કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના પૂર્વ મહામંત્રી દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ શનિવારે અવસાન થયું છે. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી બીમાર હતા. તેમના નિધનના સમાચારથી ગુજરાત કોંગ્રેસ સહિત પક્ષના કાર્યકરો અને નેતાઓમાં શોકની લાગણી ફેલાઈ છે. દીપક બાબરિયા કોંગ્રેસમાં લાંબા સમયથી સંગઠનાત્મક કામગીરી માટે જાણીતા હતા. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)માં વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. તેઓ મધ્ય પ્રદેશ, હરિયાણા અને દિલ્હી સહિતનાં રાજ્યોમાં પક્ષના પ્રભારી તરીકે પણ કામગીરી કરી ચૂક્યા હતા. સંગઠનને મજબૂત બનાવવા માટે તેઓ પડદા પાછળ રહીને કામ કરવાનું વધુ પસંદ કરતા હતા.
બાબરિયાએ પોતાના રાજકીય જીવન દરમિયાન કોંગ્રેસના સંગઠનમાં અનેક મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી હતી. પક્ષની રણનીતિ અને સંગઠનાત્મક કામગીરીમાં તેમનું યોગદાન રહ્યું હતું. તેમના નિધનથી કોંગ્રેસે એક અનુભવી નેતા ગુમાવ્યા છે. દીપક બાબરિયાના પાર્થિવ દેહને બપોરે 1:30 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય ખાતે લાવવામાં આવશે. ત્યારબાદ અમદાવાદના એલિસબ્રિજ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના અવસાનથી પક્ષના નેતાઓ અને કાર્યકરોમાં શોકનો માહોલ છે.