અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી ભવન બહાર ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. JNUના પ્રોફેસર અને કોંગ્રેસના સાંસદ અંગોમચા બિમોલ અકોઈજાન સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આરોપોને લઈને મહિલા મોરચાની કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય તરફ કૂચ કરી હતી. જોકે, પોલીસે બેરિકેડિંગ કરીને તેમને આગળ વધતા અટકાવતાં કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. અંતે મહિલાઓ રસ્તા પર ધરણાં પર બેસી હતી અને વિરોધ પ્રદર્શન પૂર્ણ કર્યું હતું.
વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓએ ડીજે અને સાઉન્ડ સિસ્ટમ સાથે કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ‘એક કચોરી દો સમોસા, રાહુલ તેરા ક્યા ભરોસા’, ‘કોંગ્રેસ હાય હાય’, ‘રાહુલ ગાંધી હાય હાય’ અને ‘હાય રે પપ્પુ હાય’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ‘નારીનું અપમાન, સહન કરશે નહીં હિન્દુસ્તાન’ લખેલાં બેનરો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ વિરોધમાં જોડાઈ હતી.
વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજીવ ગાંધી ભવનની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એક DCP, બે ACP અને છ PI સહિત 600થી વધુ પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ત્રણ સ્તરે બેરિકેડિંગ ગોઠવાયું હતું. મહિલાઓને રોકવા માટે 200થી વધુ મહિલા પોલીસકર્મીઓ પણ તહેનાત કરવામાં આવી હતી. JCP નીરજ બડગુજર સહિતના પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓ રાજીવ ગાંધી ભવન તરફ આગળ વધવા માટે દોડ લગાવતાં પોલીસે તેમને અટકાવી હતી. કેટલીક મહિલાઓએ બેરિકેડ કૂદીને આગળ જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે મહિલાઓને ધક્કા મારીને પાછળ ધકેલી હતી અને કેટલાક કાર્યકર્તાઓને દંડા વડે દૂર ખસેડવામાં આવ્યા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા. વિરોધ કરી રહેલી મહિલાઓએ છાતી પીટીને સૂત્રોચ્ચાર કર્યા હતા.
મંત્રી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય પાયલ કુકરાણી સહિત ભાજપના મહિલા મોરચાના અનેક કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓને પણ આગળ વધતાં પોલીસે રોક્યા હતા. બીજી તરફ, કોંગ્રેસ કાર્યાલય તરફથી પણ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કાર્યકર્તાઓને આગળ જતાં અટકાવવામાં આવતાં મહિલા મોરચાએ રસ્તા પર ધરણાં શરૂ કર્યાં હતાં. ધરણાં અને સૂત્રોચ્ચાર બાદ વિરોધ પ્રદર્શન પૂર્ણ થયું હતું, ત્યારબાદ પોલીસે બેરિકેડિંગ હટાવવાની કાર્યવાહી કરી હતી.
ઝોન-7ના DCP શિવમ વર્માએ જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પૂરતી પોલીસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ માટે પરવાનગી લેવામાં આવી હતી અને શાંતિપૂર્ણ રીતે વિરોધ પૂર્ણ થાય તે માટે ત્રણ સ્તરે બેરિકેડિંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.