘરેલું ચૂંટણીલક્ષી સમીકરણોથી પ્રેરિત હોય છે. ટ્રમ્પના નિવેદનો વારંવાર બદલાતા રહે છે.

ગઈકાલે જે દેશ અમેરિકાનો સાથી હતો, તે આજે તેમની આલોચનાનો ભોગ બની શકે છે. જો અમેરિકા દર થોડા મહિને પોતાના આંતરરાષ્ટ્રીય વચનો અને સાથી દેશો પ્રત્યેનું વલણ બદલશે, તો નાટો (NATO) અને અન્ય વૈશ્વિક સાથીઓનો અમેરિકા પરથી વિશ્વાસ ઉઠી જશે.  રશિયન આક્રમણ સામે લડી રહેલા યુક્રેન માટે અમેરિકા તરફથી મળતો આંચકો તેના મનોબળને તોડી શકે છે. અમેરિકાના નરમ વલણ અને યુક્રેનમાં નેતૃત્વ બદલવાની માંગથી રશિયાને વધુ આક્રમક બનવાનું પ્રોત્સાહન મળી શકે છે.૩. અમેરિકા પાછળ હટશે તો યુરોપિયન દેશો પર યુક્રેનની સુરક્ષા અને આર્થિક મદદનો તમામ બોજ આવી જશે.

ડોનાલ્ડ ટ્રમ્પનું યુક્રેન અંગેનું વલણ દર્શાવે છે કે વૈશ્વિક રાજનીતિમાં કોઈ કાયમી મિત્ર કે શત્રુ હોતો નથી, માત્ર સ્વાર્થ કાયમી હોય છે. રશિયા સાથેના વેપાર અને ડીઝલ સમજૂતીના આર્થિક હિતો આગળ ટ્રમ્પે યુક્રેનની સાર્વભૌમત્વની લડાઈને ગૌણ બનાવી દીધી છે. આ પરિસ્થિતિમાં, ટ્રમ્પના નિવેદનો કે વચનો પર આંધળો વિશ્વાસ મૂકવો યુક્રેન અને વિશ્વના અન્ય દેશો માટે જોખમી સાબિત થઈ શકે છે. વિશ્વભરના નેતાઓએ હવે અમેરિકા પર સંપૂર્ણ નિર્ભર રહેવાને બદલે પોતપોતાની આત્મનિર્ભર સુરક્ષા નીતિઓ ઘડવી પડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એટલાન્ટિક અથવા પેસિફિક મહાસાગરનું નામ બદલીને ‘ટ્રમ્પ ઓશન’ અથવા ‘ઓશન ઓફ ધ અમેરિકા’ રાખવાનું સૂચન કર્યું છે.

ટ્રમ્પે શનિવારે એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું કે 2028માં પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં તેઓ એક મહાસાગર અને એક મોટી નદીનું નામ બદલવા માંગે છે. તેમની આ વાત પર રેલીમાં હાજર લોકો હસવા લાગ્યા અને તાળીઓ પાડવા લાગ્યા. જોકે, તેમણે મહાસાગરનું નામ બદલવાનો કોઈ ઔપચારિક સત્તાવાર રજૂ કર્યો નથી. આ પહેલાં પણ ટ્રમ્પ પોતાના નામ પરથી અનેક સ્થળોનાં નામ રાખવાનું સૂચન કરી ચૂક્યા છે.તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઘણી વખત હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકન વિસ્તાર ગણાવતા પૂછ્યું છે કે શું તેનું નામ બદલીને ‘ટ્રમ્પ સ્ટ્રેટ’ કરી દેવું જોઈએ.

Most Popular

To Top